Comments

ટ્રમ્પના ઓટો ટેરિફ અમેરિકાને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી તેમના ટેરિફ ઉધામા ચાલુ છે. તેમણે ચીન, કેનેડા, મેક્સિકો જેવા દેશો પર  તો જંગી ટેરિફ લાદી દીધા છે અને  તેની સામે વળતા વેરાઓ  અને અન્ય પગલાઓ પણ નોંતર્યા છે. તેમણે બીજી એપ્રિલથી ભારત સહિતના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને આ ટેરિફ અમલમાં મૂકાય તે પહેલા તો ટ્રમ્પે  વિશ્વભરમાંથી અમેરિકામાં આયાત થતા ઓટો વાહનો પર જંગી આયાત વેરો લાદવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે તેઓ ઓટો આયાતો પર  ૨૫ ટકા ટેરિફ લાદી રહ્યા છે, જે પગલા અંગે વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે આ પગલું ફક્ત ઘરઆંગણેનું ઉત્પાદન જ નહીં વધારે પણ વૈશ્વિક સપ્લાય ચેઇન પર આધાર રાખતા ઓટો  નિર્માતાઓ પર નાણાકીય દબાણ પણ મૂકશે. ટ્રમ્પે ઓટો વાહનો પર પચ્ચીસ ટકા ટેરિફ લાગુ પાડતા દુનિયાભરના અનેક દેશોને તેનાથી અસર થવાની શક્યતા ઉભી થઇ છે.

ટ્રમ્પ પોતાના પગલાઓ અંગે ડંફાસ મારવાનું ભાગ્યે જ ચુકે છે. સ્વચાલિત કે ઓટો વાહનો પર ટેરિફ લાદવાના પોતાના પગલા અંગે ટ્રમ્પે કહ્યું કે આ પગલું વિકાસને વેગ આપવાનું ચાલુ  રાખશે. અમે અસરકારક રીતે ૨૫ ટકા ટેરિફ લાગુ પાડી રહ્યા છીએ એમ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું. વ્હાઇટ હાઉસને અપેક્ષા છે કે આ ટેરિફથી વાર્ષિક ૧૦૦ અબજ ડોલરની આવક થશે,  પરંતુ આ ટેરિફ ગુંચવાડાભર્યો બની શકે છે કારણ કે અમેરિકી ઓટોમેકર્સ પણ વિશ્વભરમાંથી તેમના છૂટક ભાગો મંગાવે છે. એપ્રિલથી શરૂ થતા ટેક્સ વધારાનો અર્થ એ છે કે ઓટોમેકર્સને  વધુ ખર્ચ અને ઓછા વેચાણનો સામનો કરવો પડી શકે છે, જો કે ટ્રમ્પ દલીલ કરે છે કે ટેરિફના કારણે અમેરિકામાં વાહન ઉત્પાદનની વધુ ફેક્ટરીઓ ખુલશે અને તેઓ જેને  હાસ્યાસ્પદ  સપ્લાય ચેઇન ગણાવે છે તેનો અંત આવશે જેમાં ઓટો પાર્ટ્સ અને ફિનિશ્ડ વાહનો, જે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં ઉત્પાદિત થાય છે તેનો સમાવેશ થાય છે. પોતે જે ટેરિફ આદેશ પર  હસ્તાક્ષર કર્યા તેના પર ભાર મૂકવા ટ્રમ્પે કહ્યું હતું કે આ કાયમી છે.

