Entertainment

તુમ તો દિલ કે તાર છેડકર

તુમ તો દિલ કે તાર છેડકર, હો ગયે બેખબર
ચાંદકે તલે જલેંગે હમ, એ સનમ રાત ભર, તુમ તો દિલકે તાર છેડકર
તુમકો નીંદ આયેગી, તુમ તો સોહી જાઓગે (૨)
કિસકા લે લિયા હૈ દિલ, એ ભી ભૂલ જાઓગે
યે તો કહ દો એક બાર, ખ્વાબ મેં તો આઓંગે, ખ્વાબ મેં તો આઓગે
તુમ તો દિલ કે તાર… તુમ તો દિલ કે તાર છેડકર
અપની એક ઔર રાત ઉલઝનોં મેં જાયેગી (૨)
શોખ શોખ વો અદા હમકો યાદ આયેગી
મસ્ત મસ્ત હર નજર દર્દ બનકે છાયેગી, દર્દ બનકે છાયેગી
તુમ તો દિલ કે તાર… તુમ તો દિલકે તાર છેડકર
આજ સબ્રકા ભી હાથ હમસે છૂટને લગા (૨)
સબ તો બાત બાત પર દિલભી રુઠને લગા
કયા ગજબ હૈ હર કોઇ હમકો લૂટને લગા (૨)
તુમ તો દિલ કે તાર છેડકર, હો ગયે બેખબર
ચાંદ કે તલે જલેંગે હમ, એ સનમ રાતભર, તુમ તો દિલ કે તાર છેડકર

ગીતકાર: શૈલેન્દ્ર સ્વર: તલત મહેમૂદ સંગીત: શંકર જયકિશન ફિલ્મ: રુપ કી રાની ચોરો કા રાજા દિગ્દર્શક: એચ.એસ. રાવલ વર્ષ: 1961 કલાકારો: દેવ આનંદ, વહીદા રહેમાન, જગદીશ રાજ, હીરાલાલ, ઇફતેખાર, મનોરમા, રાજેન્દ્રનાથ
કોઇ યુવતી સાથે આપણે વાત કરતા હોઇએ. દેખીતી રીતે તો અમસ્તી જ થતી હોય એમ લાગે પણ એ દરમ્યાન આપણા હૃદયમાં તેનું સ્થાન બનવા માંડે. યા એમ ન હોય ને માત્ર કોઇને જોતાં જ થાય કે મારે જેને ચાહવું છે તે આ છે. આમાં સામી વ્યકિતનો તો કોઇ વાંક ન કઢાય પણ આપણા હૈયામાં જે થયું તે તેને જ કારણે હોય તો ફરિયાદ તેના માટે જ થાય. આ ગીત કાંઇક એવા જ પ્રેમનું છે. તમે એને એકતરફી પ્રેમની વેદના તરીકે પણ કહી શકો. આમ તો સામેની વ્યકિતનો વાંક નથી પણ કારણ તો તેનું જ છે. એટલે મનોમન તેને સંબોધીએ કે ‘તુમ તો દિલ કે તાર છેડકર, હો ગયે બેખબર/ચાંદ કે તલે જલેંગે હમ, એ સનમ રાતભર, તુમ તો દિલ કે તાર છેડકર…’ તમે તો હૃદયના તાર છેડીને અજાણ થઇ ગયા પણ અમારી દશા શું થઇ તે જાણો છો? આખી રાત અમે ચાંદની નીચે સળગીશું, દાઝીશું.

વાત હજુ આગળ વધે છે, ‘તુમ કો નીંદ આયેગી, તુમ તો સો હી જાઓગે/કિસકા લીયા હૈ દિલ યે ભી ભુલ જાઓગે/યે તો કહ દો એકબાર ખ્વાબમેં તો આઓગે…’ એક તરફી પ્રેમાકર્ષણનું દુ:ખ આવું જ હોવાનું. આમ તો ફરિયાદ કરવી પણ ખોટી પણ હૈયું એવી ફરિયાદ કરી ઉઠે કે તમને તો ઊંઘ આવી જશે. તમે તો સુઇ જ જશો (તમે નહીં ‘તું’) તમે કોનું દિલ લીધું છે તે પણ ભુલી જશે. પણ જવા દો એ વાત, ફકત એટલું કહી દો કે (હકીકતમાં ભલે ન આવો) સપનામાં તો આવશોને?! પેલી કે જેને પ્રિયતમા ધારી લીધી છે, તેનો વાંક નથી પણ ઉત્તર તો તેની જ પાસે મંગાય રહ્યો છે. પણ સામે પક્ષે ખબર નહોય તો ઉત્તર કયાંથી મળશે? જે દુ:ખ છે તે આજ છે પણ કોઇ માટે લાગણી જાગી જ જાય તો કરવું ય શું? સપનામાં આવવું પણ ચાહનારની લાગણી કેટલી તીવ્ર છે તેના પર આધારીત છે. એમાં સામે ન પૂછાય પણ બેબાકળુ મન પૂછી નાંખે, ‘યે તો કહ દો એક બાર ખ્વાબ મેં તો આઓગે… તુમ તો દિલ કે તાર છેડકર…

