અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે તેઓ પરમાણુ યુદ્ધની ખૂબ નજીક પહોંચી ગયા હતા. શુક્રવારે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે આ વાત કહી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. આગળનું પગલું શું હોત, ખબર છે… ‘N શબ્દ’. એટલેકે પરમાણુ યુદ્ધ. વિદેશ નીતિની સફળતાઓ પર ટ્રમ્પે કહ્યું કે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવું એ તેમની સૌથી મોટી સફળતાઓમાંની એક હતી. જોકે તેમને તેનો શ્રેય મળ્યો નહીં.
ટ્રમ્પે કહ્યું- શાંતિ માટે વ્યવસાયનો ઉપયોગ
ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશોને યુદ્ધ રોકવાના બદલામાં તેમની સાથે વેપાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે હું હિસાબ પતાવટ કરવા અને શાંતિ સ્થાપિત કરવા માટે વ્યવસાયનો ઉપયોગ કરી રહ્યો છું.
- ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે ટ્રમ્પે કયા દાવા કર્યા હતા?
- ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. હું બંને દેશોને એક સામાન્ય સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.
- મને ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ પર ખૂબ ગર્વ છે જેમણે તાકાત, શાણપણ અને હિંમત બતાવીને નિર્ણય લીધો કે હવે વર્તમાન તણાવનો અંત લાવવાનો સમય છે. આ તણાવ લાખો લોકોના મૃત્યુ અને વિનાશમાં પરિણમી શક્યો હોત.
- મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે. અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મદદ કરી છે. મને ખાતરી છે કે આ યુદ્ધવિરામ કાયમી રહેશે. બંને દેશો પાસે પુષ્કળ પરમાણુ શસ્ત્રો છે, આનાથી વિનાશક પરમાણુ યુદ્ધ થઈ શકે છે.
- મેં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવા માટે મોટા પ્રમાણમાં વ્યવસાયનો ઉપયોગ કર્યો. મારું સૌથી મોટું સ્વપ્ન શાંતિ સ્થાપિત કરવાનું છે. મને એકતા જોઈએ છે, ભાગલા નહીં.
- મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી ન હતી, પણ મેં મદદ કરી હતી. હું એમ નથી કહેતો કે મેં આ કર્યું, પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું તે સમાધાન કરવામાં મદદ કરી.
ટ્રમ્પે ફરી કહ્યું- ભારત ટેરિફમાં 100% ઘટાડો કરશે
શુક્રવારે ફોક્સ ન્યૂઝ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અમેરિકન માલ પરના ટેરિફ 100 ટકા ઘટાડવા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું – ભારત અને અમેરિકા વચ્ચે એક વેપાર સોદો થવા જઈ રહ્યો છે. તેઓ આમાં ઉતાવળ કરવાના નથી. ટ્રમ્પે કહ્યું- 150 દેશો અમેરિકા સાથે સોદો કરવા માંગે છે. દક્ષિણ કોરિયા પણ સોદો કરવા માંગે છે. આપણે બધા સાથે વ્યવહાર કરી શકતા નથી.
ટ્રમ્પે વેપાર સોદા માટે મર્યાદા નક્કી કરવાની પણ વાત કરી. ટ્રમ્પે ફરી એકવાર ભારતને દુનિયામાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક ગણાવ્યો. તેમણે કહ્યું કે ભારતમાં વેપાર કરવો લગભગ અશક્ય છે પરંતુ ભારત અમેરિકા માટે ટેરિફ દૂર કરવા તૈયાર છે. આ પહેલા ટ્રમ્પે 14 મેના રોજ પણ આવો જ દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે અમેરિકાને વેપારમાં શૂન્ય ટેરિફ સોદો ઓફર કર્યો છે. ભારત વેપારમાં અમારી પાસેથી કોઈ ફી લેવા તૈયાર નથી. આના જવાબમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર ચર્ચા ચાલી રહી છે. જોકે બધું જ નક્કી ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.