તાજેતરમાં યોજાયેલી ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં વિજયી બનેલા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે ક્યારેય પ્રચાર અભિયાનમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો નથી. તેમ છતાં આ ચૂંટણીમાં ટ્રમ્પ છવાયેલા રહ્યા. વિપક્ષી લિબરલ્સ પક્ષે ઝુંબેશ દરમિયાન એક અલગ રસ્તો અપનાવ્યો. પ્રખ્યાત સેનેટર જેસિન્ટા નેમ્પીજિનપા પ્રાઇસે એપ્રિલમાં ‘મેક ઓસ્ટ્રેલિયા ગ્રેટ અગેઇન’નો નારો ઉઠાવ્યો હતો.
વિપક્ષી નેતા પીટર ડટનની કેટલીક પ્રસ્તાવિત નીતિઓ ટ્રમ્પની પ્લેબુકમાંથી સીધી ઉઠાવેલી હતી. જેમ ટ્રમ્પે મસ્કની નિમણૂક સરકારી ખર્ચ ઘટાડવાના વિભાગના વડા તરીકે કરી હતી તેવી જ રીતે ચૂંટણી પ્રચાર શરૂ થાય તે પહેલાં જ, ડટને પ્રાઇસને ‘સરકારી કાર્યક્ષમતા’ વિભાગ માટે નિયુક્ત કર્યા અને શિક્ષણ વિભાગ સહિત અન્ય સરકારી હોદ્દાઓમાં નોકરીઓ ઘટાડવાનું વચન આપ્યું. ચૂંટણી પ્રચારના અંતિમ અઠવાડિયામાં પોતાની હાર થઈ રહી હોવાનું જાણી ગયેલા ડટને સાંસ્કૃતિક મુદ્દાઓ પર જમણેરી વલણ અપનાવ્યું અને બેવડી નાગરિકતા ધરાવતાં લોકોને દેશનિકાલ કરવાનો મુદ્દો ઉઠાવ્યો.
ઓસ્ટ્રેલિયન ચૂંટણીમાં ટ્રમ્પનો મુદ્દો હાવી થઈ રહ્યો હોવાની ખાસ કરીને બે ઘટના જોવા મળી. પહેલી ઘટના ફેબ્રુઆરીમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ટ્રમ્પ સાથેની મુલાકાત હતી. ઓસ્ટ્રેલિયનો પહેલાંથી જ ટ્રમ્પના ‘અમેરિકા ફર્સ્ટ’ અભિગમનો તેમના દેશ માટે શું અર્થ થશે તે અંગે સાવચેત હતાં. માર્ચ મહિનામાં લોવી ઇન્સ્ટિટ્યૂટના સરવેમાં અમેરિકા પ્રત્યેનો વિશ્વાસ બે દાયકાના સૌથી નીચા સ્તરે ગયો હોવાનું જાણવા મળ્યું. આક્રમણ સામે લડી રહેલા દેશના નેતા તરફ યુએસ રાષ્ટ્રપતિનું વલણ ઓસ્ટ્રેલિયનોને ભયભીત કરી ગયું.
વિપક્ષી નેતા ડટન યુક્રેન મુદ્દે ટ્રમ્પથી દૂર રહ્યા હોવા છતાં, લિબરલ્સ પક્ષથી મતદારો દૂર જવા લાગ્યાં. બીજી ઘટના ટ્રમ્પની જાહેરાત હતી કે ઓસ્ટ્રેલિયન સ્ટીલને ૨૫ ટકા ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં. યુ.એસ. ચૂંટણી પછી, ઓસ્ટ્રેલિયન નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ડટન ટ્રમ્પની જેમ વિજયી થશે અને કઠોર નિર્ણયો અને કર ઘટાડાના મુદ્દે અલ્બેનીઝને હરાવશે. પરંતુ ટેરિફના આંચકાએ ભૂતપૂર્વ પોલીસ અધિકારી ડટનને દેશવ્યાપી મૂડથી દૂર કરી દીધા. ટ્રમ્પના ગાઝા અંગેના પ્રસ્તાવને ડટને વધાવી લીધો હતો. પરંતુ તે અભિગમ ઉલટો પડ્યો અને સોશ્યલ મિડિયાએ તેમને ‘ટેમુ ટ્રમ્પ’નો તાજ પહેરાવ્યો, જેનો અર્થ એ થાય કે તેઓ અમેરિકન નેતાની સસ્તી નકલ સિવાય બીજું કંઈ નથી.
જો કે વિદેશ નીતિ ઓસ્ટ્રેલિયન મતદારો માટે ખાસ મહત્ત્વપૂર્ણ મુદ્દો નહોતો. તેમના માટે જીવનનિર્વાહનો ખર્ચ સૌથી મોટો મુદ્દો હતો. સસ્તા આવાસ અને આરોગ્ય સેવાઓમાં સુધારો પણ અગ્ર ક્રમે હતો. અલ્બેનીઝે જાહેર આરોગ્ય સેવા પ્રણાલીમાં ૮.૫ બિલિયન ડોલરની યોજના જાહેર કરી. મેડિકેરને મજબૂત કરવાના પ્રસ્તાવ સાથે, તેમણે સામાન્ય કર ઘટાડા, બાળ સંભાળ માટે વધુ નાણાં અને વિદ્યાર્થી લોનનું દેવું ઘટાડવાનું વચન આપ્યું.
ઓસ્ટ્રેલિયામાં સત્તાધારી પક્ષ લેબર ચીન પ્રત્યે નરમ હોવાની ધારણા છે. ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચેના સંબંધો નરમગરમ રહ્યા છે. કોવિડ દરમિયાન સંબંધો બગાડ્યા હતા તો વળી ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન વાઇન પર ઊંચા ટેરિફ ઘટાડીને ચીને સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. ફેબ્રુઆરીમાં ચીની યુદ્ધ જહાજો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેના આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં કોઈ જાહેરાત વિના ઘૂસી આવ્યા હતા જેનાથી તણાવ વધી ગયો હતો.
ઓસ્ટ્રેલિયા તેના સૌથી મોટા વેપારી ભાગીદાર ચીન અને તેના લાંબા ગાળાના સુરક્ષા ભાગીદાર યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંબંધો સમતુલિત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. અલ્બેનીઝ સુરક્ષા મુદ્દે સાવચેત રહીને આર્થિક વિકાસ ચાલુ રાખવામાં માને છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં મધ્ય ડાબેરીઓની અણધારી જીત ચર્ચાનો વિષય છે. ટ્રમ્પના આક્રમક રાષ્ટ્રવાદને કારણે બીજા દેશોના જમણેરી રાજકારણીઓ માટે તેમને સાથ આપવો મુશ્કેલ બની રહ્યો છે. જો સાથ આપે તો એવું લાગે છે કે તેઓ પોતાનાં રાષ્ટ્રીય હિતોને દગો આપી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના મતદારોએ ફક્ત ટ્રમ્પ પ્રત્યે અણગમો વ્યક્ત નથી કર્યો પણ તમામ પ્રકારના વૈચારિક ઉગ્રવાદને પણ નકાર્યો છે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.