Madhya Gujarat

નડિયાદના ૭૫૦ ઘરમાં તુલસી છોડ અર્પણ કર્યાં

નડિયાદ: નડિયાદ તાલુકાની વાલ્લા શાળા આઝાદીનો અમૃત મહોત્સવ નોખી અનોખી અને પ્રેરક રીતે ઉજવી રહી છે. વાલ્લા ગામ અને નડિયાદ વિસ્તારના ૭૫૦ ઘરમાં ૭૫૦ તુલસીના છોડ અર્પણ કરી  શાળાએ ઘરોઘર તુલસીની વૈદિક સંસ્કૃતિ જીવંત કરી છે. વાલ્લા શાળાના શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ દ્વારા અનેક સેવાકીય અને લોક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. બાળકોના શારિરીક-માનસિક અને શૈક્ષણિક વિકાસની સાથે સાથે તેમનામાં સંસ્કારોનું પણ સિંચન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.

મહત્તમ ઘરોમાં તુલસી હોય છે અને તેમની નિયમિત પૂજા કરવામાં આવતી હોય છે. ઘરે ઘરે તુલસીના છોડ હોય તેવા શુભાશય સાથે હિતેશભાઇ દ્વારા ઘરે ઘરે જઈને તુલસી છોડ સાથે તુલસીના ચમત્કારિક ગુણ નામે પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૭૫૦ ઘરમાં તેઓએ સ્વખર્ચે તુલસીના છોડનું વિતરણ કરી, તેનું જતન કરવાની વિનંતી કરી હતી. હિતેશકુમાર બ્રહ્મભટ્ટે તુલસીના ૭૫ ઔષધ ઉપચાર સાથે ઘર ઘર તુલસી-ગુણકારી તુલસી નામે પુસ્તિકા જાતે તૈયાર કરી વિતરણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે શાળામાં ૧૦૧ તુલસી (વૃંદા) રોપણ કરીને તુલસીવન (વૃંદાવન) તૈયાર કર્યું છ?જેમાં આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા શિક્ષકો સહયોગી બન્યા હતા.

Most Popular

To Top