નવી દિલ્હી: ટ્વિટરે (Twitter) હવે વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય કેટલાક પ્રધાનો અને વિપક્ષી નેતાઓના હેન્ડલ પર ‘ઓફિશિયલ’ લેબલ લગાડયું હતું. મળતી માહિતી મુજબ ટ્વિટર બ્લુ ટિક માર્ક એટલેકે વેરિફાઈડ એકાઉન્ટ માટે આ ફીચર ઉમેર્યું છે. પીએમ અને ગૃહ પ્રધાન ઉપરાંત, ટ્વિટરે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ જયશંકર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, સચિન તેંડુલકર સહિત અન્ય ઘણા પ્રધાનો અને વિપક્ષી નેતાઓના ટ્વિટર હેન્ડલ પર ઓફિશિયલ લેબલ લગાડયું હતું. જોકે, ટ્વિટરે થોડા સમય બાદ આ લેબલ હટાવી દીધું હતું.
મસ્કે આ ઘટના પછી જાણકારી આપતા કહ્યું છે કે ટ્વિટરના બ્લુ ટિક સબસ્ક્રિપ્શન બાદ કંપની આ ગ્રે લેબલનું ટેસ્ટિંગ કરી રહી છે. આ અંગેના જૂના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો પાસે પહેલાથી વેરિફાઈડ એકાઉન્ટ છે, તેમને જ ગ્રે કલરમાં ઓફિશિયલ ટેગ મળશે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે ટ્વિટરનું આ ફીચર હાલમાં ટેસ્ટિંગ સ્ટેજમાં છે. ટેસ્ટિંગ દરમિયાન ઘણા એકાઉન્ટમાં આ ટેગ જોવા મળ્યું હતું, પરંતુ હવે આ ટેગ હટાવી દેવામાં આવ્યું છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પાસેથી 8$ ચાર્જ કરવામાં આવશે નહીં જેમાં “ઓફિશિયલ” એકાઉન્ટની નીચે લખાયેલું હોય, પરંતુ જ્યાં સુધી આ ફીચર સત્તાવાર રીતે લોન્ચ ન થાય ત્યાં સુધી આ અંગે કંઈ કહી શકાય નહીં. હાલમાં, કંપની અથવા એલોન મસ્કે આ ઓફિશિયલ ટેગ અંગે કોઈ માહિતી શેર કરી નથી. જો કે આગામી સમયમાં આ અંગે વધુ માહિતી મળી શકે છે. તેથી અધિકૃત લેબલ આપવામાં આવતા Twitterના અધિકારી એસ્થર ક્રોફોર્ડે ટ્વિટ કર્યું છે કે “ઘણા લોકોએ પૂછ્યું છે કે તમે વાદળી ચેકમાર્ક અને સત્તાવાર તરીકે ચકાસાયેલ એકાઉન્ટ્સ ધરાવતા Twitter બ્લુ સબ્સ્ક્રાઇબર્સ ગ્રાહકો વચ્ચે કેવી રીતે તફાવત કરી શકશો? તેના જવાબમાં જાણકારી મળી આવી છે કે તેઓ આ માટે ‘ઓફિશિયલ’ લેબલ શરૂ કરી રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પહેલાથી ચકાસાયેલ તમામ એકાઉન્ટ્સને ‘ઓફિશિયલ’ લેબલ મળશે નહીં. જણાવી દઈએ કે ટ્વિટરનું ઓફિશિયલ લેબલ ખરીદી શકાતું નથી. જે એકાઉન્ટ્સને આ લેબલ મળશે તેમાં સરકારી એકાઉન્ટ્સ, કોમર્શિયલ કંપનીઓ, બિઝનેસ પાર્ટનર્સ, મોટા મીડિયા આઉટલેટ્સ, પબ્લિશર્સ અને કેટલીક સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે નવા ટ્વિટર બ્લુમાં આઈડી વેરિફિકેશન સામેલ નથી. આ એક પેઇડ સબ્સ્ક્રિપ્શન છે, જે વાદળી ચેકમાર્ક અને પસંદગીની સુવિધાઓની ઍક્સેસ પ્રદાન કરે છે. અમે એકાઉન્ટના પ્રકારો વચ્ચે કેવી રીતે તફાવત કરવો તે અંગે પ્રયોગ કરવાનું ચાલુ રાખીશું.