ટ્રમ્પ લાંબા સમયથી કહેતા આવ્યા છે કે ઓટો આયાતો પરના ટેરિફથી અમેરિકામાં નવી ફેકટરીઓ ખુલશે, પરંતુ  વિદેશોમાં પણ પ્લાન્ટો ધરાવતા અમેરિકી ઓટો ઉત્પાદકો માટે અમેરિકામાં તેમની ફેકટરીઓ ખસેડવામાં વર્ષો નિકળી જઇ શકે છે. અને હાલ તુરંત તો અમેરિકામાં ઓટો વાહનોના ભાવો  વધી જ જઇ શકે છે.  ટ્રમ્પે જણાવ્યું હતું કે ઓટો પર ટેરિફ 3 એપ્રિલથી વસૂલવાનું શરૂ કરાશે. જો ટેક્સ સંપૂર્ણપણે ગ્રાહકો પર પાસ કરવામાં આવે, તો આયાતી વાહન પર સરેરાશ ભાવ  ૧૨૫૦૦ ડોલર વધી શકે છે, જે એકંદર ફુગાવામાં વધારો કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટ્રમ્પને ફરી ચૂંટવા માટે મતદારોની એક એ અપેક્ષા પણ જવાબદાર હતી કે ટ્રમ્પ ચીજવસ્તુઓના ભાવો  ઘટાડી શકે છે. પરંતુ ટ્રમ્પના હાલના પગલાઓ તો અમેરિકામાં મોંઘવારી વધારી મૂકે તેવા એંધાણ છે.

વિદેશી નેતાઓએ આ ઓટો ટેરિફની તરત ટીકા કરી હતી, જે એક સંકેત હતો કે ટ્રમ્પ એક વ્યાપક વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવી શકે છે જે વિશ્વભરના વિકાસને નુકસાન પહોંચાડી શકે  છે. બ્રસેલ્સમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનએ યુરોપિયન નિકાસોને નિશાન બનાવવાના અમેરિકાના નિર્ણય અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને પ્રતિજ્ઞા કરી હતી કે આ  યુનિયન ગ્રાહકો અને ધંધાઓના હિતોનું રક્ષણ કરશે. કેનેડિયન વડાપ્રધાને આને સીધો હુમલો ગણાવ્યો હતો અને કહ્યુ઼ હતું કે અમે અમારી કંપનીઓનું રક્ષણ કરીશું.  બુધવારના સોદાઓમાં  જનરલ મોટર્સના શેરના ભાવમાં ૩ ટકા જેટલો ઘટાડો થયો હતો જયારે જીપ અને ક્રિસ્લેરના માલિક સ્ટેલેન્ટિસના શેરો ૩.૬ ટકા જેટલા ગગડી ગયા હતા. આના પરથી જણાય છે કે ઓટો ટેરિફના ટ્રમ્પના પગલા અંગે અમેરિકામાં પણ ચિંતાઓ છે.

અમેરિકાને ફરી મહાન બનાવવાના ધખારામાં અને પોતે જેને અમેરિકા સાથે છેતરપિંડી માને છે  તે કરવા બદલ વિશ્વના વિવિધ દેશોને પાઠ ભણાવવા માટે ટ્રમ્પ ટેરિફનો ઉપયોગ એક સાધન તરીકે કરી રહ્યા છે. આ લખાણ તમારા હાથમાં આવશે  તેના બીજા દિવસથી રેસિપ્રોકલ ટેરિફ અમલમાં આવશે અને  તેના પછીના દિવસથી ઓટો ટેરિફ અમલમાં આવશે. આમાં પણ આ ઓટો ટેરિફ અમેરિકાને પોતાને પણ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે  તેવી શક્યતાઓ દેખાય છે. ટ્રમ્પ ભલે અમેરિકાને ફરી મહાન બનાવવાની વાતો કરતા હોય અને પોતાના પગલાઓથી અમેરિકાને ઘણો ફાયદો થશે તેવી ડંફાસો મારતા હોય પણ ટ્રમ્પના અનેક પગલાઓ અમેરિકાને લાભને બદલે નુકસાન કરી શકે છે એમ વિશ્લેષણો જણાવે છે અને ટ્રમ્પના આ પગલાઓમાં ઓટો ટેરિફનો પણ સમાવેશ થઇ શકે છે.

Most Popular

To Top