Charchapatra

પોતાની લીટી લાંબી દેખાડવાનો પ્રયત્ન

હમણાં એક ભક્તજને અફસોસ વ્યક્ત કરતાં લખ્યું કે, કામ કરતા (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) ફક્ત દોઢ લાખ વોટથી જીતે અને નહીં કામ કરતા (રાહુલ ગાંધી) ત્રણ લાખ વોટથી જીતે એ કેવો ન્યાય? હકીકત તો એ છે કે ભક્તજનોએ જ નહીં પણ મોદી સરકારે પણ આત્મવિશ્લેષણ કરવાની જરૂર છે કે, 303 સીટમાંથી 240 સીટ પર કેમ સમેટાઈ ગયા? 400 સીટના ધૂમધડાકા વચ્ચે 240 સીટનું સુરસુરિયું કઈ રીતે થઈ ગયું?  છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારના શાસનનું સરવૈયું કાઢી જોજો.

ખબર પડશે કે, 60 વર્ષના કોંગ્રેસના શાસનમાં પ્રજા જેટલી હેરાન નથી થઈ  એટલી હેરાન છેલ્લાં 10 વર્ષના મોદી સરકારના શાસનમાં થઈ છે. (આ લખનારને કોઈ રાજકીય પાર્ટી સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી)  મોદી સરકારની અણઆવડત અને અણઘડતા તથા દુઃશાસનની શરૂઆત થઈ નોટબંધીથી.  પછી આવ્યું જીએસટી (જે આજે ય થાળે નથી પડ્યું) કોરોના વખતની અફરાતફરી અને લોકડાઉન, વિચાર્યા વગરનું સીએએ અને એનઆરસી, ખેડૂતો પર ઠોકી બેસાડેલા ત્રણ કૃષિ કાનૂન, જેમને કોંગ્રેસનાં 60 વર્ષ કરતાં મોદી સરકારનાં 10 વર્ષ વધારે જોરદાર અને શાનદાર લાગતાં હોય એમણે ઉપરોક્ત બધી જ મોદી સરકારની કુ-નીતિઓના કારણે અકાળે મૃત્યુ પામેલાં નાગરિકોનો સરવાળો કરી જોવો જોઈએ.

હમણાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા એક ભક્તજને મોદી સરકારની અગ્નિવીર યોજનાની તરફદારી કરીને એના ફાયદા જણાવ્યા હતા, તો એમને પૂછવું રહ્યું કે, તમારા શિક્ષણ ક્ષેત્રે પણ આવી અગ્નિવીર જેવી ચાર વર્ષની નોકરી આપતી યોજના લાગુ પાડવામાં આવે તો કેવું રહે?  અને એનાથી પણ આગળ વધીને કહી શકાય કે અગ્નિવીર યોજના જો એટલી જ સારી હોય તો મોદી સરકાર બધા જ સાંસદો માટે કેમ લાગુ પાડતી નથી?  એટલું જ નહીં ભકતજને તો મોદી સરકાર તરફથી ખેડૂતોને અપાતી એમ.એસ.પી. નું પણ ઉપરાણું લીધું હતું.

જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એમએસપી અપાતી હોય તો વાર્ષિક છ હજારનું રાહત પેકેજ કેમ આપવામાં આવી રહ્યું છે?  હજુ એ ખેડૂતો કેમ આત્મહત્યા કરી રહ્યા છે? 2019 માં ખેડૂતોની આવક ડબલ કરવાનાં બણગાં ફૂંકવામાં આવેલા એનો એકેય ફણગો ફૂટ્યો ખરો? જેનામાં પોતાની લીટી લાંબી કરવાની ત્રેવડ ન હોય એવાં જ લોકો અન્યોની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. અર્થાત્ કોંગ્રેસની લીટી ટૂંકી કરીને મોદી સરકાર પોતાની લીટી લાંબી દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top