Gujarat

સુરત-મુંબઈના બે આરોપીની ધરપકડ, 19 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

અમદાવાદ: અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના અધિકારીઓની ટીમ દ્વારા બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી આધારિત નાણાકીય ઠગાઈ ષડયંત્ર કેસમાં પ્રિવેશન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (PMLA), 2002ની કલમ 19(1) હેઠળ સુરત અને મુંબઈ નિવાસી 33 વર્ષીય નિકુંજ પ્રવીણભાઈ ભટ્ટ અને 49 વર્ષીય સંજય કોટડિયાની ધરપકડ કરી છે. આ કેસમાં સુરત પોલીસ સમક્ષ નોંધાયેલી બે એફઆઈઆરના આધારે ઈડીએ તપાસ શરૂ કરી હતી. એફઆઈઆર મુજબ સતીશ કુમાણી અને તેના સહયોગીઓએ નિર્દોષ લોકોને બિટકોઇનમાં રોકાણ માટે પ્રેરિત કરી કરોડો રૂપિયાની ગુનાહિત આવક મેળવી હતી. આ રકમનો ઉપયોગ ક્રિપ્ટોકરન્સી અને સ્થાવર સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.

ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બર 2016થી જાન્યુઆરી 2018 દરમિયાન આરોપીઓએ બિટકનેક્ટ નામની કહેવાતી યોજના અંતર્ગત ક્રિપ્ટોકરન્સીનું પ્રચાર–પ્રસાર કર્યું હતું. આ યોજનામાં ભારત સહિત વિશ્વભરના રોકાણકારો સામેલ થયા હતા. બિટકનેક્ટના સંસ્થાપકો દ્વારા વૈશ્વિક નેટવર્ક ઊભું કરીને પ્રમોટર્સને કમિશન આપવામાં આવતું હતું. રોકાણકારોને દાવો કરવામાં આવ્યો હતો કે ‘વોલેટિલિટી સોફ્ટવેર ટ્રેડિંગ બોટ’ દ્વારા દર મહિને 40 ટકા સુધીનું રિટર્ન મળશે. બિટકનેક્ટની વેબસાઇટ પર ખોટા રિટર્ન દર્શાવી વાર્ષિક લગભગ 3,700 ટકા નફાના દાવા કરવામાં આવતા હતા. તપાસમાં ખુલ્યું કે આ તમામ દાવા ખોટા હતા અને રોકાણકારોની રકમ ટ્રેડિંગમાં નહીં પરંતુ આરોપીઓ અને તેમના સાગરીતોના નિયંત્રણવાળા ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવતી હતી.

બીજી એફઆઈઆર મુજબ, શૈલેશ બાબુલાલ ભટ્ટ અને તેના સાગરીતોએ બિટકોઇનમાં કરેલા કહેવાતા રોકાણની વસૂલી માટે સતીશ કુમાણીના બે સહયોગી પીયુષ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ કર્યું હતું. તેમને છોડવા બદલ 2254 બિટકોઇન, 11,000 લાઇટકોઇન અને અંદાજે 14.5 કરોડ રૂપિયા રોકડ વસૂલવામાં આવ્યા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે નિકુંજ ભટ્ટને એક ક્રિપ્ટો એક્સચેન્જ મારફતે બે અલગ ખાતામાં કુલ 266 બિટકોઇન મળ્યા હતા, જેમાંથી 10.9 બિટકોઇન ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. નિકુંજ ભટ્ટે જાણીજોઈને 246 બિટકોઇન તૃતીય પક્ષના ખાતાઓ મારફતે હવાલા કરી માલિકી અને સ્ત્રોત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રકમને પછી ઇથેરિયમ અને યુએસડિટી જેવા ક્રિપ્ટોમાં બદલી અનેક વૉલેટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

અદાલતે 4 દિવસની ઈડી કસ્ટડી મંજૂર કરી.

પીએમએલએ હેઠળ 9 જાન્યુઆરી, 2026ના રોજ પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જપ્ત કરાયા. ફોરેન્સિક તપાસ દરમિયાન ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને એક્સચેન્જ સંબંધિત પુરાવા મળ્યા. ઈડીએ શેર, મ્યુચ્યુઅલ ફંડ, ક્રિપ્ટોકરન્સી અને રોકડ સહિત કુલ 19 કરોડની સંપત્તિ જપ્ત- ફ્રીઝ કરી છે. તપાસમાં સહકાર ન આપવાના, પુરાવા નષ્ટ થવાની અને ભાગી જવાની શક્યતા જોતા ઈડીએ નિકુંજ ભટ્ટ અને સંજય કોટડિયાની ધરપકડ કરી હતી. 20 જાન્યુઆરી, 2026ના રોજ બંનેને માનનીય વિશેષ પીએમએલએ અદાલત, અમદાવાદમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં અદાલતે 4 દિવસની ઈડી કસ્ટડી મંજૂર કરી છે. ઈડી આ મામલે શરૂઆતમાં જ મુખ્ય આરોપી શૈલેશ બાબુલાલ ભટ્ટની ધરપકડ કરી ચૂકી છે અને અત્યાર સુધી અંદાજે 2170 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત/જડતી કરી છે. કેસમાં આગળની તપાસ ચાલુ હોવાનું ઈડીના સૂત્રોએ જણાવ્યું છે.

Most Popular

To Top