રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો. રશિયન સેનાએ યુક્રેનિયન શહેરો પર 367 થી વધુ ડ્રોન અને મિસાઇલો છોડ્યા. આ હુમલાઓમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 12 હોવાના અહેવાલ છે અને 30 થી વધુ શહેરોને નુકસાન થયું છે. આ ભયાનક હુમલા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ખુલ્લેઆમ હુમલો કર્યો છે. જો તે આખું યુક્રેન ઇચ્છે છે, તો તે રશિયાના પતનની શરૂઆત હશે, એમ ટ્રમ્પે ચેતવણી આપી.
રવિવારે ન્યુ જર્સીના મોરિસટાઉન એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ પુતિનથી ગુસ્સે છે અને તેમની નીતિઓ સાથે સહમત નથી. તેમણે કહ્યું, હું પુતિનથી ખુશ નથી. મને ખબર નથી કે તેમની સાથે શું થયું છે. હું તેમને ઘણા સમયથી ઓળખું છું અમે હંમેશા સારા સંબંધો રાખતા હતા પરંતુ હવે તે શહેરો પર રોકેટ ફેંકી રહ્યા છે અને લોકોને મારી રહ્યા છે. મને આ બિલકુલ ગમતું નથી.
ટ્રમ્પે કહ્યું કે જ્યારે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે રશિયાએ કિવ સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. અમે વાતચીત કરી રહ્યા છીએ અને તેઓ રોકેટ ફેંકી રહ્યા છે? એ યોગ્ય નથી. તેઓ લોકોને મારી રહ્યા છે, એ વ્યક્તિને કંઈક તો થયું છે.
રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
શનિવાર રાતથી રવિવાર સવાર સુધી થયેલા હુમલામાં રશિયાએ યુક્રેન પર 367 મિસાઇલ અને ડ્રોન છોડ્યા હતા. કિવ સહિત ઘણા શહેરોમાં શક્તિશાળી વિસ્ફોટ થયા. યુક્રેનિયન વાયુસેનાએ 266 ડ્રોન અને 45 મિસાઇલો તોડી પાડવાનો દાવો કર્યો છે, પરંતુ ઘણા વિસ્તારો હજુ પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના જણાવ્યા અનુસાર, દેશભરના 30 થી વધુ શહેરો અને ગામડાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઝેલેન્સકીએ અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરી
ઝેલેન્સકીએ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના પ્રતિભાવ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, દુનિયા રજાઓ પર જઈ શકે છે, પરંતુ યુદ્ધો અટકતા નથી. અમેરિકાનું મૌન પુતિનને પ્રોત્સાહન આપી રહ્યું છે.
બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમણે ગયા અઠવાડિયે પુતિન સાથે લગભગ બે કલાક ફોન પર વાત કરી હતી. આ ઉપરાંત તેમણે તુર્કીમાં પ્રસ્તાવિત શાંતિ વાટાઘાટો માટે બંને પક્ષોને તૈયાર કરવા માટે ઝેલેન્સકીનો પણ સંપર્ક કર્યો. જોકે, પુતિન નિર્ધારિત તારીખે વાટાઘાટોમાં હાજર રહ્યા ન હતા, જેને ટ્રમ્પે શાંતિની આશાઓ માટે મોટો ફટકો ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું, પુતિન વાટાઘાટો કરવા આવ્યા ન હતા – શાંતિની કોઈપણ આશાઓ માટે એક મોટો ફટકો.