અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આજે તા. 21 નવેમ્બરની સાંજે ઉદયપુર પહોંચશે. જ્યાં તેઓ હાઈ-પ્રોફાઇલ શાહી લગ્નમાં હાજરી આપશે. તેઓ ધ લીલા પેલેસના મહારાજા સ્યુટમાં રોકાશે તેનો ખર્ચ પ્રતિ દિવસ 10 લાખ રૂપિયા છે. જ્યાં લક્ઝરી સુવિધાઓથી લઈને કડક સુરક્ષા સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ઉદયપુરમાં તા.21થી 23 નવેમ્બર દરમિયાન એક ભવ્ય અને હાઈ-પ્રોફાઇલ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ખાસ મહેમાન તરીકે હાજરી આપશે. તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે પિચોલા તળાવના કિનારે આવેલી ફાઇવ સ્ટાર હોટેલ ધ લીલા પેલેસમાં રોકાશે.
10 લાખના પેલેસમાં રોકાશે: ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર
ટ્રમ્પ જુનિયર જે ફાઇવ સ્ટાર હોટેલ ધ લીલા પેલેસના મહારાજા સ્યુટમાં રહેશે તેનું ભાડું પ્રતિદિન રૂ.10 લાખ છે. હોટેલનો બીજો રોયલ સ્યુટ જેનો દર રૂ. 7 લાખ છે. તે પણ લગ્ન મહેમાનો માટે બુક કરાયો છે. આ સ્યુટમાં 3,585 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં માસ્ટર બેડરૂમ, વોક-ઇન વોર્ડરોબ, લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, કિંગ-સાઇઝ જેકુઝી, પ્રાઇવેટ સ્પા અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. દિવાલો પર સોનાનો કામ અને બેડરૂમમાં ચાંદીની કોતરણી આ સ્યુટને વધુ શાહી બનાવે છે.

કડક સુરક્ષા અને વિશેષ વ્યવસ્થા
ટ્રમ્પ જુનિયર અને અન્ય મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટેલમાં વિશેષ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુએસ સિક્રેટ સર્વિસ સાથે સ્થાનિક પોલીસ પણ 24 કલાક તૈનાત રહેશે. હોટેલના સામાન્ય વાહનોને બદલે ખાસ મર્સિડીઝ-બેન્ઝ કાર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સામાન્ય મહેમાનોને હોટેલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
23 નવેમ્બરે જગમંદિરમાં લગ્ન થશે
ટ્રમ્પ જુનિયર ડાબોક એરપોર્ટથી સીધા લીલા પેલેસ પહોંચશે અને રાત્રે ઝેનાના મહેલમાં યોજાનાર સંગીત કાર્યક્રમમાં ભાગ લેશે. તા.23 નવેમ્બરે અમેરિકન અબજોપતિ રામા રાજુ મેન્ટેનાની પુત્રી નેત્રા મેન્ટેના અને વામસી ગદીરાજુના શાહી લગ્ન જગમંદિર આઇલેન્ડ પેલેસ ખાતે યોજાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્નમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પણ હાજરી આપશે જેમાં ઋત્વિક રોશન, રણવીર સિંહ, શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, કૃતિ સેનન, જેક્લીન, વાણી કપૂર, જાહ્નવી કપૂર અને કરણ જોહર જેવા કલાકારોનો સમાવેશ થાય છે.