Comments

ટ્રમ્પને વહેમ છે કે એ વરનાં ફોઇ છે

યુદ્ધ પૂરું થયા બાદ પાકિસ્તાનની પ્રજા હારી ગઇ છે. પાકિસ્તાનની નબળાઈઓ ખુલ્લી પડી ગઇ છે, પરંતુ જનરલમાંથી ફિલ્ડમાર્શલ બનેલા જેહાદી હાફીઝ આસીમ મુનીરનો પાકિસ્તાનમાં જયઘોષ ચાલી રહ્યો છે. આ પાકિસ્તાનમાં પ્રજાને ફાકી ખવડાવવામાં આવી રહી છે કે યુદ્ધમાં પાકિસ્તાનને ફત્તેહ મળી છે, પણ પ્રજાને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થઇ રહ્યું છે અને જેહાદી જનરલ પાકિસ્તાનમાં સૌથી તિરસ્કૃત જનરલ સાબિત થઇ રહ્યા છે. આ પ્રકારનો સાર ધરાવતો એક લેખ વોલ સ્ટ્રીટ જર્નલમાં હમણાં છપાયો છે. પરંતુ ભારતમાં કોંગ્રેસ પક્ષ અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર એ પુનરોક્તિ કરી રહ્યા છે કે પાકિસ્તાન અને ભારતને વેપારવણજની આશા બંધાવીને બન્ને વચ્ચે અમેરિકાએ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે સુલેહ કરાવી છે.

ચૂંટણી પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે જે બણગાં ફૂંકયા હતા કે યુક્રેન – રશિયા અને ઇઝરાયલ –હમાસ યુદ્ધ એ ગાદી પર આરૂઢ થાય કે તુરંત બંધ કરાવી દેશે, પણ એવું કશું બન્યું નથી. ભારત પણ વેપારવણજની લાલચમાં આવે એવું નથી. સાતમી મેની રાત્રે પાકિસ્તાનમાં આવેલા ત્રાસવાદી અડ્ડાઓ અને યુનિવર્સિટીઓ નેસ્તનાબૂદ કરી દીધી તે પછીની સવારે પ્રેસ કોન્ફરન્સમાં તેમ જ ડીજીએમઓ (ડિરેકટર જનરલ ઓફ મિલીટરી ઓપરેશન્સ) દ્વારા પાકિસ્તાનને જાણ કરવામાં આવી હતી કે અમે તમારા આતંકી અડ્ડાઓને ઉડાવી દીધા છે અને તમારી સૈનિક અને નાગરિક સંસ્થા કે મથકો પર હુમલો કરવાની ભારતની કોઇ ઇચ્છા નથી.

પાકિસ્તાન યુદ્ધ આગળ નહીં વધારે તો ભારત તરફથી તે પૂરું થયું છે. પણ પાકિસ્તાન વાર્યું નહીં અને આખરે બે રાતની મોટી ખુંવારી ભોગવી. ત્યાર બાદ પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને સુલેહની દરખાસ્ત માટે ફોન કર્યો. આ વહેતી ગંગામાં કદાચ અમેરિકાએ હાથ ધોવાની કોશિશ કરી હશે. કોઇકને ફોન કર્યા હશે અને હવે અમેરિકાના અદકપાંસળી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર યુદ્ધ અટકાવવાની ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વચ્ચે તો એમ પણ સ્વીકાર્યું હતું કે પોતે યુદ્ધ બંધ કરાવ્યું નથી.

ટ્રમ્પનાં અમુક વાકયોને ટાંકીને કોંગ્રેસના જયરામ રમેશ વારંવાર ચુગલીખોરી કરી રહ્યા છે. યુદ્ધ બાદ દેશમાં કોંગ્રેસની કોઇ આબરૂ બચી નથી, છતાં રમેશ વારંવાર ખુલાસાઓ માગીને દેશમાં સાંપ્રત અને સમકાલીન બની રહેવા મથ્યા કરે છે. તુર્કીયેએ પાકિસ્તાનને લશ્કરી મદદ આપી તે સંદર્ભના પત્રકારોના જવાબ જયરામ અને કોંગ્રેસનો વાયુમિત્ર રમેશ આપી શકયા ન હતા. હવે તેઓ જે સવાલોના જવાબો આપવાનું દેશહિતમાં ન ગણાય તેવા સવાલો પૂછી રહ્યા છે. કોંગ્રેસ અને એના મળતિયાઓને ખબર છે કે આ પ્રકારના જવાબો રાષ્ટ્રભક્ત સરકાર આપશે નહીં તેથી વધુ જોર કરીને પૂછી રહ્યા છે.

પરંતુ દેશના વિલક્ષણ વિદેશમંત્રી એસ. જયશંકરે તેઓને સમજવો હોય તો બરોબર સમજાય તેવો જવાબ આપી દીધો છે. એકસ પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકીને જયરામ કહે છે કે ‘અગિયાર દિવસમાં પ્રમુખ ટ્રમ્પે આઠ વખત સીઝફાયરની ક્રેડિટ લીધી છે. ભારત અને પાકિસ્તાન બન્ને દેશોના વડાઓની સરખી માત્રામાં પ્રશંસા કરી છે અને બન્નેને એક સરખી હરોળમાં ગણ્યા છે. ટ્રમ્પ વારંવાર કહે છે કે વેપારના હથિયાર બનાવી બન્ને દેશોને સીઝફાયર માટે સહમત કર્યા છે.

