આણંદ : આણંદમાં રહેતા એનઆરઆઈની ભાલેજમાં આવેલી વડીલોપાર્જીત જમીન પર બે ભાઇએ પાકુ મકાન બનાવી ખેતી શરૂ કરીને પચાવી પાડી હતી. આ અંગે એનઆરઆઈએ ભાલેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આણંદના કિશોર પ્લાઝા પાસે ક્રિષ્ના હાઉસીંગમાં રહેતા ભાવિનભાઈ ઉર્ફે રીન્કુભાઈ પટેલની વડીલો પાર્જીત જમીન ભાલેજમાં આવેલી છે. આ જમીનની 7/12માં ભાવિનભાઈ અને તેમના માતાનું નામ ચાલે છે. આ જમીનમાં તેઓએ પોલ્ટ્રી ફાર્મ બનાવ્યું હતું. જોકે, તેમના પિતાએ આ ખેતરમાં મજુરી માટે હઠિસિંહ કમભઇભાઇ સોલંકી, મંગુબહેન હઠિસિંહ સોલંકી, મંજુલાબહેન રમેશભાઈ સોલંકી, ચંદ્રિકાબહેન હઠિસિંહ સોલંકીને રાખ્યાં હતાં અને તેમના ખેતરમાં જ ઓરડી બનાવીને રહેવા આપી હતી. દરમિયાનમાં ભાવીનભાઈ 2021માં અમેરિકા ગયાં હતાં અને જમીનનો વહીવટ ગીરીશ ડાહ્યાભાઈ પટેલને સોંપ્યો હતો. આ ગાળામાં અરૂણસિંહ હઠિસિંહ સોલંકી, રમેશ હઠિસિંહ સોલંકીને ના કહેવા છતાં ચાર વિઘામાં ડાંગરના પાકનું વાવેતર કર્યું હતું. જે બાબતે ગીરીશભાઇએ વાવેતર નહીં કરવા કહેતા આ જમીન અમારી છે, અમે વાવેતર કરવાના છીએ. તમારે થાય તે કરી લો. તમારે અહીં આવવું નહીં.
આ ઉપરાંત પાકુ આરસીસી વાળુ મકાન બંધ બનાવી દીધું હતું. આથી, ભાવીનભાઈ તુરંત અમેરિકાથી આવી ગયાં હતાં અને અરૂણસિંહ અને રમેશભાઈને મળી પૂછ્યા વગર કેમ વાવેતર કર્યું ? તેમ કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને આ જમીન અમારી છે. અમે જ ખેતી કરવાના છીએ અને અમારી જમીન પર બાંધકામ કર્યું છે. તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તેઓએ કલેક્ટરમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ આપતા તપાસના અંતે અરૂણસિંહ હઠિસિંહ સોલંકી તથા રમેશભાઈ હઠિસિંહ સોલંકી (બન્ને રહે. ભાલેજ)એ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી હોવાનું ખુલ્યું હતું. આથી, બન્ને ભાઇ વિરૂદ્ધ ફરિયાદ આપતાં ભાલેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદમાં જમીન પચાવી પાડવાના કેસમાં લેન્ડ ગ્રેબીંગ કાયદો આશીર્વાદરૂપ બન્યો છે.