Charchapatra

ટ્રાફિકની સમસ્યા વધારતી સિગ્નલ લાઇટો બંધ કરો

નવા પોલીસ કમિશ્નર આવ્યા બાદ સુરતમાં ફકત ટ્રાફિક નિયમન માટે સિગ્નલ લાઇટ જરૂરી બનાવે છે. પરંતુ જયાં સિગ્નલ લાઇટની જરૂર નથી ત્યાં ભૂતકાળમાં કંઇક વ્યવહારને કારણે સિગ્નલ લાઇટો ઊભી કરી દેવામાં આવી છે અને તે હાલમાં કાર્યરત કરેલ છે. જયાં કોઇ પણ પ્રકારનો ટ્રાફિક હોતો જ નથી. ઉદાહરણ તરીકે સીનેમા રોડ પાણીની ટાંકી પાસે, નાનપુરા કૈલાસ રેસ્ટોરન્ટ પાસે, તેનાથી ફકત નજીક 5 થી 10 મીટરના અંતરે ફરી સિગ્નલ લાઇટ કેટલા અંશે યોગ્ય ગણાય? આવા આખા સુરત શહેરમાં ઘણી સિગ્નલ લાઇટો છે તે તાકીદે બંધ કરો.

સૌ પ્રથમ આખા શહેરની સિગ્નલ લાઇટો ત્રણ દિવસમાં બંધ કરાવી જયાં ટ્રાફિકના નિયમન માટે તમારા અધિકારીઓ પાસે સર્વે કરાવો અથવા તમારા લાગેલ CCTV કેમેરામાં ચેકીંગ કરી, જયાં જરૂર હોય ત્યાં સિગ્નલ લાઇટો ચાલુ કરવા નમ્ર વિનંતી છે. કારણ કે સુરતવાસીઓ વધુ પડતી અને ટ્રાફિક રોકતી સિગ્નલ લાઇટથી કંટાળી ગયા છે.
સુરત  – મહેશ પી. મહુવાગરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મુર્દા પર હેવાનિયત
કબ્રસ્તાનોમાં દફન થયેલા મૃતદેહો પણ હવે હેવાનિયતનો ભોગ બની શકે છે. તસ્કરી દિમાગનાં કંગાળો કાળી રાતોમાં કબર ખોદી લાશ પરનાં કફન ચોરી જાય છે, તો કેટલાંક વિકૃત મગજના વાસનાભૂખ્યાઓ ખોદી કાઢેલી લાશ પર ચઢી જઈ દુષ્કર્મ કરે છે અને હવે તો હદ વટાવી જાય એવા બનાવો પણ બનવા માંડ્યા છે. અંગદાનથી વિપરીત અંગચોરી કરનારાઓ લાશને ખોદી તાજા મડદાનું હૃદય કાઢીને ચોરી જાય છે. મૃતકની દફનવિધિ વેળા કબરના સ્થળે પાણી છંટાય છે. તેના પરથી જાણ થઈ જાય છે કે કબર તાજી છે. સાયકોકિલર બની તસ્કરો મુર્દાનું દિલ લાશને ચીરીને ઓપરેશન કરનાર ડોક્ટર જેવી કુશળતાથી ચીરીને કાઢી લે છે. બદમાશો રીઢા ગુનેગારની જેમ માસ્ક લઈને જાય છે, જેથી તેમનો ચહેરો ઓળખાય નહીં અને લોકો ડરી પણ જાય. જૂના કોસંબા ગામના કબ્રસ્તાનમાં હાલમાં જ આવો એક અપરાધી ઝડપાઈ ગયો છે.

બેરોજગારી, મોંઘવારીમાં ગમે તે રસ્તે રૂપિયા કમાવા જીવતાં તો ઠીક, મડદાને પણ અપરાધીઓ છોડતા નથી. ઘનઘોર રાતે સૂના કબ્રસ્તાનમાં કારસ્તાન સરળ બની જાય છે. કસાઈ તો જાનવરોને કાપવાનો કાયદેસરનો ધંધો કરે છે, પણ મુર્દા પર છરી ફેરવનારની હેવાનિયત અકલ્પ્ય છે. એ પણ સમજી શકાય છે કે આવા અપરાધીઓ નરભક્ષી ન હોઈ શકે. જરૂરથી કોઈ ડોક્ટર કે હોસ્પિટલ સાથે તેમનો સંબંધ, વ્યવહાર હોવો જોઈએ, જે માનવતા વિરુધ્ધની બાબત ગણાય.
સુરત. – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top