World

ટ્રમ્પ ઈરાન સાથે પરમાણુ કરાર કરવા માંગે છે, સુપ્રીમ લીડર ખામેનીને પત્ર લખ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે પરમાણુ કરાર પર વાટાઘાટો કરવા માંગે છે અને તેમણે ઈરાનના સુપ્રીમ લીડરને આ સંબંધિત એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે તેમને આશા છે કે તેઓ વાટાઘાટો માટે સંમત થશે.

રોઇટર્સના જણાવ્યા અનુસાર ટ્રમ્પે શુક્રવારે (07 માર્ચ, 2025) ફોક્સ બિઝનેસ નેટવર્ક સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે મેં કહ્યું હતું કે મને આશા છે કે તમે વાટાઘાટો કરશો કારણકે તે ઈરાન માટે ઘણું સારું રહેશે. મને લાગે છે કે તેઓ તે પત્ર મેળવવા માંગે છે. બીજો વિકલ્પ એ છે કે આપણે કંઈક કરવું પડશે, કારણ કે તમે બીજા પરમાણુ હથિયાર બનાવવાની મંજૂરી આપી શકતા નથી.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાન સાથે વ્યવહાર કરવાના બે રસ્તા છે, કાં તો લશ્કરી અથવા તમે સમાધાન કરી શકો છો. હું સમાધાન કરવાનું પસંદ કરીશ કારણ કે હું ઈરાનને નુકસાન પહોંચાડવા માંગતો નથી. તેઓ મહાન લોકો છે. હાલમાં આ બાબતે ઈરાની વિદેશ મંત્રાલય તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

શું રશિયા પણ અમેરિકાને ટેકો આપી રહ્યું છે?
દરમિયાન રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન નાયબ વિદેશ પ્રધાન સરગેઈ રયાબકોવે ઈરાનના રાજદૂત કાઝેમ જલાલી સાથે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત પરિસ્થિતિને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો પર ચર્ચા કરી હતી. જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા પછી ટ્રમ્પે અમેરિકાની વિદેશ નીતિમાં મોટા ફેરફારો કર્યા છે. રશિયા પ્રત્યે અમેરિકાનું વલણ બદલાયું છે અને વધુ સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું છે. આનાથી અન્ય પશ્ચિમી સાથી દેશો ચિંતિત થયા છે. ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઈરાન પરમાણુ કરાર પર વાટાઘાટો 2015 માં શરૂ થઈ હતી. જોકે 2018 માં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા તેમાંથી ખસી ગયું હતું, પરંતુ બિડેન વહીવટ દરમિયાન પણ ઈરાન સાથે પરમાણુ કરાર પર પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top