જાહેરમાં ‘તુ – તુ મેં – મેં’ના દ્રશ્યો રોજબરોજ સર્જાતા જોવા મળે છે. હવે આ દ્રશ્યોથી આશ્ચર્ય થતું નથી. આદત સે મજબૂર. પરિવારમાં આવા દ્રશ્યોના દર્શનથી સંસ્કારી હર્યાભર્યા સમાજ માટે ચિંતાનો વિષય બને છે. જ્યાં પ્રેમ ત્યાં પરિવાર. પરિવારમાં ભાવનાત્મક જોડાણ હોવું જ જોઈએ. પરિવારમાં એકતા હોય તો તકલીફો સામાન્ય બની જતી હોય છે. આજે નવી – જૂની પેઢી વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે. જનરેશન ગેપ વધતો જાય છે. સૌને સ્વતંત્રતા વ્હાલી છે. જીવનમાં બદલાવ, જરૂરિયાતો અને માન્યતાઓમાં બદલાવને કારણે પરસ્પર દોષારોપણ થાય છે.
ભેગા રહો એટલે મતભેદ તો થાય, પણ મતભેદ જો મનભેદમાં બદલાવ પામી વ્યવહારમાં ઉતરે તો સમસ્યાઓ ઊભી કરે. દરેકે સ્વભાવમાં સુધારો કરવો જોઈએ. નાના ઝઘડાઓ, તકરારો અને સમસ્યાઓમાં જ્યારે તુ તુ મેં મેં પર આવી જાઓ ત્યારે શું બોલો છો તેનું ભાન રહેતું નથી. વેધક બાણથી માનસિક તણાવ વધે છે. ગુસ્સામાં બેકાબૂ બની બોલેલા શબ્દો હૃદયમાં જે ઘા કરે એ અસહ્ય બને છે. આ એક માનસિક અત્યાચાર કહેવાય. અહીં માફી સારો ઉપાય છે. વડીલોને આદર મળે એવા સમાજની રચના કરીએ અને વડીલો પરિવારને એકસૂત્રમાં રાખવાની જવાબદારી નિભાવે તે સમયની માંગ છે. આપણને ઘરમાં કે બહાર તુ તુ મેં મેં ન જ શોભે. જેમને શોભે તેઓને મુબારક.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે