નડિયાદ, : ઠાસરા તાલુકાના સાંઢેલી ગામમાં અસામાજીક તત્વો દ્વારા ગામની શાંતિ ડહોળવાના હેતુસર સોશ્યલ મિડીયા ઉપર ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરતાં મામલો ગરમાયો હતો. જોકે, વાતાવરણ ડહોળાય તે પહેલાં જ સ્થાનિક પોલીસે સતર્કતા દાખવી પરિસ્થિતીને તાબે કરી લઈ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ મામલામાં પોલીસે પાંચ ઈસમો ઉપરાંત બે સગીરો સામે કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરા તાલુકાના સાંઢેલી ગામમાં રહેતાં હિન્દુ રહીશો દ્વારા રવિવારના રોજ રામનવમી નિમિત્તે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે સંપન્ન થઈ હતી. જોકે, બાદમાં ગામમાં રહેતાં કેટલાક વિધર્મીઓએ ગામની શાંતિ ડહોળવાના હેતુસર હિન્દુ સમાજની લાગણી દુભાય તે રીતે રામનવમીની શોભાયાત્રાના વિડીયોને એડીટ કરી, બે અલગ-અલગ વિડીયો મર્જ કરી કેટલાક આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી તે વિડીયો સોશ્યલ મિડીયામાં મુક્યો હતો.
જોતજોતામાં આ ઉશ્કેરણીજનક વિડીયો વાઈરલ થયાં બાદ બંને કોમ વચ્ચે સોશ્યલ મિડીયા વોર શરૂ થઈ ગયું હતું અને પરિસ્થિતી પણ વણસવા લાગી હતી. સોશ્યલ મિડીયાના માધ્યમથી બંને કોમ દ્વારા એકબીજા ઉપર કાઢવામાં આવતી ભડાશને જોતાં ગામમાં ધીંગાણું થવાની દહેશત સર્જાઈ હતી. દરમિયાન ગામના એક જાગૃત રહીશે ઠાસરા પોલીસને આની જાણ કરી હતી. ગામમાં અંબામાતાના મંદિરે હિન્દુ યુવકો એકઠા થઈ રહ્યાં હોવાની માહિતી મળતાં જ ઠાસરા પોલીસની ટીમ તાત્કાલિક સાંઢેલી ગામે પહોંચી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ડાકોર તેમજ સેવાલિયા પોલીસની મદદ લેવામાં આવી હતી. અને તરત જ ઉચ્ચ અધિકારીને જાણ કરતાં ખેડા જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસની ટીમ પણ સાંઢેલી ગામે પહોંચી હતી. પોલીસ દ્વારા સતર્કતા દાખવી બંને કોમના અગ્રણીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી શાંતિ ન ડહોળાય તે રીતનું આયોજન કરવાનીસાથે સાથે ગામમાં ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઉશ્કેરણી વિડીયો વાઈરલ કરનાર પાંચ વિધર્મી યુવકોની અટક કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર મામલામાં સંડોવાયેલા બે સગીરો સામેપણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.