અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 50 વર્ષ જૂના ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) ને નાબૂદ કરી દીધો છે. આ સાથે વિદેશમાં વ્યવસાય માટે લાંચ આપવી હવે ગુનો રહેશે નહીં. આ કાયદા હેઠળ અમેરિકામાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં તેમના પર ભારતીય અધિકારીઓને લાંચ આપવાની યોજના બનાવવાનો આરોપ છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસના 2 દિવસ પહેલા ટ્રમ્પે આ નિર્ણય લીધો છે.
રોઇટર્સના અહેવાલ મુજબ ટ્રમ્પે એટર્ની જનરલ પામ બોન્ડીને આ કાયદા હેઠળ લેવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરવા માટે માર્ગદર્શિકા બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે ન્યાય વિભાગને આદેશ આપ્યો છે કે અન્ય દેશોમાં વ્યવસાય સુરક્ષિત કરવા માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવાના આરોપમાં અમેરિકનો સામે કાર્યવાહી બંધ કરવામાં આવે.
અદાણી પર અબજો રૂપિયાના કૌભાંડનો આરોપ
ગયા વર્ષે અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચાર્જશીટ મુજબ અદાણીની કંપનીએ ભારતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ અન્યાયી માધ્યમથી હસ્તગત કર્યા હતા. આ માટે સરકારી અધિકારીઓને 250 મિલિયન ડોલર એટલે કે લગભગ 2,029 કરોડ રૂપિયાની લાંચ આપવાની યોજના બનાવવામાં આવી હતી.
આ ઉપરાંત આરોપીઓએ અમેરિકન રોકાણકારો અને બેંકોને ખોટું બોલીને પૈસા એકઠા કર્યા. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક કંપની સાથે સંબંધિત હતો. આ કેસ 24 ઓક્ટોબર 2024 ના રોજ ન્યૂ યોર્કની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.
