નડિયાદ, તા.13
નડિયાદના ચલાલી નજીક પુરપાટે આવતા ડમ્પરે વળાંક પર ડીવાઈડર કુદાવી સામેથી આવતા મોટરસાયકલ સાથે અથડાવી હતી. જોકે, ડમ્પરના ચાલકે વાહન પર કાબુ ગુમાવતાં તે નહેરમાં ખાબક્યુ હતું. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિને 25 ફૂટ દૂર ઢસડી કચડી દેતાં બંન્નેના મોત નિપજયા છે. આ બનાવ મામલે ડમ્પર ચાલકની બેદરકારી સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના માઘરોલી ગામે દૂધની ડેરી સામે અક્ષર ભાલચંદ્ર પટેલ રહેતા હતા. ગત 12 જાન્યુઆરીના રોજ રાતના આશરે 9 વાગ્યાની આસપાસ ગામના હાર્દિક નટુભાઈ સોલંકી સાથે અક્ષરના સંબંધીનુ મોટરસાયકલ લઈને આ બંને લોકો પણસોરા વાળ કપાવવા ગયા હતા. દરમિયાન વાળ કપાવી પરત પોતાના ઘરે આ અક્ષય અને હાર્દિક મોટરસાયકલ ચલાવી આવતા હતા. આ સમયે નડિયાદના ચલાલી નજીક ચલાલી-વણસોલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતા એક ડમ્પર નંબર GJ 06 AX 5436ના ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો.
આ ડમ્પરના ચાલકે વળાંક પર ફુલ સ્પીડમા આવી એકએક કાબુ ગુમાવતા ડમ્પર એક ફુટથી ઊંચું ડીવાઈડર કુદાવી સામેના રોડ પર આવી ગયું હતું. અને એ બાદ ઉપરોક્ત મોટરસાયકલને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, આ ડમ્પરે મોટરસાયકલને લગભગ 25 ફૂટ દૂર ઢસડી કેનાલમાં ડમ્પર ખાબક્યુ હતું. અકસ્માતનો અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને હાર્દિક સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અક્ષર પટેલ મૃતદેહ આ ડમ્પરના નીચે દટાયેલો હતો. આ બાદ ક્રેન મારફતે કેનાલના પાણીમાંથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું હતું અને નીચેથી અક્ષર પટેલનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.