અમેરિકાના પ્રમુખપદે ફરી એક વાર રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવ્યા છે. આ પહેલા ૨૦૧૬માં ચૂંટાઇને તેમણે પહેલી ટર્મ પુરી કરી, તેના પછી ૨૦૨૦ની ચૂંટણીમાં ડેમોક્રેટ જો બાઇડન સામે હારી ગયા અને હવે ફરી એક વાર ૨૦૨૪ની ચૂંટણીમાં ચૂંટાઇ આવ્યા છે. તેઓ ફરી એક વાર અમેરિકાના પ્રમુખ બની રહ્યા છે ત્યારે પડછાયા જેવા વિવાદો તેમની સાથે જ છે. તેમની સામે અનેક કેસો હતા અને તેમાંથી એક હશ મનીના કેસમાં તેઓ દોષિત ઠર્યા હતા અને તેમાં સજાનો ચુકાદો તેઓ પ્રમુખ બને તે પહેલાની જ તારીખે આવવાનો હતો.
છેવટે ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આ હશ મની કેસમાં સજાનો ચુકાદો શુક્રવારે આવ્યો હતો જેમાં જજે ટ્રમ્પની નોંધ દોષિત તરીકે કરવાનો આદેશ આપવાની સાથે તેમને કોઇ સજા કરી ન હતી અને તે સાથે જ થોડા દિવસ પછી જ અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પની શપથવિધિ પર ઘેરાયેલા વાદળો ખસી ગયા હતા. આ ચુકાદા પહેલા તેમના ટેકેદારોના જીવ સ્વાભાવિક રીતે અધ્ધર થઇ ગયા હતા. જો ટ્રમ્પને સજા થાય તો પ્રમુખપદે તેમની શપથવિધિ થાય કે કેમ? તેની સામે પણ પ્રશ્નાર્થ હતો પણ હવે તેમની સામેનો ભય ટળી ગયો છે.
ન્યૂયોર્કની કોર્ટના જજ જસ્ટિસ જુઆન મેરશાને ટ્રમ્પના રેકર્ડ પર જજમેન્ટ ઓફ ગિલ્ટની નોંધ મૂકવાનું કહ્યું હતું પણ કોઇ જેલની સજા કે દંડ કર્યો ન હતો. જો આવી સજા થઇ હોત તો ટ્રમ્પની શપથવિધિ જોખમમાં મૂકાઇ શકી હોત. ટ્રમ્પને જજે દોષિત ગણાવવાની સાથે કોઇ પણ સજા, કસ્ટડી કે પ્રોબેશન વિના બિનશરતી રીતે મુક્ત કર્યા હતા. શુક્રવારે સુનાવણી દરમ્યાન ટ્રમ્પ કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા ન હતા પણ વીડિયો માધ્યમથી હાજર થયા હત. તેમણે પોતે દોષિત નહીં હોવાનું કહ્યું હતું અને આ ગિલ્ટી ચુકાદા સામે અપીલ કરવાનું પણ કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સામે આરોપ હતો કે અમેરિકી પોર્ન ફિલ્મોની અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ સાથે તેમને જાતીય સંબંધો હતા. ૨૦૧૬ની અમેરિકી પ્રમુખપદની ચૂંટણી વખતે સ્ટોર્મીને આ સંબંધો વિશે જાહેરમાં બોલતી અટકાવવા માટે ટ્રમ્પે મોટી રકમ આપી હતી. આ રીતે ચુકવાયેલા નાણાને હશ મની કહેવામાં આવે છે. સ્ટોર્મી જાહેરમાં આ સંબંધો વિશે બોલી હોત તો ચૂંટણી ટાણે ટ્રમ્પની પ્રતિષ્ઠા ખરડાઇ હોત. ટ્રમ્પ તે ચૂંટણીમાં પ્રથમ વખત અમેરિકી પ્રમુખપદે ચૂંટાઇ ગયા હતા. જો કે હશ મનીની વાત બહાર આવી ગઇ હતી અને તે અંગે કેસ થયા બાદ ટ્રમ્પ મે ૨૦૨૪માં દોષિત ઠર્યા હતા અને સજાનો ચુકાદો આજે આવ્યો હતો. ટ્રમ્પના વકીલે આ ચુકાદા સામે પણ અપીલ કરવાનો ટ્રમ્પનો ઇરાદો જાહેર કર્યો હતો પરંતુ ટ્રમ્પને કોઇ સજા થઇ ન હોવાથી આ ટેકનીકલી શક્ય નહીં હોવાનો એક નિષ્ણાત અભિપ્રાય છે. જો કે આ કોઇ ગંભીર બાબત ન હતી તેથી તેમને સજા કરાઇ નહીં પરંતુ તેમના પર એક કલંક તો લાગી જ ગયું છે.
ન્યૂયોર્કની કોર્ટે હશ મની કેસમાં ટ્રમ્પને દોષિત ગણવાની સાથે કોઇ જેલ કે દંડની સજા કરી ન હતી પરંતુ જજે ટ્રમ્પના પરમેનન્ટ રેકર્ડ પર જજમેન્ટ ઓફ ગિલ્ટ મૂકવાનું કહ્યું હતું. એટલે કે અદાલતમાં ટ્રમ્પના રેકર્ડ પર તેઓ દોષિત ઠર્યા હોવાની નોંધ રહેશે. કોઇ પ્રમુખ માટે સ્વાભાવિક રીતે આ કલંકની વાત કહેવાય. વળી, ટ્રમ્પ એવા પહેલા અમેરિકી પ્રમુખ બન્યા છે કે જેઓ આવા કેસમાં દોષિત ઠર્યા હોય. આજ સુધી કોઇ અમેરિકી પ્રમુખ કે ભૂતપૂર્વ પ્રમુખ સામે ક્રિમિનલ કેસ થયો નથી. આ બધી જ વાત ટ્રમ્પને માટે કલંક સમાન છે પણ ટ્રમ્પને તેની બહુ પડી નથી. તેમને આ વખતે જો બાઇડનના નબળા સ્વાસ્થય અને તેમના ખસી જવા પછી એકંદરે નબળા ગણાતા ઉમેદવાર કમલા હેરિસને મૂકાયા તેનો લાભ મળી ગયો લાગે છે. હવે પ્રમુખપદે આરૂઢ થયા બાદ ટ્રમ્પ બીજા કેસો સહિતની બાબતોને કેવી રીતે હાથ ધરે છે તે જોવાનું રહે છે.