ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ)ની સામાન્ય સભાને સંબોધવા માટે પહોંચ્યા. પોતાના વક્તવ્ય દરમિયાન અપેક્ષિત હતું તે રીતે જ ટ્રમ્પે પોતે નજદીકના ભૂતકાળમાં કેટલાં યુદ્ધો અટકાવ્યાં તેનો દાવો કર્યો. ત્યાર બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘની કામગીરી અંગે નિરાશા વ્યક્ત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે, ‘આ દરમિયાનમાં મને યુનાઇટેડ નેશન્સ દ્વારા યુદ્ધ અટકાવવાની દરખાસ્તો તેમજ પ્રયાસો અંગે એક ટેલિફોન કૉલ પણ કરવામાં આવ્યો નહોતો.’
ટ્રમ્પે યુનાઇટેડ નેશન્સની બિલ્ડીંગમાં પોતે ચાલતા હતા તે દરમિયાન જ એસ્કેલેટર બંધ પડી જવાથી તેમને અને તેમનાં પત્નીને પગથિયાં ચઢીને પોતાના ગંતવ્યસ્થાને પહોંચવું પડ્યું તે અંગે નારાજગી વ્યક્ત કરી. ઉપરાંત તેમના ભાષણ દરમિયાન ટેલીપ્રોમ્પ્ટર કામ કરતું અટકી ગયું તેનો ગુસ્સો પણ યુનાઈટેડ નેશન્સ પર ઊતાર્યો. ટ્રમ્પે ભૂતકાળમાં પોતે સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા મથકને રીનોવેટ કરવા માટેના પ્રયત્નો અંગેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘આ કામ પણ રગશિયા ગાડાની જેમ ચાલે છે. તેમણે હજુ સુધી કામ પૂરું કર્યું નથી.’
દુનિયાની સૌથી વધુ શક્તિશાળી લોકશાહીના વડાએ યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થામાં પોતાના ભાષણ સમયે આવા ક્ષુલ્લક મુદ્દાઓનો ઉલ્લેખ કરીને પોતાનો ગુસ્સો ઉતારવાનું કામ કર્યું હતું. આ બધા થકી ટ્રમ્પનો ઇરાદો એવું કહેવાનો હતો કે, યુનાઇટેડ નેશન્સ જે રીતે કામ કરવું જોઈએ તે રીતે કામ કરતું નથી. ટ્રમ્પે ત્યાર બાદ ભાષણમાં પોતાની ખીજ ઉતારતાં કહ્યું હતું કે, ‘તમારા બધા દેશ (યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશો) જહન્નમમાં જઈ રહ્યા છે.’ આ ઉપરાંત ભારત અને ચીનનો પણ તેણે પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, ‘એસ્કેલેટર અટકી જવાનું મૂળ કારણ ટ્રમ્પના જ સ્ટાફમાંથી કોઈ દોડીને ટ્રમ્પના આગળ પહોંચી ગયું, જેને કારણે ઑટોમેટીક સેફ્ટી મિકેનિઝમ દ્વારા તાત્કાલિક અસરથી એસ્કેલેટર બંધ થઈ ગયું હતું’. આમ ટ્રમ્પનો ગુસ્સો અકારણ હતો. એસ્કેલેટર અટકી ગયું તે બાબતે પછીથી જાણવા મળ્યું કે ટ્રમ્પના વીડિયોગ્રાફર ટ્રમ્પની આગળ નીકળી જવાના કારણે ઑટોમેટીક સેફટી સ્વીચ પડી ગઈ અને એસ્કેલેટર અટકી ગયું હતું. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી ખાતે ટેલિપ્રોમ્પ્ટર અટકી જવાનું કારણ ટ્રમ્પની પોતાની જ વ્હાઇટ હાઉસની ઑફિસ ખાતેનો સ્ટાફ જ હતો, જે ટેલીપ્રોમ્પ્ટરને કન્ટ્રોલ કરતો હતો.
આમ, બંને વાહિયાત કારણોસ૨ ટ્રમ્પે યુનાઇટેડ નેશન્સ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો એણે આ ઘટના કેમ બની તેની વિગતોમાં જવાનું યોગ્ય માન્યું હોત અને ઉતાવળે આ પ્રકારની અપરિપક્વ પ્રતિક્રિયાઓ ના આપી હોત તો વાસ્તવિકતાને કારણે એ જૂઠ્ઠો પુરવાર થયો તે ન થયો હોત. સામાન્ય રીતે મોટા માણસો આ પ્રકારની નાની ઘટનાઓને સહજતાથી લઈ લેતા હોય છે અને એનો ઉલ્લેખ પણ કરવાનું ટાળે છે. તેનાથી તદ્દન ઉલટું ટ્રમ્પે આ બંને ઘટનાઓ જેના માટે યુનાઇટેડ નેશન્સ કોઈ પણ રીતે જવાબદાર નહોતું તેને મુદ્દો બનાવી યુનાઇટેડ નેશન્સ ઉપર કટાક્ષનાં બાણ છોડ્યાં હતાં, જે ટ્રમ્પ કેટલો અહંકારી અને તુંડમિજાજી છે તેનું એક વરવું ઉદાહરણ છે.
ટ્રમ્પ નાની નાની બાબતોમાં ઉશ્કેરાઈ જાય છે અને વાતનું વતેસર કરી નાખે છે, એનાં અનેક ઉદાહરણો હજુ એને સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યાને એક વર્ષ પણ નથી થયું ત્યાં જોવા મળ્યાં છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર હર્બટ સ્પેન્સરે કહ્યું છે કે, ‘ઇતિહાસ પુનરાવર્તિત થાય છે અને ઇતિહાસનો જો કોઈ સૌથી મોટો પદાર્થપાઠ હોય તો એ છે કે, માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી.’ હર્બર્ટ સ્પેન્સરનાં આ વાક્યો ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધન કરવા માટેની મુલાકાત પ્રસંગે જે પ્રકારનું અણછાજતું અને ઉધ્ધત વર્તન કર્યું તેના પરથી સાચાં પડે છે એમ કહી શકાય પણ… ટ્રમ્પ ભૂતકાળમાંથી ક્યારેય કશું નહીં શીખનાર વ્યક્તિ છે, કારણ કે, એનો અહંકાર આદમ કદથી પણ મોટો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.