Top News

ટ્રમ્પે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, અમેરિકા AMRAAM મિસાઇલ નહીં આપે

અમેરિકાએ પાકિસ્તાનને નવી એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAM) સપ્લાય કરવાનો ઇનકાર કર્યો છે. તાજેતરના અહેવાલોમાં આવી રહેલી વાતોને ખોટી ગણાવી અમેરિકન દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન માટે કોઈ નવી મિસાઇલ સપ્લાયની યોજના નથી.

પાકિસ્તાનને અમેરિકા તરફથી AMRAAM મિસાઇલ્સ મળવાની આશા હતી પરંતુ હવે આ આશા પર પાણી ફરી વળ્યું છે. અમેરિકન દૂતાવાસે આજ રોજ શુક્રવારે જાહેર કર્યું કે વોશિંગ્ટન પાકિસ્તાનને કોઈ નવી એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ (AMRAAM) આપવા જઈ રહ્યું નથી. દૂતાવાસે જણાવ્યું કે અગાઉ પ્રકાશિત અહેવાલો ખોટા અને ગેરસમજ આધારિત હતા.

દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે તા. 30 સપ્ટેમ્બર 2025ના રોજ જારી કરાયેલી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની યાદીમાં પાકિસ્તાન માટે ફક્ત જાળવણી અને સ્પેરપાર્ટ્સનો ઉલ્લેખ હતો નવી મિસાઇલોનો નહીં. આ યાદીમાં 35 દેશોના લશ્કરી કરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાન પણ સામેલ હતું પરંતુ કોઈ નવું હથિયાર આપવાની વાત નહોતી.

તાજેતરના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા પાકિસ્તાનને AIM-120 AMRAAM મિસાઇલ આપવા જઈ રહ્યું છે. જે F-16 વિમાનોમાં ઉપયોગ થાય છે. આ મિસાઇલ હવાઈ હુમલાઓમાં અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. પરંતુ હવે યુએસ દૂતાવાસના નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનને આવો કોઈ લાભ મળવાનો નથી.

યુએસ દૂતાવાસે વધુમાં જણાવ્યું કે હાલનો કરાર સુધાર ફક્ત જાળવણી અને ટેક્નિકલ સપોર્ટ સુધી મર્યાદિત છે. આ સુધારાથી પાકિસ્તાનની હાલની ક્ષમતામાં કોઈ અપગ્રેડ કે સુધારો થતો નથી. એટલે કે પાકિસ્તાનની લશ્કરી શક્તિમાં કોઈ નવી ટેક્નોલોજી ઉમેરાતી નથી.

આ નિર્ણય બાદ પાકિસ્તાન માટે રાજકીય અને રક્ષણક્ષેત્રે મોટો ઝટકો ગણાવી શકાય છે. કારણ કે તાજેતરમાં તે પોતાના હવાઈ રક્ષણ તંત્રને મજબૂત બનાવવા પ્રયત્નશીલ હતું. અમેરિકાનો આ વલણ એ દર્શાવે છે કે વોશિંગ્ટન હજુ પણ પાકિસ્તાનને સાવચેતીપૂર્વક જ હેન્ડલ કરવા માગે છે.

અમેરિકા તરફથી મળેલો આ નિર્ણય પાકિસ્તાન માટે નિરાશાજનક સાબિત થયો છે અને તેના રક્ષણ ક્ષેત્રમાં નવી પડકારો ઉભા થયા છે.

Most Popular

To Top