Comments

ટ્રમ્પની ટેરિફ પોલિસી: ક્યા ખોયા-ક્યા પાયા?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી ટેરિફ જાહેરાત ચર્ચામાં તો ખૂબ રહી પણ ખરેખર તેનાથી શું પ્રાપ્ત થયું તે સ્પષ્ટ નથી. એક વાત તો સ્પષ્ટ છે કે ટ્રમ્પની ટેરિફ ઘોષણાઓએ વૈશ્વિક બજારોમાં ભારે હોબાળો મચાવ્યો છે. લોકોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે અને ઘણા વેપારધંધાને અનિશ્ચિતતા વચ્ચે ભવિષ્ય માટે કેવી રીતે યોજના બનાવવી તે અંગે મૂંઝવણમાં મૂકી દીધા છે.

પોતાના બીજા કાર્યકાળ માટે શપથ લીધાના થોડા જ દિવસોમાં, ટ્રમ્પે મેક્સીકન અને મોટા ભાગની કેનેડિયન આયાત પર ૨૫ ટકા અને ચીન પર ૧૦ ટકા ટેરિફ લાદ્યો, જે માટે એવી દલીલ કરવામાં આવી કે ફેન્ટાનાઇલ ડ્રગ અને ગેરકાયદેસર માઈગ્રન્ટ્સના પ્રવાહને રોકવા માટે આવું કરવાની જરૂર છે. જો કે ટ્રમ્પે ટૂંક સમયમાં કેનેડા અને મેક્સિકો પરના ટેરિફને ૩૦ દિવસ માટે સ્થગિત કર્યા. જો કે ચીન પરના ટેરિફ ચાલુ રહ્યા.

ત્યાર બાદ ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ તેમજ તેના ભાગો પર ૨૫ ટકા ટેરિફ વધાર્યા અને મેક્સિકો તેમજ કેનેડા પર ફરી ટેક્સ લાદ્યા અને તમામ ચાઇનીઝ આયાત પર ફેન્ટાનાઇલના મુદ્દે ટેરિફને બમણા કરીને ૨૦ ટકા કર્યા. ત્યાર બાદ કેનેડા અને મેક્સિકોથી કારની આયાત પર ટેરિફ લાદવાની વાત વારંવાર કરી અને અંતે વૈશ્વિક કારની આયાત પર ૨૫ ટકા ટેરિફનો નિર્ણય લીધો.

ત્યાર બાદ, એપ્રિલમાં, તેમણે વિશ્વભરના ડઝનબંધ દેશો પર ‘પારસ્પરિક’ ટેરિફની જાહેરાત કરી, જેમાં વિશ્વભરના તમામ દેશો પર ૧૦ ટકાનો બેઝલાઇન ટેરિફ લાદવામાં આવ્યો. આના કારણે અમેરિકન શેરબજારમાં ભારે ઊથલપાથલ સર્જાયા પછી ટ્રમ્પે ૯૦ દિવસ માટે ‘પારસ્પરિક’ ટેરિફ થોભાવી દીધા, પરંતુ ૧૦ ટકાનો વૈશ્વિક ટેક્સ ચાલુ રાખ્યો અને ચીન પર ૧૪૫ ટકા ટેક્સ લાદ્યો, જે સામે ચીને યુએસ માલ પર ૧૨૫ ટકા ટેક્સ લાદી બદલો લીધો.

થોડા સમય પછી, ટ્રમ્પે અમેરિકા સાથે વેપાર કરાર કરનાર સામે કેટલાક ટેરિફ પાછા ખેંચવાનું શરૂ કર્યું. પહેલો કરાર યુનાઇટેડ કિંગડમ સાથે મર્યાદિત વેપાર કરારના રૂપમાં આવ્યો, જેમાં ઘણાં ઉત્પાદનો પર ૧૦ ટકાનો ટેક્સ યથાવત્ રહ્યો, પરંતુ બ્રિટિશ ઓટો આયાત પર યુએસ ટેરિફ ૨૭.૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવ્યો. આનાથી સ્થાનિક યુએસ કાર ઉત્પાદકોને આંચકો લાગ્યો.

સૌથી મોટો આંચકો તો ચીન મુદ્દે લાગ્યો. યુએસ અને ચીને ૯૦ દિવસ માટે ટેરિફમાં વિરામ અને ઘટાડો કરવાની જાહેરાત કરી, જેમાં યુએસે તેનો ટેક્સ ૩૦ ટકા અને ચીને ૧૦ ટકા કર્યો અને બંને દેશોએ વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. ૧૨મી મે ના દિવસે આ જાહેરાત થઈ એ પહેલાં પણ, અમેરિકાએ સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ટેક ઉત્પાદનોને ટેરિફથી બહાર રાખ્યા હતા, જે મોટા ભાગે ચીનથી આયાત થાય છે. ૧૨મી મે ના કરાર મુજબ, ટ્રમ્પે ચીનથી ઓછી કિંમતની, ‘મિનિમિસ’ આયાત પર ટેરિફ પણ ઘટાડી દીધો. ૮૦૦ ડોલર સુધીની કિંમતની વસ્તુઓ માટે ડ્યુટી ૧૨૦ ટકાથી ઘટાડીને ૫૪ ટકા કરી.

