World

ટ્રમ્પે નાટો અને કેનેડા માટે નવા અમેરિકી રાજદૂતની કરી જાહેરાત, યુરોપિયન યુનિયન અને ટ્રુડોમાં તણાવમાં

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કેબિનેટ મંત્રીઓના નામ ફાઈનલ કર્યા બાદ હવે મહત્વના દેશોમાં અમેરિકી રાજદૂતોના નામને ફાઈનલ કરી રહ્યા છે. દરમિયાન બુધવારે તેમણે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં યુએસ એમ્બેસેડર માટે કાર્યકારી એટર્ની જનરલ મેથ્યુ જી વ્હીટેકરના નામની જાહેરાત કરી હતી. આ પછી કેનેડા માટે ભૂતપૂર્વ સાંસદ પીટ હોકેસ્ટ્રાને નામાંકિત કરવામાં આવ્યા હતા. આ નામોની જાહેરાત સાથે જ યુરોપિયન યુનિયન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો તણાવ વધવા લાગ્યો છે.

ટ્રંપે જે નામ પસંદ કર્યા છે તે બંને નામ ટ્રમ્પની ખૂબ નજીક છે. ટ્રમ્પ એવા નામો પસંદ કરી રહ્યા છે જે તેમના માટે વફાદારી બતાવી શકે. તેથી યુરોપિયન યુનિયન અને કેનેડાને ચિંતા થવી સ્વાભાવિક છે. આ પહેલા ટ્રમ્પે ઈઝરાયેલના રાજદૂતનું નામ પણ ફાઈનલ કર્યું હતું. કેનેડામાં એમ્બેસેડર તરીકે નામાંકિત થનારા ઉમેદવારોમાંના હોકેસ્ટ્રાએ લગભગ 20 વર્ષ સુધી કોંગ્રેસ (યુ.એસ. સંસદ)માં મિશિગનના સેકન્ડ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ગુપ્તચર સમિતિના અધ્યક્ષ પણ હતા. ટ્રમ્પે કહ્યું કે વ્હીટેકર એ સુનિશ્ચિત કરશે કે અમેરિકન હિતો આગળ વધે અને સુરક્ષિત હોય.

ટ્રમ્પે કહ્યું કે મેથ્યુ અમારા નાટો સહયોગીઓ સાથે સંબંધોને મજબૂત બનાવશે અને શાંતિ અને સ્થિરતા માટેના જોખમોનો મજબૂતીથી સામનો કરશે. તેઓ અમેરિકાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે કહ્યું કે મારા બીજા કાર્યકાળમાં પીટ (ભૂતપૂર્વ કોંગ્રેસમેન પીટ હોકેસ્ટ્રા) ફરી એકવાર મને અમેરિકાને વધુ ઊંચાઈએ લઈ જવા મદદ કરશે. નેધરલેન્ડ્સમાં યુએસ એમ્બેસેડર તરીકેના અમારા પ્રથમ ચાર વર્ષ દરમિયાન તેમણે ઉત્કૃષ્ટ કામ કર્યું હતું અને મને વિશ્વાસ છે કે તેઓ આ નવી ભૂમિકામાં અમારા દેશનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.

Most Popular

To Top