Editorial

ટ્વીટર અને ભારત સરકારનો ગજગ્રાહ ઉગ્ર બને છે: ટ્વીટરને ભારત છોડવાનો વારો આવશે?

છેલ્લા કેટલાયે સપ્તાહોથી વિશ્વની અગ્રણી માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર અને ભારતની મોદી સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે અને આ સંઘર્ષ હવે વધુ ઉગ્ર અને કટુ બની રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે જયારે ટ્વીટર સામે ભારતમાં વિવિધ ગુનાઓ દાખલ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી ટ્વીટર પર માત્ર નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે અને તેની પોતાની પોલિસીઓના અમલનો આગ્રહ નહીં રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું પરંતુ હવે તેની સામે ફોજદારી ગુનાઓ જ દાખલ કરી દેવામાં આવ્યા છે તેના પરથી લાગે છે કે આગામી દિવસોમાં ટ્વીટર અને ભારત સરકાર વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનશે.

હાલમાં દિલ્હી પોલીસે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર કથિત રીતે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની એક્સેસ કરવા દેવા બદલ ટ્વીટર સામે એક એફઆઇઆર દાખલ કરી છે. બાળ અધિકારો માટેના રાષ્ટ્રીય પંચ(એનસીપીસીઆર)ની ફરિયાદના આધારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ઇન્ડિયન પીનલ કોડ(આઇપીસી) તથા પ્રોટેકશન ઓફ ચિન્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિઝ(પોકસો)એકટની તથા આઇટી એક્ટની સંલગ્ન જોગવાઇઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ એના એક દિવસ પછી આવ્યું છે કે જ્યારે દેશની ટોચની બાળ અધિકાર સંસ્થાએ દિલ્હીના ડીસીપી(સાયબર સેલ) અન્યેશ રોયને કહ્યું કે શા માટે ૨૯મેના તેના દિલ્હી પોલીસને પત્ર મુજબ ટ્વીટર સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી તે બાબતે ખુલાસો કરવામાં આવે.  એનસીપીસીઆરએ તાજેતરમાં દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે તેની તાજેતરની તપાસમાં જણાયું હતું કે ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ મટીરિયલ ટ્વીટરના પ્લેટફોર્મ પર સહેલાઇથી ઉપલબ્ધ છે.

ફરિયાદ ટ્વીટર આઇએનસી અને ટ્વીટર કોમ્યુનિકેશન ઇન્ડિયા પ્રા.લિ. સામે કરવામાં આવી હતી. બીજી બાજુ, પોતાની સાઇટ પર ભારતનો નકશો ખોટી રીતે દર્શાવવા બદલ મધ્ય પ્રદેશ પોલીસના સાયબર સેલે ટ્વીટર ઇન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી સામે આઇટી એક્ટની કલમ પ૦પ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ જ મામલામાં ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં પણ માહેશ્વરી સામે કેસ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીર અને લડાખને ભારતની બહાર દેખાડતા નકશા સામે ધ્યાન દોરવામાં આવ્યા બાદ ટ્વીટરે આ નકશો સુધારી લીધો હતો. ટ્વીટર સામે વિવિધ સ્થળે એફઆઇઆર દાખલ થઇ છે અને તેનાથી ભારતમાં તેની મુશ્કેલીઓ વધી શકે છે.

આમ તો, ટ્વીટર અને ભારત સરકાર વચ્ચે કોઇ સંઘર્ષ ન હતો. આપણા વડાપ્રધાન મોદી તો સોશ્યલ મીડિયાના ખાસ ચાહક છે અને ટ્વીટર પર પણ સતત ટ્વીટસ કરતા રહે છે. કડવાશની શરૂઆત ભાજપના કેટલાક નેતાઓએ કોંગ્રેસ પર સરકાર વિરોધી ટૂલ કિટ્સ બનાવવાના આક્ષેપો કરતી સામગ્રી ટ્વીટર પર મૂકી અને ટ્વીટરે તેને મેન્યુપ્યુલેટેડ મીડિયાનું ટેગ માર્યું ત્યાંથી શરૂ થઇ. આના પછી સરકારે ટ્વીટર પર દબાણ વધારવા માંડ્યું. તેને નવા ભારતીય આઇટી નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું, તેને ગુરુગ્રામ ખાતેની કચેરી પર પોલીસ મોકલવામાં આવી. ટ્વીટરે નવા આઇટી નિયમોનું પાલન કરવા તૈયારી તો બતાવી પરંતુ પોતાની ચોક્કસ નીતિઓ ચાલુ રાખવાનો પણ આગ્રહ રાખ્યો. આના પછી આઇટી અંગેની સંસદીય સમિતિએ ટ્વીટરના પ્રતિનિધિઓને બોલાવીને લગભગ ખખડાવી નાખ્યા.

જો કે પોતાની અઢળક કમાણી અને વિશ્વભરમાં સ્વીકૃતતા પર મુશ્તાક એવું ટ્વીટર સરકારને સહેલાઇથી ગાંઠે તેમ નથી. તેણે કોપીરાઇટના એક અમેરિકી કાયદાના ભંગનું બહાનું કાઢીને ખુદ આઇટી મંત્રી રવિ શંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી નાખ્યું! સંસદીય આઇટી સ્થાઇ સમિતિના વડા શશી થરૂરનું એકાઉન્ટ પણ થોડા સમય માટે બ્લોક કર્યું. હવે સંસદીય સમિતિએ આ બંને એકાઉન્ટો બ્લોક કરવા બદલ ટ્વીટરનો ખુલાસો માગ્યો છે અને તેની સામેના ફોજદારી ગુનાઓ તો ઉભા જ છે. આમ તો, કેન્દ્ર સરકારને અન્ય સોશ્યલ મીડિયા કંપનીઓ સાથે પણ સંઘર્ષ સર્જાયો, જેમાં વોટ્સએપ સાથેનો સંઘર્ષ કંઇક ઉગ્ર હતો. જો કે અન્ય કંપનીઓ તો સરકાર સામે ઘણે અંશે ઝૂકી ગઇ છે. વોટ્સએપ સાથે પણ સમાધાન થઇ જઇ શકે છે પણ ટ્વીટર ગાંઠતુ નથી. બીજી બાજુ, સરકાર પણ વધુ કડક થતી જાય છે.

આમાં આ મહાકાય વૈશ્વિક કંપનીના માલિકોને તો આંચ નહીં આવે પણ ભારત ખાતેના તેના પ્રતિનિધિઓ, અધિકારીઓને સહન કરવાનું આવી શકે છે. ગજગ્રાહ વધુ વકરે તો ટ્વીટર ભારત છોડી જાય તેવું પણ બને, તેવા સંજોગોમાં તેની ભારતીય હરીફ કંપની કૂ ફાવી શકે છે. જો કે ટ્વીટરના લેવલ પર આવતા તેને ખાસ્સી વાર લાગી શકે છે અને એક અભિવ્યક્તિ અને ટૂંકા સમાચારના માધ્યમ તરીકે ભારતમાં પણ ટ્વીટરે મજબૂત સ્થાન જમાવ્યું છે અને તેની ગેરહાજરી ઘણા મોટા વર્ગને કઠી શકે છે.

Most Popular

To Top