Comments

છાતી ‘‘૫૬’’ ની રાખવાની મથામણ?

સપ્ટેમ્બરની તા. ૨૬ મી એ સંયુકત કિસાન મોરચાએ ખેડૂત કાયદાઓ રદ કરાવવા ભારત બંધનું એલાન આપ્યું છે. સવાલ એ છે કે ગયા વર્ષે શરૂ થયેલો વિરોધ કેમ હજી ચાલી રહ્યો છે? ખેડૂતોની ચળવળે કેન્દ્ર સરકારને આઠ માગણીઓ રજૂ કરી હતી.

  • (૧) નિયંત્રિત બજારોની બહાર કૃષિ પેદાશોનું કરમુકત વેચાણ કરવાની છૂટ આપતો કાયદો રદ કરો. કોર્પોરેટ ક્ષેત્રને કૃષિ ક્ષેત્રમાં આવતાં અટકાવો અને ટેકાના લઘુતમ ભાવોની બાંહેધરી આપો.
  • (૨) કોન્ટ્રાકટની ખેતીને મંજૂરી આપતો કાયદો પાછો ખેંચો.
  • (૩) આવશ્યક ચીજવસ્તુ ધારાને સુધારો કરતો કાયદો રદ કરો અને ખેતપેદાશના સંગ્રહને ગુનો નહીં ગણો.
  • (૪) ૨૦૨૦ ના વીજળી વટહુકમમાં જે સુધારા સૂચવ્યા છે તે પાછા ખેંચો. આ સુધારાથી વીજળી સબસીડીની જગ્યાએ રોકડ સબસીડી આપે.
  • (૫) પેટ્રોલ અને ડીઝલના ભાવને આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલના ભાવ સાથે સમકક્ષ કરવા તેના પરના વેરા ઘટાડો.
  • (૬) પરાળ પ્રદૂષણ વટહુકમ પાછો ખેંચો જેના અન્વયે પરાળ બાળવાને ગુનો ગણવામાં આવે છે.
  • (૭) ખેતીવાડી રાજયનો વિષય છે તેમાં કેન્દ્રની કાયદાકીય દખલ બંધ કરો.
  • (૮) ભીમ કોરેગાંવ પ્રકરણમાં અને નાગરિકતા સુધારા ધારાના વિરોધમાં પકડાયેલા તમામને બિનશરતે મુકત કરો.

ગયા વર્ષની તા. ૩૦ મી ડિસેમ્બરે મોદી સરકાર વીજળી વટહુકમ મુદ્દાના સુધારા પડતા મૂકવા અને ખેડૂતોને પરાળના દહન બદલ દંડ કરવામાંથી મુકત કરવા સંમત થઇ હતી. તા. ૧૨ મી જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ સુપ્રીમ કોર્ટે ખેડૂત કાયદાના અમલ સામે ‘મનાઇ’ ફરમાવી હતી, તેમાં મુદ્દા ૧, ૨ અને ૩ ની વાત કરી હતી. કોર્ટે ખેડૂતો અને સરકાર સાથે વાતચીત કરવા અને ભલામણ કરવા માટે ચાર સભ્યોની એક સમિતિની નિમણૂક કરી. આમાંથી એક સમિતિ સભ્ય ભૂપેન્દ્રસિંહ માને સમિતિમાં ખસી જઇ કહ્યું કે હું ખેડૂતોનો ટેકેદાર છું. અન્ય ત્રણમાં બે સરકારના ટેકામાં લખનાર કૃષિ અર્થશાસ્ત્રીઓ હતા. ખેડૂત સંઘોએ સમિતિને જ મળવાની ના પાડી અને છ મહિના પહેલાં, ગયા માર્ચમાં આ સમિતિએ પોતાની ભલામણ બંધ પરબીડિયામાં આપી.

બે મહિના પહેલાં, તા. ૪ થી જુલાઇએ ઉપભોકતા બાબતના પીયૂષ ગોયલના મંત્રાલયે મગ સિવાયની તમામ દાળના જથ્થાબંધ વેપારીઓ માટે બસો ટનની અને છૂટક વેપારીઓ માટે પાંચ ટનની મર્યાદામાં જથ્થો રાખવાના નિયંત્રણો મૂકયાં, કારણ કે ભાવ વધતા જતા હતા, પણ આ મર્યાદાનો અર્થ એ હતો કે સરકાર આવશ્યક ચીજવસ્તુ ધારાને નાબૂદ કરવાની વિરુદ્ધમાં જતી હતી. સુપ્રીમ કોર્ટની સમિતિના એક સભ્યે પોતાના હેવાલ હજી બંધ પરબીડિયામાં જ રહ્યો હોવાનો ગયા સપ્તાહે આક્રોશ વ્યકત કર્યો હતો.  દેખીતી રીતે સમિતિએ આ કાયદા રદ કરવાની તરફેણ નહોતી કરી પણ આ સભ્ય અનિલ ઘનવતના જણાવ્યા પ્રમાણે આ કાયદાઓમાં ઘણી ખામીઓ છે જે દૂર કરવી રહી.

ખેડૂતો જે માંગણીઓ પર વિરોધ કરે છે તેની આ પરિસ્થિતિ છે. તેમની કેટલીક માગણીઓ મંજૂર થઇ છે. કેટલીક સામે હજી મનાઇ છે તો એક કિસ્સામાં સરકારો જ એક કાયદો રદ કર્યો છે. આ વર્ષના પૂર્વાર્ધમાં સરકારે કહ્યું હતું કે અમે પોતે કાયદાનો અમલ ૧૮ મહિના મોકૂફ રાખવા તૈયાર છીએ. જે કાયદાનો અમલ જ નથી થતો તેને પાછો ખેંચતા સરકારને કોણ અટકાવે છે? આ કાયદાઓ આત્મનિર્ભર ભારત યોજનાના ભાગરૂપે ગયા જૂનમાં વટહુકમ તરીકે પસાર થયા હતા અને રાજયસભામાં વિભાજન મતદાન વગર શંકાસ્પદ રીતે પસાર થયા હતા અને આખા વિશ્વમાં તેનો સૌથી લાંબો અને મોટો વિરોધ થયો છે.

આ વિરોધ પ્રદર્શન દરમ્યાન લગભગ ૬૦૦ ખેડૂતો માર્યા ગયા છે. નોંધપાત્ર વાત તો એ છે કે કોઇ જૂથ તેના અમલની માંગ નથી કરતું, સરકાર પર આ કાયદાનો અમલ કરવા માટે કોઇ દબાણ નથી. તે કાયદાને શીતાગારમાં મૂકી વિરોધની અવગણના કરે છે અને આશા રાખે છે કે ખેડૂતો થાકી-હારી જશે અથવા એની મેળે વિરોધ શાંત થઇ જશે, પણ એવું બને તેમ લાગતું નથી અને ‘ભારત બંધ’ ક્ષિતિજે ડોકાઇ રહ્યો છે. તો પછી જે દેખીતું છે અને કાયદાને પાછો ખેંચવો પડે છે છતાં વિરોધ પ્રદર્શનો કેમ ચાલતાં દેખાય છે? ૫૬ ઇંચની છાતી યથાવત્‌ જાળવી રાખવા આ થાય છે! આશા રાખીએ કે આવું નહીં હોય, પણ આ વલણ દેશની નેતાગીરી માટે કંઇક અલગ વાત કરી જાય છે. પણ બીજું શું થઇ શકે તે જોવાનું અઘરું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top