Comments

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ

દેશના આર્થિક પાટનગર મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. બીએમસીની ચૂંટણી માથે છે અને એ પછી ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી છે અને એ પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવાં સમીકરણો રચાય એવું બની શકે છે. મહારાષ્ટ્રમાં એમવીએની રચના બાદ રાજકારણની દિશા અને દશા બદલાઈ ગઈ છે. શિવસેનામાં બે ઊભા ફાડિયા પડ્યા અને એકનાથ શિંદેનું જૂથ ભાજપ સાથે ગયું અને ઠાકરે સરકાર પડી ભાંગી અને હવે શિંદે – ભાજપ સરકાર કેટલું ચાલશે એના પર સવાલ થવા લાગ્યા છે. બીજી બાજુ , શરદ પવારની એનસીપીમાં ભંગાણ પડવાની શક્યતા હતી એ હાલ તુરંત ટળી ગઈ છે અને શરદ પવારે બાજી સંભાળી લીધી છે.

શરદ પવાર રાજકારણના અઠંગ ખેલાડી છે અને એમણે અજીત પવાર થકી ભાજપ સાથે સદરકાર સરકારની રમત જે રીઓટર રમી એ રીતે જ ભત્રીજા અજીત પવારને કદ પ્રમાણે વેતરી નાખવા રમત કરી. પહેલાં પોતે રાજીનામું આપ્યું અને પછી પક્ષના નેતાઓની વિનંતીને માન આપી એ પાંચહુઈ ખેંચ્યું અને આ રમત પછી પક્ષમાં કાર્યકારી પ્રમુખ નીમ્યા અને એમાં દીકરી સુપ્રિયા અને પ્રફુલ પટેલને સ્થાન આપ્યું. અજીત પવારને કાપી નાખ્યા અને અજીત પવાર કાંઇ કરી શક્યા નથી. હવે એ ભાજપ સાથે જાય એવી શક્યતા ઘટી ગઈ છે. કારણ કે હવે એમની સાથે કેટલા ધારાસભ્યો જાય એ કહેવું મુશ્કેલ છે.

પવારે તો પોતાના પક્ષની બાજી સંભાળી લીધી છે પણ ઉધ્ધવ ઠાકરે એવું કરી ના શક્યા અને હવે એકનાથ શિંદે પણ કરી નહીં શકે એવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે. એકનાથ શિંદે સરકાર દ્વારા જાહેરખબર અપાઈ કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે. અગાઉ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એમની સરકાર હતી ત્યારે કેન્દ્રમાં નરેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર .. એવી જાહેરખબર અપાઈ હતી એ જ તર્જ પર શિંદેએ જાહેરાત આપી પણ એ શિંદે જૂથ અને ભાજપ વચ્ચે તિરાડનું કારણ બન્યું છે. વિરોધ થતાં જાહેરખબરમાં દેવેન્દ્રને સમાવાયા પણ જે રીતે સરકાર ચાલે છે એનાથી ભાજપ નારાજ છે. દેવેન્દ્રે પક્ષના દબાણ તળે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું હતું પણ હવે શિંદે જૂથના કેટલાક મંત્રીઓના કામકાજ પર સવાલો કરાયા છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ નારાજી દર્શાવી એનાથી શિંદે અપસેટ છે.

શિંદે અને ભાજપની સરકારને હજુ તો એક જ વર્ષ થયું છે પણ બધું બરાબર નથી એવું સ્પષ્ટ જણાય છે અને આ કજોડું ક્યારે તૂટી પડે એ કહેવાનું મુશ્કેલ છે. એમવીએની સરકાર બની ત્યારે પણ આવું જ કહેવાતું હતું પણ એ સરકાર અઢી વરસથી વધુ સમય ચાલી ગઈ. પણ શિંદે જૂથ-ભાજપની સરકાર બાકીનો સમય પૂરો કરે એમ જણાતું નથી. ભાજપે બીજાં રાજ્યોમાં સાથીઓ સાથે કર્યું છે એવું જ શિંદે સાથે બને એવું શક્ય છે. કાં શિંદે જૂથ ભાજપમાં ભળી જાય અથવા તો અન્ય રાજ્યોમાં ભાજપના સાથી પક્ષોની હાલત થઈ છે એવી જ હાલત શિંદેની થાય તો નવાઈ નહીં. કારણ કે, ભાજપ શિંદે જૂથ સાથે જેટલું ખેંચશે એટલું એને નુકસાન જ વેઠવાનું છે. એટલે બીએમસીની ચૂંટણી આવે એ પહેલાં કે પછી લોકસભાની ચૂંટણી એ પહેલાં કંઈક નવાજૂની મહારાષ્ટ્રના રાજકારણમાં થવાની એ નક્કી છે.

