Business

ટ્રમ્પે ભારતને મૃત અર્થતંત્ર ગણાવ્યું: કહ્યું- ભારત અને રશિયા પોતાની અર્થવ્યવસ્થા સાથે લઈ ડૂબ્યા

ભારત પર 25% ટેરિફ લાદ્યા પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાને મૃત અર્થતંત્ર ગણાવ્યું. તેમણે કહ્યું- ભારત અને રશિયાએ સાથે મળીને પોતાના અર્થતંત્રને ડૂબાડી દીધું છે, મને શું વાંધો છે? એક દિવસ પહેલા ટ્રમ્પે 1 ઓગસ્ટ, 2025 થી ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. હાલમાં અમેરિકાનો ભારત પર ટેરિફ માલના હિસાબે સરેરાશ 10% જેટલો છે.

ટ્રમ્પે ભારત-રશિયા વેપાર સામે વાંધો ઉઠાવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે 30 જુલાઈએ જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી અમેરિકામાં ભારતીય માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે. તેમણે રશિયા સાથેના વેપારને કારણે ભારત પર દંડ લાદવાની પણ વાત કરી. તેમણે આ વાત તેમના સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર લખી હતી.

યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું તે પહેલાં ભારત તેના કુલ આયાતી ક્રૂડ ઓઇલના માત્ર 0.2 ટકા રશિયા પાસેથી ખરીદતું હતું. જો કે હવે ભારત રશિયા પાસેથી 35-40 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યું છે. આ સાથે રશિયાના ક્રૂડ ઓઇલ પર ભારતની નિર્ભરતા વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે ભારત ઇરાક અને સાઉદી અરેબિયા સહિત પશ્ચિમ એશિયાઈ દેશો પાસેથી તેનું મોટાભાગનું તેલ ખરીદતું હતું. જોકે ફેબ્રુઆરી 2022 માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ.

ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ ખરીદ્યું
ચીન અને અમેરિકા પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર ભારતે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું. પશ્ચિમના કેટલાક દેશોએ યુક્રેન પરના આક્રમણ બદલ રશિયાને સજા આપવા માટે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલાં, ભારતની આયાતમાં રશિયાનો બજાર હિસ્સો માત્ર 0.2 ટકા હતો પરંતુ હવે રશિયા ઇરાક અને સાઉદી અરેબિયાને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર બની ગયો છે. એક સમયે તેનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો હતો.

જુલાઈમાં ભારતે રશિયા પાસેથી 36% ક્રૂડ ઓઇલ આયાત કર્યું
આ મહિને રશિયાએ ભારત દ્વારા આયાત કરવામાં આવતા કુલ ક્રૂડ ઓઇલના 36 ટકા સપ્લાય કર્યા, જેનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ બનાવવા માટે થાય છે. અમેરિકા જતા તમામ ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ અથવા કરની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારતે ‘હંમેશા રશિયા પાસેથી તેના મોટાભાગના લશ્કરી સાધનો ખરીદ્યા છે, અને ચીન સાથે તે રશિયાનો સૌથી મોટો ઉર્જા ખરીદનાર છે. જ્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યા બંધ કરે.’ “તેથી ભારતે 1 ઓગસ્ટથી રશિયા સાથેના વેપાર માટે 25 ટકા ટેરિફ અને દંડ ચૂકવવા પડશે,”

મૃત અર્થતંત્ર શું છે?
મૃત અર્થતંત્ર એ એવી પરિસ્થિતિ છે જ્યારે કોઈ દેશનું અર્થતંત્ર સંપૂર્ણપણે સ્થિર થઈ જાય છે અથવા સંપૂર્ણપણે ધીમું પડી જાય છે. આમાં વેપાર, ઉત્પાદન, નોકરીઓ અને લોકોની કમાણી લગભગ બંધ થઈ જાય છે. વિકાસ અટકી જાય છે અને લોકો નાણાકીય કટોકટીમાં ફસાઈ જાય છે. “મૃત અર્થતંત્ર” એ સત્તાવાર આર્થિક શબ્દ નથી. આ બોલચાલનો શબ્દ છે તેથી તેને માપવા માટે કોઈ ચોક્કસ માપદંડ નથી. જો કે તેને સમજવા માટે કેટલાક આર્થિક સૂચકાંકોનો ઉપયોગ કરી શકાય છે – જેમ કે GDP, ફુગાવો, બેરોજગારી દર અને વેપાર ખાધ.

Most Popular

To Top