નવી દિલ્હી: ટ્વિટર ઈન્ડિયા (Twitter India)એ પોતાના ઇન્ડિયા હેડ મનિષ મહેશ્વરી (Manish maheshvari)ને બદલી કરીને સીનિયર ડાયરેક્ટર બનાવીને અમેરિકા (America) મોકલવામાં આવ્યા છે. તેઓ નવા માર્કેટ્સમાં રેવન્યૂ, સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સનું કામ જોશે.
ભારત (India)માં મનિષ એમડી પદે હતા ત્યારે ટ્વિટ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી. કથિત નફરત ફેલાવતા વીડિયોના મામલે ઉત્તર પ્રદેશમાં એમની સામે ફરિયાદ નોંધાયેલી છે. કંપનીએ આ ફેરફાર માટે કોઇ કારણ આપ્યું નથી. મળતી માહિતી મુજબ ભારતમાં ટ્વિટરના સેલ્સ હેડ કનિકા મિત્તલ અને બિઝનેસ હેડ નેહા શર્મા કત્યાલ મનિષની જગ્યાએ ટ્વિટર ઈન્ડિયાને લીડ કરશે.
અમેરિકામાં મહેશ્વરી ટ્વિટરના ગ્લોબલ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સના સીનિયર ડાયરેક્ટર ડિઇત્રા મારાને રિપોર્ટ કરશે. ટ્વિટરના સીનિયર એક્ઝિક્યૂટિવ યૂ સાસામોટોએ ટ્વિટરમાં શુક્રવારે આ અંગેની પુષ્ટિ કરી. તેઓએ લખ્યું કે 2 વર્ષથી વધુ સમયથી અમારા ભારતીય વેપારને લીડ કરવા માટે મનિષ મહેશ્વરીનો આભાર. અમેરિકામાં રહીને દુનિયાભરના નવી માર્કેટ માટે રેવન્યૂ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સની જવાબદારી સંભાળવા માટેની નવી ભૂમિકાને લઈને તેમને અભિનંદન ..
ગાઝિયાબાદની લોની બોર્ડર પોલીસે મનિષ મહેશ્વરીને ટ્વિટરમાં સાંપ્રદાયિક વીડિયો પોસ્ટ હોવા અંગે નોટિસ ફટકારી હતી. સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ થયેલો વીડિયો એક વૃદ્ધ મુસ્લિમ પરના હુમલાનો હતો. નોટિસમાં તેઓને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જો કે કર્ણાટક હાઈકોર્ટે આ નોટિસને રદ કરી હતી.