નવી દિલ્હી: સંસદને સંબોધતી વખતે તુર્કીયેના સાંસદને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. હમાસ-ઈઝરાયેલ યુદ્ધ અંગે સંસદને સંબોધી રહ્યાં હતાં. ત્યારે તુર્કીયેના (Turkey) સાંસદ હસન બિટમેઝ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. જેના લીધે ગૃહમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ 53 વર્ષીય હસન બિટમેઝ ઈસ્લામિસ્ટ ફેલિસિટી પાર્ટીના સાંસદ છે. તેઓ એસેમ્બલીમાં હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધ વિશે ભાષણ આપી રહ્યા હતા. દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે “ઇઝરાયેલને નુકસાન થશે અને તે અલ્લાહના ક્રોધથી બચી શકશે નહીં”. બસ આટલું કહેતાની સાથે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતાં. દરમિયા સાંસદમાં ઉપસ્થિત તમામ સાંસદો તેમની મદદ માટે દોડી આવ્યા હતાં. ત્યાર બાદ વહેલી તકે તેમને તુર્કીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં. હાલ તેમની હાલત નાજુક હોવાની જાણકારી સાંપડી છે.
સાંસદમાં ઉપસ્થિત સર્જન અને MP ડૉ તુર્હાન કોમેઝે તરત જ હસન બિટમેઝને CPR આપવાનું શરૂ કર્યું. જ્યારે સીપીઆર આપવામાં આવી રહ્યો હતો. ત્યારે હસન બિટમેઝને વિધાનસભા ગૃહની બહાર સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહ્યા હતા. સમગ્ર મામલે ટર્કિશ હેલ્થ મિનિસ્ટર ડૉ. ફહરેટિન કોકાએ X પર એક પોસ્ટમાં લખ્યું, “ફેલિસિટી પાર્ટી કોકેલી ડેપ્યુટી શ્રી સાદેત તુર્કીના ગ્રાન્ડ નેશનલ એસેમ્બલીની જનરલ મીટમાં તેમના ભાષણ દરમિયાન ઢળી પડ્યા હતા. હું બિટમેઝની સ્વાસ્થ્ય સ્થિતિનું નજીકથી અવલોકન કરી રહ્યો છું. તેઓ હાલમાં અંકારા બિલકેન્ટ સિટી હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યૂનિટની સારવાર હેઠળ છે.
રિપોર્ટ્સ અનુસાર હસન બિટમેઝને ડાયાબિટીસ છે. માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એસેમ્બલીમાં તેમના ભાષણમાં હસન બિટમેઝે ગાઝા મુદ્દે ટીકા કરી હતી. તુર્કીના આ સાંસદે કહ્યું હતું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનનું વલણ શંકાસ્પદ છે. સાથે જ તેમણે ગાઝા પર ફેંકાયેલા ઈઝરાયેલના દરેક બોમ્બ માટે તુર્કી સરકારને ‘સીધી રીતે જવાબદાર’ ગણાવી હતી. ભાષણના અંતે તેમણે કહ્યું કે ઇઝરાયેલ ગાઝામાં તેના આક્રમક હુમલા માટે ‘અલ્લાહના ક્રોધ’નો સામનો કરશે.
હમાસના આતંકવાદીઓએ 7મી ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારથી ઈઝરાયેલે આતંકવાદી સંગઠન સામે યુદ્ધની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં છુપાયેલા હમાસના આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. તેમજ આતંકવાદ સામેના આ યુદ્ધમાં અત્યાર સુધી હજારો લોકો માર્યા ગયા છે.