Editorial

ટેરિફ વધારવાનો ટ્રમ્પનો નિર્ણય અમેરિકાને ક્યાં તો સુવર્ણયુગમાં લઈ જશે ક્યાં તો મંદીના યુગમાં!

દુનિયામાં અત્યાર સુધીમાં બે વિશ્વયુદ્ધો ખેલાઈ ચૂક્યા છે. આ બંને વિશ્વયુદ્ધોમાં જે તે દેશોએ ભારે ખુવારી વેઠવી પડી હતી. આ વિશ્વયુદ્ધો વર્ચસ્વ માટેની લડાઈના હતા. જોકે, આજના સમયમાં દુનિયામાં વર્ચસ્વ જમાવવા માટે વિશ્વયુદ્ધો લડાતા નથી પરંતુ વેપાર યુદ્ધ ચાલે છે. વેપારને કારણે જે તે દેશની વધુ પ્રગતિ થાય છે અને સાથે સાથે અન્ય દેશો પર વર્ચસ્વ પણ ઊભું કરી શકાય છે. વર્ષો પહેલા જાપાન દ્વારા વિશ્વના અન્ય દેશોમાં પોતાનો સામાન નિકાસ કરીને મોટો લાભ લેવામાં આવતો હતો. થોડા કેટલાક વર્ષોથી ચીન દ્વારા આખા વિશ્વમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરીને મોટો લાભ લેવામાં આવી રહ્યો છે. વિશ્વમાં ભારત અને ચીન એ વપરાશકારોના મોટા બજારો છે.

જોકે, અમેરિકા ઉત્પાદનનોની દ્રષ્ટિએ આખા વિશ્વમાં વેપાર-ધંધામાં વર્ચસ્વ ધરાવતું હોવાથી અત્યાર સુધી અમેરિકાને વાંધો આવતો નહોતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાની આર્થિક હાલત કથળી ગઈ છે. દર વર્ષે અમેરિકાએ દેવું કરવાની લિમિટ વધારવી પડે છે. આ સ્થિતિને કારણે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વિશ્વમાં ટેરિફ વોર ઊભી કરી છે. ટ્રમ્પ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વના અન્ય દેશો દ્વારા અમેરિકાથી આવતા માલ પર મોટા પ્રમાણમાં ટેરિફ લગાડવામાં આવ્યું છે. જ્યારે અમેરિકા દ્વારા ઓછો ટેરિફ લેવામાં આવે છે. આ અન્યાય હવે નહીં ચાલે. બુધવારે રાતથી જ અમેરિકા દ્વારા વિશ્વના અન્ય દેશોમાંથી આવતા માલ પર ટેરિફ વધારવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પનો આ દાવ અમેરિકાને સુવર્ણ યુગમાં લઈ જશે કે પછી નવી જ પરિસ્થિતિ સર્જશે તે તો આગામી દિવસોમાં ખબર પડશે પણ ટ્રમ્પના આ દાવને કારણે આખા વિશ્વમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.

વિશ્વના અર્થતંત્રમાં એ મોટી ચિંતા છે કે ટ્રમ્પના આ પગલાને કારણે વિશ્વમાં વેપાર યુદ્ધ તો ફાટી નહી નીકળશેને? બુધવારને મધરાત્રે દોઢ કલાકે ટ્રમ્પ વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં કેબિનેટના સભ્યો સાથે આ વધુ ટેરિફનો અમલ શરૂ કરશે. આ કારણે બુધવારની રાત આખા વિશ્વ માટે મહત્વપૂર્ણ બની રહેશે. ટ્રમ્પે કેટલાક દેશ અને કેટલાક ઉત્પાદનો પર ટેરિફ દરો નક્કી કર્યા છે. જોકે, કયા દેશના કયા ઉત્પાદનો પર આ ટેરિફ દરો નક્કી કરવામાં આવ્યા છે. તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આ કારણે ટ્રમ્પનું શાસન ક્યાં કેવી રીતે વર્તશે તેનો અંદાજ અન્ય દેશો લગાડી શકતા નથી. ટ્રમ્પના ટેરિફના નિર્ણયને કારણે વિશ્વભરના શેરબજારોમાં મોટો ગભરાટ છે કે હવે શું થશે. ટ્રમ્પના ટેરિફના નિર્ણયને કારણે ભારતને પણ મોટી અસર થાય તેમ છે. ભારત માટે મુશ્કેલીઓ વધી શકે
તેમ છે.

હાલમાં અમેરિકા અને ભારત વચ્ચે 130 બિલિયન ડોલર કરતાં પણ વધારે રકમનો વેપાર થાય છે. બંને દેશો વચ્ચે આશરે 30 જેટલા ક્ષેત્રોમાં વેપાર થાય છે. જેમાં કૃષિથી શરૂ કરીને ફાર્મા, રત્ન-ઝવેરાત, કાપડ અને ઓટોમોબાઈલનો સમાવેશ થાય છે. ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર કેટલો ટેક્સ વધારવામાં આવ્યો તેની ખબર ગુરૂવારથી જ પડશે. ટ્રમ્પના આ નિર્ણયોને કારણે એવું પણ બની શકે છે કે અમેરિકામાં ભારે મંદી આવી જાય. કારણ કે ટેરિફ વધતા જે તે દેશ પોતાના ઉત્પાદનો મોકલશે નહીં અને તેની સીધી અસર અમેરિકા પર પડશે. બની શકે છે કે ટ્રમ્પ દ્વારા તમામ ઉત્પાદનો પર એક જ 20 ટકાના દરે ટેરિફ લાદવામાં આવે.

જો ભારત અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે તો અમેરિકા પણ ટેરિફ ઘટાડી શકે છે. સને 2021થી 2024 સુધી ભારત અમેરિકાનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ હતો. ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 18 ટકા છે. જ્યારે આયાતમાં 6.22 અને દ્વિ-પક્ષીય વેપારમાં 10.73 ટકા છે. ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવાનો લેવામાં આવેલો નિર્ણય યોગ્ય છે કે ખોટો? તે તો ટેરિફના નવા દરો લાગુ પડ્યા બાદ જ ખબર પડશે પણ એક વાત ચોક્કસ છે કે ટ્રમ્પનો નિર્ણય ક્યાં તો સકારાત્મક કે ક્યાં તો નકારાત્મક રીતે અમેરિકા માટે ઐતિહાસિક બની રહેશે તે ચોક્કસ છે.

Most Popular

To Top