આવા માલ અગાઉ કોઈ પણ આયાત શુલ્ક ચૂકવ્યા વિના અને ઓછામાં ઓછા નિરીક્ષણ સાથે યુ.એસ.માં લાવવામાં આવતા હતા. આવી આયાતની ભારે ટીકા કરવામાં આવી હતી. આ પ્રકારની આયાતથી દેશમાં સસ્તાં ઉત્પાદનોનો ભરાવો તો થતો જ હતો, જેનાથી સ્થાનિક ઉત્પાદનોને નુકસાન થતું હતું. ઉપરાંત તસ્કરો દ્વારા ફેન્ટાનાઇલ સહિતની ડ્રગ્સ લાવવા માટે આ પ્રકારની આયાતનો ઉપયોગ કરવાનો પણ આરોપ હતો. ચીન, મેક્સિકો અને કેનેડા પર લાદવામાં આવેલા પ્રારંભિક ટેરિફ માટે ફેન્ટાનાઇલ-તસ્કરીનું જ કારણ આગળ ધરવામાં આવ્યું હતું. તેથી તે સ્પષ્ટ નથી થતું કે શું યુએસ સરકાર હજુ પણ આ માર્ગે ડ્રગ્સની ઘુસણખોરી થવા અંગે ચિંતિત છે કે નહીં. વિવિધ ટેરિફ રોલબેક અને ટેરિફ સ્થગિત કરવાને વ્યવસાયો દ્વારા આવકારવામાં આવ્યા છે, પરંતુ આ રાહતથી અનિશ્ચિતતા સંપૂર્ણપણે દૂર થઈ નથી. ટેરિફમાં ટૂંકા ગાળાના વિરામ ઘણી કંપનીઓ માટે લાંબા ગાળાના રોકાણ અથવા સપ્લાય ચેઇન નિર્ણયો લેવા માટે પૂરતા નથી.

નાના વ્યવસાયો અમેરિકામાં ૪૬ ટકા જેટલી રોજગારી પૂરી પાડે છે અને અમેરિકાના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)નો ૪૩.૫ ટકા હિસ્સો ધરાવે છે. આ ક્ષેત્ર અત્યારે ચિંતામાં છે. ટ્રમ્પની ઉટપટાંગ હરકતોને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા યુએસ અર્થતંત્ર પર અસર કરી રહી છે. અર્થશાસ્ત્રીઓને આશંકા છે કે આવતા વર્ષે મંદીની શક્યતા લગભગ ૫૦ ટકા છે. ફુગાવો અત્યાર સુધી તો નિયંત્રણમાં છે પરંતુ વર્ષના મધ્ય સુધીમાં ફુગાવો વધવાની અપેક્ષા છે અને કંઝ્યુમર કોન્ફિડન્સ ફુગાવો વધે એ પહેલાં જ ૧૩ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વિશ્વની સૌથી મોટી રિટેલર અને યુએસની સૌથી મોટી આયાતકાર વોલમાર્ટે ચેતવણી આપી છે કે ૩૦ ટકા સુધી ઘટાડ્યા પછી પણ ટેરિફ ઘણા ઊંચા છે જેને કારણે તેણે આ મહિનાના અંત સુધીમાં નાછૂટકે ભાવ વધારવાનું શરૂ કરવું પડશે. વોલમાર્ટની મોટા ભાગની આયાત ચીનથી આવે છે.

એટલે હાલ તો એ સ્પષ્ટ નથી કે ટ્રમ્પ પોતાના ટેરિફ સાથે ક્યાં જઈ રહ્યા છે. અત્યારે તો કેટલીક કંપનીઓએ અબજો મૂલ્યનાં નવાં રોકાણોની જાહેરાત કરી છે, જેમ કે એપલે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે તે આગામી ચાર વર્ષમાં યુએસમાં ૫૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે, પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે અત્યારે જે પ્રમાણેના ટેરિફ અમલમાં છે તે શરતે આ રોકાણ આવશે. એટલે ૯૦ દિવસ પછી આ જ પ્રકારના ટેરિફ ચાલુ રહે છે કે પછી ટ્રમ્પ ફરી પાછો ઊંચા ટેરિફ સાથે ત્રાટકે છે એના પર અમેરિકાની જ નહીં વિશ્વની અર્થવ્યવસ્થાનો આધાર છે.
ડૉ.જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top