ટેરીફ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા તનાવમાં અનેક અમેરિકી ટોચના ડિપ્લોમેટના વિધાનોથી બન્ને દેશો પોઈન્ટ ઓફ નો રિટર્નની સ્થિતિએ જઈ રહ્યા છે તેવા સંકેત મળવાના શરૂ થયા હતા. તે સમયે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે જે ટેરીફ મુદે વ્યાપાર-વિઘ્ન સર્જાયા છે તે દુર કરવા તેઓ ઉત્સુક છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદે વાતચીત કરવાની પણ ઈચ્છા દર્શાવી હતી. તેનો પ્રતિભાવ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વળતો પ્રતિભાવ આપતા ભારત અને અમેરિકાને મિત્ર તથા સ્વાભાવિક ભાગીદાર ગણાવ્યા હતા.
મોદીએ ટ્રમ્પના વિધાનો પર સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા કહ્યું કે બન્ને દેશો વચ્ચે વ્યાપાર-વાટાઘાટ એ ભારત-અમેરિકા ભાગીદારીની જે વિશાળ તકો છે તેને પણ ઝડપવામાં મદદ કરશે. અમારી ટીમ વ્યાપાર વાટાઘાટો શકય તેટલી વહેલી બન્ને તરફી સાનુકુળ રીતે પુરી કરવા ઉત્સુક છે. પ્રમુખ ટ્રમ્પે તેના સોશ્યલ મીડીયા-ટુથ-સોશ્યલ પર પોસ્ટમાં ભારત સાથે વ્યાપાર વાટાઘાટ ચાલુ હોવાનું અને બહું જલ્દી તેમાં સફળતા મળશે તેવું દર્શાવ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર નરમ પડ્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ કામ કરી ગયો. ટ્રમ્પની બડાશ સામે મોદીનું મૌન કામ કરી ગયું છે. હવે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ભારત સાથે વેપાર કરારની તકો શોધી રહ્યાં છે. એ સ્પષ્ટ છે કે કોઈપણ દેશની રાજદ્વારી માત્ર તે દેશના ફાયદા માટે હોય છે. જો અમેરિકા પણ ભારત સાથે વેપાર કરવા માટે તલપાપડ થઈ રહ્યું છે, તો તે તેની કોઈક નબળાઈને દર્શાવે છે. આ નબળાઈને દૂર કરવા જ અમેરિકા ભારત સાથે વેપાર કરવા માંગે છે.
ઘણા કારણો છે જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વ્યક્તિને પણ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સકારાત્મક વલણ અપનાવવાની ફરજ પડી છે. અને તેઓ વારંવાર ભારતને એક મહાન દેશ અને મોદીને એક મહાન મિત્ર કહી રહ્યા છે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં વારંવાર ટૂંક સમયમાં વેપાર સોદા માટે વાટાઘાટો કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ટ્રમ્પે આ અગાઉ ભારતની અર્થવ્યવસ્થાને મૃત જાહેર કરી હતી અને ભારત પર 50% ટેરિફ લાદ્યો હતો ત્યારે આ વલણ વધુ નોંધપાત્ર છે. સ્વાભાવિક છે કે, ટ્રમ્પના વલણમાં આ ફેરફાર અને ભારત સાથે વેપાર સોદો કરવાની તેમની ઉત્સુકતા ઘણા પ્રશ્નો ઉભા કરે છે. ચાલો જોઈએ કે અમેરિકાની કઈ વ્યાપારી અને આર્થિક મજબૂરીઓ છે જે તેને ભારત સાથે સોદો કરવા માટે મજબૂર કરી રહી છે?
પીએમ મોદી સાથે વાત કરવા માટે આતુર છું: ડોનાલ્ડ ટ્રમ્પ
અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, ‘મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા માટે વાતચીત ચાલી રહી છે. હું મારા સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટૂંક સમયમાં વાત કરવા આતુર છું. મને ખાતરી છે કે બે મહાન દેશો વચ્ચે વેપાર વાટાયાટો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા નહી આવે.
આ સકારાત્મક વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા ભારત પર ૫૦ ટકા ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે તેમણે ભારત અને રશિયાને ચીન સામે હારી ગયા છે. જે પછી આ નિવેદનીએ રાજદ્વારી વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઉપરાંત, ટ્રમ્પના વ્યાપાર સલાહકાર પીટર નાવારો પણ સતત ભારત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા.