મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનનો સૌથી ઊંચો અને નિર્માણાધીન બ્રિજ આંશિક રીતે ધ્વસ્ત થઈ ગયો છે. આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, “હજુ ઘણું બધું આવવાનું બાકી છે.”
એન્જિનિયરિંગનો નમૂનો ગણાતો બ્રિજ જમીનદોસ્ત : ઈરાનની રાજધાની તેહરાનને પશ્ચિમી શહેર કરજ સાથે જોડવા માટે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. 136 મીટરની ઊંચાઈ ધરાવતો આ ‘B1 બ્રિજ’ મધ્ય પૂર્વના એન્જિનિયરિંગ માસ્ટરપીસ તરીકે ઓળખાતો હતો. ઈરાની સરકારી ટીવીના અહેવાલ મુજબ, “અમેરિકન-ઝાયોનિસ્ટ દુશ્મનોએ કરજમાં આ પુલને નિશાન બનાવ્યો છે.” આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ડબલ ટેપ હુમલો અને જાનહાનિ : સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રથમ હુમલા બાદ જ્યારે ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવ્યો હતો અને નાગરિકોના મોતની આશંકા સેવાઈ રહી છે.
ટ્રમ્પની આકરી પ્રતિક્રિયા : રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હુમલાના વિઝ્યુઅલ્સ ‘ટ્રુથ સોશિયલ’ પર શેર કરતા લખ્યું કે, “ઈરાનનો સૌથી મોટો બ્રિજ તૂટી પડ્યો છે, જે હવે ક્યારેય ઉપયોગમાં લઈ શકાશે નહીં. હજુ ઘણું બધું અનુસરશે!” તેમણે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે સમય પૂરો થાય તે પહેલાં તેઓ કોઈ સમજૂતી કરી લે, નહીંતર ઈરાનને “પથ્થર યુગ” (Stone Age) માં ધકેલી દેવામાં આવશે.
યુદ્ધ નિર્ણાયક તબક્કે? : રાષ્ટ્રને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીએ તેહરાનની સૈન્ય શક્તિને તોડી નાખી છે. તેમણે ઉમેર્યું કે: આગામી 2 થી 3 અઠવાડિયા સુધી ઈરાન પર અત્યંત શક્તિશાળી હુમલા ચાલુ રહેશે. ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને વ્યૂહાત્મક ઠેકાણાઓ હવે નિશાના પર છે.અમેરિકા તેના મુખ્ય વ્યૂહાત્મક લક્ષ્યોને પૂર્ણ કરવાની ખૂબ નજીક છે.ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, “આપણા દુશ્મનો હારી રહ્યા છે અને અમેરિકા હંમેશની જેમ જીતી રહ્યું છે , આ વખતે જીત અગાઉ કરતા પણ મોટી હશે.” હાલમાં આ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.