બિડેન વહીવટીતંત્રે જણાવ્યું છે કે તે એચ-૧બી વિઝા જેવા વિઝાઓ પર આવેલા વિદેશી કામદારો અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓ કે વિપરીત નિર્ણયો અંગે ફેરવિચારણા કરવા તૈયાર છે, જે વિઝા ભારતીય આઇટી પ્રોફેશનલોમાં સૌથી વધુ માંગ ધરાવે છે. અગાઉના ટ્રમ્પ પ્રશાસનમાં આ વિઝાઓ અંગે ત્રણ નીતિ વિષયક ફેરફારો કરવામાં આવ્યા હતા જે હવે રદ કરવામાં આવ્યા છે.
આ પગલું ભારતીય આઇટી પ્રોફેશનલોને મોટી અસર કરે તેવી શક્યતા છે કારણ કે તેઓ અગાઉના ટ્રમ્પ પ્રશાસનમાં સખત સમયનો સામનો કરી રહ્યા હતા. એચ-૧બી વિઝા એ એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિદેશી કામદારોને નોકરીએ રાખવા માટે બોલાવવાની સગવડ આપે છે. ટેકનોલોજી કંપનીઓ આવા વિઝા પર હજારો કર્મચારીઓને વિદેશોથી બોલાવીને નોકરીએ રાખે છે.
અગાઉના ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ વિઝાને લગતા કેટલાક નીતિ વિષયક ફેરફારો કરવામાં આવ્યા હતા જે મુજબ આ વિઝાઓ લોટરી સિસ્ટમથી આપવાનું બંધ કરવાનો અને તેને પગાર આધારિત બનાવવાનો પણ નિર્ણય લેવાયો હતો.
જો કે નવું બિડેન પ્રશાસન આવ્યા બાદ ૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ યુએસસીઆઇએસ દ્વારા એક નવુ પોલિસી મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું હતું જે મુજબ આ ટ્રમ્પ પ્રશાસનમાં કરવામાં આવેલા નીતિ વિષયક ફેરફારોને કારણે જે અરજદારોને અસર થઇ હોય તેઓ તેઓ યોગ્ય ફીની સાથે નોટિસ ઓફ અપીલ અથવા મોશન રજૂ કરી શકે છે. વધુમાં યુએસસીઆઇએસને ચોક્કસ સંજોગો હેઠળ આ બાબતે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાની સત્તા આપવામાં આવી છે અને જે અરજદારો પાસે સમય બચ્યો હોય તેઓ ફરીથી એચ-૧બી વિઝા માટે અરજી કરી શકે છે.