ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મહોલમાં ડેપ્યુટી સરપંચોની ચૂંટણી (election) યોજાઇ હતી. સાદકપોરમાં સભ્ય ગુમ થતા અપહરણનો (Kidnapping) ગુનો નોંધાયો હતો. તે સાદકપોર (Sadkpore) ગ્રામ પંચાયતમાં (Gram panchayat) પણ ભાજપ સમર્થિત ડેપ્યુટી સરપંચ બિનહરિફ ચૂંટાઇ આપતા ફટાકડા ફોડી ભાજપીઓએ (BJP) વિજયોત્સવ ઉજવ્યો હતો.
ચીખલી તાલુકાની 63 ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઇ હતી. સાદકપોરમાં 17 જાન્યુઆરીના રોજ વોર્ડ સભ્ય નરેશ મંગુભાઇ પટેલ ગુમ થતા બે દિવસ પૂર્વે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેને લઇને ડેપ્યુટી સરપંચની ચૂંટણી પૂર્વે વાતાવરણ ગરમાયુ હતું. જો કે આ સ્થિતિ વચ્ચે ભાજપ સમર્થિત વોર્ડ સભ્ય સંજયભાઇ મગનભાઇ પટેલ ઉપસરપંચ પદે બિનહરિફ ચૂંટાઇ આવતા એપીએમસી ચેરમેન કિશોરભાઇ, બાંધકામ અધ્યક્ષ દિપાબેન, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના સભ્ય રમેશભાઇ સહિતનાઓએ અભિનંદન પાઠવી વિજયોત્સવ ઉજવ્યો હતો.
વોર્ડ સભ્યએ નિવેદન આપતા અપહરણના ગુનાનું સૂરસૂરિયું
જો કે રવિવારની રાત્રીએ જ સાદકપોરનો ગુમ વોર્ડ સભ્ય નરેશભાઇ પોલીસ સમક્ષ ઉપસ્થિત થઇ બંને પક્ષો તરફથી દબાણ હોય પોતે પોતાની મરજીથી જ બહાર ગયેલો હોવાનું અને અપહરણ થયું નહીં હોવાનું નિવેદન આપતા અપહરણના ગુનાનું સૂરસૂરિયું થઇ જવા સાથે એક વિવાદનો સુખદ અંત આવ્યો હતો.
આ ઉપરાંત ચીખલીમાં ઉપસરપંચપદે વિભૂતિબેન તુષારભાઇ પટેલ, મજીગામમાં જયેશ દુર્લભભાઇ પટેલ, સમરોલીમાં દિનેશ શાહ, થાલામાં અશ્વિન આહિર, મલવાડામાં તેજસ્વીની પર્વતભાઇ પટેલ, તલાવચોરામાં ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઇ પટેલ, જ્યારે ખૂંધમાં ભાજપના યુવા અગ્રણી ભૌતિક (રિંકુભાઇ) ભાણાભાઇ પટેલ, ડેપ્યુટી સરપંચપદે ચૂંટાઇ આવતા ભાજપ પ્રમુખ મયંકભાઇ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.
સાદકપોરના ડેપ્યુટી સરપંચની ચૂંટણી પૂર્વે વોર્ડ સભ્ય ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી
ચીખલીની સાદકપોર ગ્રામપંચાયતમાં તા. 24 જાન્યુ.ના રોજ યોજાનાર ડેપ્યુટી સરપંચની ચૂંટણી પૂર્વે વોર્ડ સભ્ય ગુમ થતાં રાત્રિ દરમ્યાન જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતનાનું ટોળુ પોલીસ મથકે ધસી આવી ગુનો નોંધવાની માંગ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
‘મને કોઇ લઇ ગયું છે અને હું ઝંખવાવથી ભાગી આવ્યો છું
સાદકપોર ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર-5ના સભ્ય પદે ચૂંટાયેલા નરેશભાઇ મંગુભાઇ પટેલ 17 જાન્યુઆરીના રોજ સાંજના સમયે ઘરમાં કંઇ કહ્યા વિના ઘરેથી નીકળી ગયા બાદ પરત ન આવતા અને ફોન સ્વીચ ઓફ આવતાં 19 જાન્યુઆરીના રોજ તેમના પત્ની દ્વારા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. બાદમાં બે દિવસ પછી સામેથી ફોન કરી ‘હું ઘરે આવતો છું’ તેમ કહી ફોન મૂકી દીધો હતો. બાદમાં સરપંચ દશરથભાઇને ફોન પર જણાવ્યું કે ‘મને કોઇ લઇ ગયું છે અને હું ઝંખવાવથી ભાગી આવ્યો છું અને તમે માંડવી લેવા આવો’ ત્યારબાદ ફોન સ્વીચ ઓફ આવ્યો.
ત્યાર બાદ અજાણ્યા નંબરથી ફોન આવ્યો કે ‘હું મોર્ડન હેર આર્ટ માંડવી ડેપોની સામેથી બોલું છું. તમારા મોબાઇલ પર વાત કરતા હતા તે ભાઇને કોઇ ફોર વ્હીલ ગાડીમાં બેસાડી લઇ ગયા છે.’ એવી સાદકપોરના બામણીયા ફળિયાના કુસુમબેન નરેશભાઇ ધો.પટેલે ફરિયાદ કરી હતી. આ પૂર્વે શુક્રવારની રાત્રે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ પટેલની આગેવાનીમા ટોળું પોલીસ મથકે ધસી આવી અપહરણનો ગુનો નોંધવાની માંગ પર અડી જઇ બેસી જતા એક સમયે પોલીસ મથકે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. બાદમાં પોલીસે મોડી રોત અપહરણનો ગુનો નોંધ્યો હતો.