એક શેઠને બે દીકરા હતા.મોટો દીકરો સમજદાર અને શેઠના પૈસે તાગડધિન્ના કરવાને સ્થાને તે ભણ્યો અને પોતાનો ધંધો જાતે વિકસાવ્યો અને ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યો હતો.બીજી બાજુ બીજો દીકરો કંઈ ન કરતો અને પિતાના કમાયેલા પૈસાનો વ્યય કરતો.તેને એમ હતું કે મારા પિતાજી મોટા વેપારી છે. મારે શું કામ કંઈ કામ કરવું જોઈએ.તે આળસુ અને અભિમાની હતો. કંઈ કામ કરતો નહિ અને અવિવેકથી બધાના અપમાન ચોક્કસ કરતો.શેઠે તેને ઘણી વાર સમજાવ્યો પણ તે સમજતો જ નહિ. એક દિવસ નાનો દીકરો જુગારમાં ઘણા રૂપિયા હારી ગયો. શેઠ ગુસ્સે થયા અને વિચારવા લાગ્યા.
હવે આ દીકરાને બરાબર પાઠ ભણાવવો જ પડશે.શેઠાણી દીકરાનું ઉપરાણું લેવા ગયાં કે, ‘હશે છોકરું છે, જુવાનીના જોશમાં જુગાર રમી લીધો હશે, તમે માફ કરી દો. હવે એવું નહિ કરે.’શેઠ બોલ્યા, ‘હા, હું પૈસા ચૂકવી દઉં છું પણ માફ કરતો નથી; આજ પછી તારા દીકરાએ પોતાનાં બધાં કામ જાતે કરવાં પડશે. કોઈ નોકર કે પછી તું તેનાં કોઈ કામ નહિ કરે.તેણે પોતાના માટે પાણી પણ કૂવામાંથી જાતે કાઢીને ભરવું પડશે અને જમવાનું પણ જાતે બનાવવું પડશે અને પોતાના રૂમની સાફસફાઈ પણ જાતે કરવી પડશે અને જો તે આમ નહિ કરે તો હું તેને કાયમ માટે ઘરની બહાર કાઢી મૂકીશ.’
શેઠની વાત સાંભળી શેઠાણી કંઈ બોલવા ગયા પણ શેઠે તેમને ચૂપ કરી દીધાં અને નાના દીકરાને કહ્યું, ‘તને મારી વાત મંજૂર હોય તો તું આ છેલ્લી વાર પૈસા લઇ જા.આજ પછી તું બધાં કામ તારી જાતે કરીશ અને એક પણ પૈસો તને મળશે નહિ.પૈસા પણ તારે જાતે કમાતાં શીખવું પડશે.’ નાના દીકરા પાસે અત્યારે શેઠની વાત માન્યા વિના કોઈ છૂટકો ન હતો.તેણે હા પાડી અને તે શેઠના કહ્યા મુજબ પોતાનાં બધાં કામ જાતે કરવા લાગ્યો…મોટા ભાઈના મિત્રની પેઢી પર મોટા ભાઈએ કામે લાગાડયો..અત્યાર સુધી કોઈ કામ કર્યું ન હતું અને હવે ઘરે પોતાનાં બધાં કામ જાતે કરીને બહાર કામ પર જવું પડતું હતું.શરૂઆતમાં તેને બહુ અઘરું લાગ્યું,
પણ પછી ધીમે ધીમે તેની સાન ઠેકાણે આવવા લાગી.તે માત્ર બે ડોલ પાણી કૂવામાંથી ભરતો અને સાચવીને વાપરતો. હવે તેને એક એક ટીપાની કિંમત સમજાવા લાગી હતી.જાતે બનાવેલા આકાર વિનાના રોટલા ખાઈને તેને ભોજનના કણ કણની કિંમત સમજાવા લાગી હતી.જાતે મહેનત કરીને તેને સમજાયું કે મહેનત કરીને કમાયેલા પૈસા જાળવીને રાખવા જોઈએ. નાના દીકરામાં બદલાવ જોઇને શેઠ ખુશ હતા.પિતાની આપેલી સજા તેના માટે હવે વરદાનમાં બદલાઈ ગઈ હતી.તેનું જીવન સાચા રસ્તે આવી ગયું. દરેક જણે પોતાનું કામ જાતે કરવું અને જાત મહેનત કરી પૈસા કમાવા, ત્યારે જ દરેક કામ – મહેનત અને પૈસાની સાચી કિંમત સમજાય છે.