SURAT

ટ્યૂશન ટીચરે બેશરમીની હદ વટાવીઃ વિદ્યાર્થીનીના મોર્ફ અશ્લીલ ફોટા વોટ્સએપ ગ્રુપ પર મુક્યા

શિક્ષણ જગતને શરમમાં મુકનારી ઘટના સુરત શહેરમાં બની છે. ટ્યૂશન ટીચરે પૂર્વ વિદ્યાર્થીનનું ઈન્સ્ટા પર ફેક આઈડી બનાવી બ્લેકમેઈલ કરી. ઉપરાંત વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકી બદનામ કરી.

શહેરના પોઝિટીવ ટ્યૂશન ક્લાસીસના શિક્ષકની નેગેટીવ કરતૂત સામે આવી છે. સાયબર સેલના ડીસીપી બિશાખા જૈને કહ્યું કે, આરોપી ભાવેશ સૂર્યકાંત પટેલ (વસોયા)ને પકડવામાં આવ્યો છે. આ 35 વર્ષીય શિક્ષક કતારગામ આંબાતલાવડી ખાતે પોઝિટીવ ટ્યૂશન ક્લાસિસ ચલાવતો હતો. શિક્ષકે પોતાની પૂર્વ વિદ્યાર્થીનીને બદનામ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો હતો.

આરોપી ભાવેશ વસોયાએ 2023માં વિદ્યાર્થીનીનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવ્યું હતું. આ મામલે તે સમયે જ સિંગણપોર પોલીસ મથકમાં અરજી આવી હતી. ત્યાર બાદ આરોપી ભાવેશે થોડા સમય માટે વિદ્યાર્થીનીને હેરાન કરવાનું બંધ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ ફરી એકવાર આરોપીએ વિદ્યાર્થીનીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો ત્યાં સુધી એટલે કે 26 મે 2025 સુધી તે વિદ્યાર્થીનીને હેરાન કરતો હતો. આરોપી ટીચર ભાવેશ વસોયાએ વિદ્યાર્થીનીને હેરાન કરવા માટે બધી હદ વટાવી દીધી હતી. કપાળે તિલક કરતા શિક્ષકની કરતૂતો રાક્ષસને પણ શરમાવે તેવી હતી.

આરોપી ભાવેશ વિદ્યાર્થીનીને વ્હોટસએપના વર્ચ્યુઅલ નંબર પરથી મેસેજ કરતો હતો. ઈન્સ્ટા પ્રોફાઈલ ફોટોમાં વિદ્યાર્થીનીના જૂના ફોટા મુક્યા હતા. એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં વિદ્યાર્થીની અને તેના પરિવારના સભ્યો-સંબંધીઓને એડ કર્યા હતા. તે ગ્રુપ તથા પ્રોફાઈલમાં વિદ્યાર્થીનીના મોર્ફ અશ્લીલ ફોટા મુકી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીની હરકતથી હેરાન પરેશાન થયેલી વિદ્યાર્થીની અને તેના પરિવારજનોએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે મૂળ સુરેન્દ્રનગરના અણીન્દ્રા ગામના આરોપી શિક્ષક ભાવેશ પટેલની કતારગામની વિઠ્ઠલનગર સોસાયટીમાંથી ધરપકડ કરી હતી.

શિક્ષકે આવું શું કામ કર્યું?
સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીની 2021માં ધો. 12 સુધીનો અભ્યાસ કરી પ્રાઈવેટ નોકરી કરવા લાગી હતી. તે પોઝિટીવ ટ્યૂશનમાં ભણવા જતી ત્યારે જ આરોપી શિક્ષક ભાવેશ પટેલ તેના એકતરફી પ્રેમમાં પડી ગયો હતો. ત્યારથી જ તેણે વિદ્યાર્થીનીને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. તે વિદ્યાર્થીનીને નોકરી ન કરવા દબાણ કરતો હતો. તેના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનીએ 2023માં સિંગણપોર પોલીસમાં અરજી આપી હતી.

Most Popular

To Top