Business

‘સચ બઢે યા ઘટે સચ નહીં રહે, જૂઠ કી કોઈ ઈંતિહા હી નહીં’

આવતા રવિવારે સ્વતંત્રતા દિવસ છે, બેશક રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિનો દિવસ છે, પણ ચારેકોર જે જૂથ અને જૂઠનો માહોલ રચાયો છે તેમાં આપણે પૂરાં સ્વતંત્ર છીએ એવું કહીએ તો એ પૂરું સાચું ન ગણાય અને એટલે જ મને આજે મશહૂર શાયર ક્રિશન બિહારી નૂરની રચનાની કેટલીક કડી યાદ આવે છે જેમાની એક કડી ઉપરનું શીર્ષક છે પહેલા એ કડીનો મર્મ જોઈને આગળ ચાલીએ.  ઓશો રજનીશજી જ્યાં જીવન અને મરણ બંનેને  ઉત્સવ કહે છે તો ક્રિશન બિહારી નૂર જીવનને સજા  કહે છે  રચનાની બે ચાર કડી જુઓ.

  •   ‘જીંદગી સે બડી સજા હી નહીં,
  •    ઓર ક્યા જુર્મ હે પતા હી નહીં
  •    સચ બઢે યા ઘટે, સચ ન રહે
  •     જૂઠ કી કોઈ ઈંતિહા હી નહીં
  •     ચાહે સોને કે ફ્રેમમે જડદો
  •     આઈના કભી જૂઠ બોલતા હી નહીં’

આમ તો આ રચના ખૂબ લાંબી છે જેને જગજીતસિંહે ખૂબ ગાઈ છે,મારા અંગત મતે ક્રિશન બિહારીની આ રચના આઝાદી પછીના  પૂરાં માહોલ  સામે અરીસો ધરે છે  આવી રચના  અનુભવ સાથે જ બનતી હોય છે  પૂરાં સત્યની વાત નીકળે તો આપણી પાસે બે ચાર જ નામ છે રાજા હરીશચંદ્ર, બીજું નામ મૂકવું હોય તો યુધિષ્ઠિર પણ મહાભારતના યુદ્ધમા અશ્વસ્થામાં કોણ મરાયું તેનો જવાબ ભગવાન કૃષ્ણના ઈશારે યુધિષ્ઠિરે જાણતા હોવા પછી પણ “નરોવા કુંજર” અર્થાત માણસ યા હાથી એવું કહેતા તેમનો ઉડતો રથ જમીન પર આવી ગયો હતો એ પછી ગાંધીજીના સત્યાગ્રહને મૂકી શકાય પણ એ પછી કોણ….?

કોઈ નહીં, સમાવેશ કરવો હોય તો હું  તમે અને આપણે બધાં  આવી જઈએ  અપવાદો માફ કરે પણ આમાંથી બચવા માટે પ્રભુ શરણ અને પ્રભુ સ્મરણ જ એક આશરો છે, ગત સોમવારનાં સત્સંગમા અનુપભાઈના પુસ્તકના ઉલ્લેખ પછી એક બહેન નામે ચેતનાબેને ખૂબ જ નિખાલસપાને ફોન પર કહ્યું કે હું ખૂબ સત્સંગી છું પરિણામસ્વરૂપ હવે જલ્દી જૂઠું નથી બોલાતું, બોલાઈ ગયા પછી આત્મ ગ્લાનિ થાય છે એમની વાતમાં દુઃખ઼ હતું પણ આપણી સમાજ વ્યવસ્થા, વ્યવહાર, પરિવાર લઈને બેઠાં છીએ એટલે આવું બને જપણ માહોલ પણ સાવ જૂઠનો જ બની ગયો છે ને? કહે છે કે તમે એક જૂઠ 100 વાર બોલો તો તે સાચું બની જાય યા બનાવી દેવાય, હૃદય પર હાથ મૂકી પૂછો તમે રોજ કેટલા જૂઠ સહન કરો છો અથવા કેટલા જૂઠ બોલવા પડે છે, વાંક કોઇનો નથી ચારેકોર માહોલ જ એવો થઈ પડ્યો છે  જે વાત અપવાદ હોવી જોઈએ તે નિયમ બની ગઈ છે. અપવાદો માફ કરે પણ ક્રિશન બિહારીની આજ રચનામા તેઓ ઉમેરે છે કે

  •    ‘ધન કે હાથો બીક ગયા હે કાનૂન
  •     અબ જુર્મ કી કોઈ સજા હી નહીં’

 આ રચના પર મને ફિલ્મ સર્જક બાસુ ભટ્ટાચાર્યની સુરતની રુબરુ મુલાકાત યાદ આવે છે જેમાં તેમણે કહ્યું હતું કે હું મુંબઈમા  એક કોર્ટની સામે 30વર્ષોથી રહું છું  જે વર્ષોમા મેં જોયેલા દ્રશ્યની વાત કરું, તેમણે ઉમેર્યું કે શરૂના વર્ષોમાં હું ચાર ચોરને એક પોલીસ પકડી લાવતી હતી પોલીસનું માથું ઊંચું રહેતું હતું જ્યારે ચોર નીચું જોઈને ચાલતાં, બદલાતા  સમય વચ્ચે ચાર પોલીસ એક ચોરને લાવે છે જેમાં પોલીસના ચહેરા નીચા  હોય છે અને ચોર ઊંચું માથું કરીને ચાલે છે. બસ આજ માહોલ સ્વતંત્રતા પછી જોવાઈ રહ્યો છે બધાં લાચાર છે પણ કોઈ શું કરે એટલે જ મેં શરૂઆતમા જૂઠ અને જૂથને સાથે જોડ્યા છે.

ઘણાં ચિંતકો, વિચારકો ઘણું કહી ગયા પણ એ બધું અભરાઈએ છે અધૂરામાં પૂરું સોશિયલ મીડિયા આવી ગયું પછી કોણ કોણે વાંચશે,સમજશે અને સમજાવશે,ઓશો રજનીશ ફરી યાદ આવે છે કેજેમણે કહ્યું હતું કે જે દેશમાં મંદિરો પર સોનાના ઢોળ ચઢે અને રાષ્ટ્રની શાળાઓમાં પાણી ગળતું  હોય તો તે દેશ તંદુરસ્ત છે એમ ન કહેવાય,મંદિરોની શોભા તો હરકોઈને ગમે જ તે દર્શનીય પણ છે પણ રાષ્ટ્રની ગરીબ શાળાઓની ગળતી છત બરાબર થઈ જશે તો જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે તે ભારતમાતા રાજી થશે અને સ્વતંત્રપર્વના આશીર્વાદ આપશે.

Most Popular

To Top