મેઘાલયમાં શાંતિ ક્યારે?
મેઘાલયમાં શાંતિ ક્યારે સ્થપાશે ? એ સવાલનો જવાબ મળતો નથી. મળવો મુશ્કેલ બનતો જાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ત્રણ દિવસની ત્યાંની મુલાકાત અને કેટલાંક પગલાં લેવાય પછી પણ મેઘાલયમાં હિંસા અટકી નથી. તા. ૧૪ જૂન સુધીમાં અહીં ૧૧૫ લોકોના જાન ગયા છે. અન્ય નુકસાન તો અલગ. ભાજપના મંત્રી અને ધારાસભ્યના ઘર પર પણ હુમલા થયા છે. કુકી – નાગ જાતિ અને મઈતિ જાતિ વચ્ચેનો ક્લેશ એટલો હિંસક બની ગયો છે કે, ઘણા વિસ્તારોમાં ખાનપાનના સામાનની સમસ્યા થઈ છે અને લશ્કર દ્વારા વિમાનમાંથી જે તે વિસ્તારમાં ચીજવસ્તુઓ નીચે નાખવામાં આવે છે. ભાજપના જ કેટલાક ધારાસભ્યો નારાજ છે અને રાજીનામાં આપી દેવા પણ કેટલાક તૈયાર છે. પણ માણિક સરકાર તોફાનોને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગઈ છે અને અહીં શાંતિ ના સ્થપાઈ તો આ હિંસા પાડોશી રાજ્યોમાં ફેલાવાની આશંકા છે. કેન્દ્ર સરકારની નીતિ પણ આ રાજ્ય માટે નિષ્ફળ ગઈ છે.

બ્રિજભૂષણને ક્લીન ચિટ!
ભાજપના સાંસદ અને જેમની સામે મહિલા યૌન ઉત્પીડનના બે કેસ છે એમાં એકમાં દિલ્હી પોલીસ ક્લીન ચિટ આપી દેવાઈ છે. એક કેસમાં નાબાલિગ દીકરી દ્વારા આક્ષેપો થયા હતા પણ પાછળથી એણે જ ફરિયાદ પાછી ખેંચી લીધી છે એટલે પોકસો ટલેનો કેસ પાછો ખેંચવા દિલ્હી પોલીસે કોર્ટમાં અરજી કરી દીધી છે. બીજા કેસમાં તપાસ ચાલુ છે. હવે આ મુદે્ કોર્ટ શું નિર્ણય લે છે એ જોવાનું છે. ચોથી જુલાઈએ કેસ આગળ વધશે. પહેલવાનો દ્વારા ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી રાહ જોવાની જાહેરાત થઈ હતી, પણ દિલ્હી પોલીસ દ્વારા લિકન ચિટ બાદ પહેલવાનો ફરી આંદોલન પર ઊતરે એવી શક્યતા પૂરી  છે. કારણ કે, એમની મુખ્ય માગણી બ્રિજભૂષણની ધરપકડ થાય એ છે. જો કે, કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ પરિવારના કોઈ ચૂંટણી નહીં લડે એવું સરકારે વચન આપ્યું છે પણ બ્રિજભૂષણની ધરપકડનો મામલો ફરી ગરમાવાનો છે. ભાજપ અને સરકાર શા માટે ધરપકડથી ડરે છે એ સવાલનો જવાબ મળતો નથી. સરકાર માટે આ કેસ ગળામાં ફસાયેલું હાડકું બની ગયો છે અને પહેલવાનોને ન્યાય ના મળે એ શરમજનક ઘટના છે. 
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top