ગયા બુધવારે પણ ટ્રમ્પે પોતાના જૂના દાવાનું ફરીથી રટણ કર્યું હતું. જયરામનો એ સવાલ સાચો છે કે શું ટ્રમ્પ ભારત અને પાકિસ્તાનને એક હરોળમાં ગણે છે? પરંતુ ટ્રમ્પ વારંવાર વિધાનો બદલતાં રહે છે. એનાં વિધાનોમાં એમના મિત્ર અને દુનિયાના સૌથી મોટા તવંગર ઇલોન મસ્કને પણ શ્રદ્ધા નથી. ડોનાલ્ડ ટ્રમ્પનાં આ પુનરાવર્તનો પાછળ બીજા આશયો પણ હોઇ શકે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રમાણિત અહેવાલો છેલ્લા બે દિવસમાં પ્રગટ થયા તે મુજબ ભારતના હુમલામાં અમેરિકન બનાવટના આઠ એફ-16 વિમાનો, ઉપરાંત એક અવાકસ અને અમેરિકાએ ભૂતકાળમાં આપેલાં કેટલાંક શસ્ત્ર સરંજામો નાશ પામ્યાં છે.

જો યુદ્ધ વધુ ચાલ્યું હોત તો તુર્કીયેના ડ્રોન અને ચીનની મિઝાઈલોની માફક અમેરિકન શસ્ત્રો, વિમાનો વગેરેની વધુ નાલેશી થાય તે ચોક્કસ હતું. સિઝફાયર કરાવીને અમેરિકાએ પોતાની આબરૂ પણ બચાવી છે અને હવે તંગડી ઊંચી રાખવા વેપારને કારણ ગણાવી રહ્યા છે. જે પહેલાંથી નક્કી હતું તે પ્રમાણે જ ભારતે કર્યું છે. પરંતુ આજે ગાઈ વગાડીને ભારત જાહેર ન કરી શકે કે અમેરિકી બનાવટના આઈએફ-સોળ વિમાનોનો ચાર લડાઈ લડતી વેળા અને ચાર જમીન પર હતાં ત્યારે ખુરદો બોલાવી દેવામાં આવ્યો છે. ટ્રમ્પની એક આદત બની ગઇ છે કે દરેક વાતને એ વેપાર સાથે જોડી દે છે.

ટ્રમ્પની આ આદત અમેરિકાની આદત ગણાતી થઇ જશે તો ઇઝરાયલ અને યુરોપના દેશોની માફક ભારતને પણ અમેરિકા સાથેના સંબંધોની પુન: સમીક્ષા કરવાની ફરજ પડશે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત થઇ રહ્યા હતા, પણ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી મુદત અને નવી વૃત્તિએ ભારતને અને ભારતની પ્રજાને રશિયા અને ઇઝરાયલની વધુ નજીક લાવી દીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ નિષ્પક્ષ દેશમાં મંત્રણાઓ યોજાય તેવી વકીલાત પણ અમેરિકાના વિદેશમંત્રી કરી રહ્યા છે. પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનેક વખત શુદ્ધ શબ્દોમાં જાહેર કરી ચૂકયા છે કે પાકિસ્તાન સાથે હવે કોઇ વાટાઘાટો થશે તો તે માત્ર પાક કબજાના કાશ્મીર અને ત્રાસવાદ વિષે જ થશે. વેપાર, નદીઓનાં પાણી કે જમ્મુ કાશ્મીર વિષે કોઇ મંત્રણા થશે નહીં.

વડા પ્રધાનના દૃઢ નિશ્ચયથી મંત્રણાઓ યોજવાના અને પોતાના તત્ત્વાવધાનમાં યોજવાના અમેરિકાની સરકારના દાવાની હવા નીકળી જાય છે. શ્રી એસ. જયશંકર ફરી ફરી કહી રહ્યા છે કે ભારતે દરેક દેશ સમક્ષ એ સ્પષ્ટતા કરી હતી અને તેમાં અમેરિકા પણ આવી જાય છે કે જો પાકિસ્તાન સીઝફાયર ઇચ્છતું હોય તો પાકના ડીજીએમઓએ ભારતને દરખાસ્ત કરવી પડશે. મતલબ કે ભારત પર અમેરિકાનો કોઇ પ્રભાવ પડયો નથી. ગયા સોમવારે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સંસદીય સમિતિ સમક્ષ એ સ્પષ્ટ કર્યું હતું કે સિઝફાયરમાં અમેરિકાની કોઇ ભૂમિકા રહી નથી.

સિઝફાયરની દરખાસ્ત પાકિસ્તાનના ડીજીએમઓ તરફથી આવી હતી. શ્રી મિસરીના કહેવા મુજબ લાહોર ખાતેની ચીની બનાવટની પાકિસ્તાની મિઝાઇલ ડિફેન્સ સિસ્ટમ તેમ જ નુરખાન હવાઈસેના મથક તેમ જ એરોડ્રામને અનહદ નુકસાન પહોંચ્યું ત્યાર બાદ પાકિસ્તાને યુદ્ધવિરામની દરખાસ્ત મૂકી હતી. ભારત તરફથી હજી ઓપરેશન સિંદૂર બંધ કરાયું નથી. ટ્રમ્પ ઇચ્છતા હશે કે આ રીત વડે ટેરિફના મુદ્દા પર ભારતને બ્લેક મેલ કરી શકાશે તો તે ગલતફહમી છે. ભારતે યુદ્ધવિરામ માગ્યો હોત તો તેઓએ સપ્તસિંધુના જળ ફરીથી ચાલુ કરવાની ફરજ ભારતને ન પાડી હોત? પરંતુ જો કોઇ વારંવાર એ જ રટણ કરતું રહે કે વરની ફોઇ હું છું, તો તેમાં વર શું કરી શકે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top