મજરુહ સુલતાનપુરીનું લખેલું ગીત છે, ‘યુંહી બેખયાલ હો કર, છૂ લિયા કિસીને, કઇ ખ્વાબ દેખ ડાલે યહાં મેરી બેખુદીને…’ અહીં પણ એવું જ છે એટલે કહે છે, ‘અપની એક ઔર રાત ઉલઝનો મેં જાયેગી/ શોખ શોખ વો અદા હમકો યાદ આયેગી/ મસ્ત મસ્ત હર નજર દર્દ બનકે છાયેગી…’ સામે તે નથી પણ વિચાર તો સતત તેના જ છે. શું થશે? તેને જોઇ જ છે માત્ર તો શું તે પણ મને જોશો? મારી લાગણી સંબંધમાં પલટાશે?’ અપની એક ઓર રાત ઉલઝનો મેં જાયેગી’ અને આંખ સામે તે જ રહે એટલે તેનું યૌવનભર્યું ચાંચલ્ય, તેની એ અદાઓ અમને યાદ આવશે અને પછી બનશે એવું કે બીજી જે કોઇ યુવતીને જોશું, તેની મસ્ત મસ્ત હર નજર દર્દ બનકે છાયેગી. જે જોવાઇ રહી છે તે ભલે તે નથી પણ તેમાં દેખાય તો તે જ રહી છે. એટલે એ મસ્ત નજર છે તો પણ દર્દ બનીને છવાશે. શૈલેન્દ્રએ આખીએ મનોદશાને બહુ નાજુકાઇથી વ્યક્ત કરી છે. જયારે આપણે કોઇમાં ખોવાયા હોય ને જેમાં ખોવાયા હોય તે આપણામાં ખોવાયેલી ન હોય તો એવા એકાન્તનો ઉપાય શું? બધાની વચ્ચે હોઇએ પણ કોઇની વચ્ચે ન હોઇએ. એવામાં કોઇ ધીરજ જ ન રહે. ‘આજ સબ્રકા ભી હાથ હમસે છૂટને લગા’.

આજે ધીરજનો હાથ પણ અમારાથી છૂટવા લાગ્યો છે અને કાંઇ ચેન જ ન વળે ત્યારે? ‘અબ તો બાત બાત પર દિલ ભી રુઠને લગા.’ આપણું હૈયુ પણ આપણાથી રિસાવા લાગે કે આ તો શું કરી બેઠો? આપણે કહીએ કે પણ શું કરીએ તેના માટે લાગણી તો જાગી ગિ તો હૃદય કહે કે પણ જાગી જ કેમ? હવે? ‘કયા ગજબ હૈ હર કોઇ હમકો લૂટને લગા.’ પોતે જ પોતાના પર કોઇ નિયંત્રણમાં ન હોય તો જે આવીને લૂંટી જવા માંગે તો ભલે લૂંટી જાય. થાય કે તમારે જે કરવું હોય તો કરો મારે તો ફકત તે જ છે અત્યારે. એકને કારણે જાણે બધી હાર આવીને ભેગી થઇ ગઇ.

આ ગીતમાં પ્રેમની જ એક અવસ્થા છે પણ એક પક્ષી પ્રેમની અવસ્થા છે અને એટલે જ રાતભર ચન્દ્ર તળે દાઝતા રહેવાનું છે ને ત્યાં તો ખબર પણ નહીં પડશે કે તેના કારણે કોઇની દુનિયામાં શું નું શું થઇ ગયું છે. શૈલેન્દ્રનું આ ગીત જરા અવસ્થામાં જઇ અનુભવવા જેવું છે પણ એવું તો બને તેને બને ને બને ત્યારે બને એટલે આ ગીતમાં જ પ્રવેશ કરો. આ ગીત તલતે પણ ગાયું છે ને લતાજીએ પણ ગાયું છે. શૈલેન્દ્ર-શંકર જયકિશને આપેલી અનેક અનુપમ રચનામાંથી આ એક છે. શૈલેન્દ્ર અને શંકર-જયકિશન હોય એટલે રાજકપૂર જ હોય એવો વિચાર હંમેશ આવે પણ અહીં દેવઆનંદ છે એટલે જ મુકેશ નથી, તલત મહેમૂદ છે.

Most Popular

To Top