Columns

ભૂલ વિષે સાચી સમજ

‘એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. આજે આ ભૂલ એટલે શું તે વિષે સમજીએ.’ ગુરુજીએ પ્રાર્થના પછી વાત શરૂ કરી.ગુરુજી બોલ્યા, ‘ભૂલ એટલે શું? કોઈ કામ જેમ કરવું જોઈએ તેમ ન કરીએ તે ભૂલ.કોઈ પ્રશ્નનો જવાબ સાચો ન આપીને ખોટો આપીએ તો તે ભૂલ.કોઈ વ્યક્તિના કોઈ પણ વાક્ય કે કામને ખોટી રીતે સમજીને તેના દિલને દુભાવીએ તે ભૂલ.કોઈ વ્યસનને તાબે થઈએ તે ભૂલ.કોઈના માટે ખરાબ વિચારવું કે નુકસાન પહોંચાડવું તે ભૂલ.આમ ભૂલ એટલે શું માટે તો લાંબી યાદી તૈયાર થઇ શકે. વળી પાછું કઈ ભૂલ નાની અને કઈ ભૂલ મોટી તે વિષે પણ વાદવિવાદનો કોઈ આરો નથી અને કોઈને અમુક કાર્ય ભૂલભરેલું લાગે અને કોઈને તે જ કાર્ય ભૂલ વિનાનું એટલે એમ કહી શકાય કે ભૂલ પરિસ્થિતિ અને સંજોગ અનુસાર સાપેક્ષ છે.’

એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, ભૂલની લાંબી યાદી છે. તેમાંથી એક પણ ભૂલ ન જ થાય તે માટે શું કરવું જોઈએ.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, તે શક્ય નથી. મેં શરૂઆતમાં કહ્યું તેમ દરેક વ્યક્તિ ક્યારેક ભૂલ કરે જ છે.ભૂલ થઈ જવી તે માણસની પ્રકૃતિ છે.ભૂલ ભલે થાય.મારે ભૂલ વિષે જે વાત સમજાવવી છે તે એ નથી કે ભૂલ કઈ કઈ છે અને તે કઈ રીતે ન થવી જોઈએ.મારે તમને ભૂલ વિષે એક સાચી સમજ આપવી છે કે મારી, તમારી કે કોઈની પણ ભૂલ થવી સામાન્ય છે. તેમાં કશું જ અજુગતું નથી.પણ હવે વાત કરીએ ભૂલ થાય પછી શું કરવું જોઈએ.તેમાં પણ બે શક્યતા છે. ભૂલ જો અન્ય કોઇથી થઈ હોય તો તેની પાછળનું કારણ સમજી તે વ્યક્તિને માફ કરી દેવી જોઈએ અને એથી વધારે અઘરું સમજવાનું છે કે જો ભૂલ આપણે કરી હોય તો તે સ્વીકારી લેવી જોઈએ.જેમ ભૂલ થવી પ્રકૃતિ છે તો પોતાનાથી થયેલી ભૂલનો સ્વીકાર કરવો સંસ્કૃતિ છે.’

બીજા શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, આપણાથી ભૂલ થઈ જાય તો પછી શું કરવું જોઈએ?’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, આ વાત જ સમજીને જીવનમાં ઉતારવાની છે.ભૂલ થઈ જાય તો જયારે વહેલો કે મોડો પોતાની ભૂલ છે તે સમજાય કે તરત પોતાની ભૂલનો સ્વીકાર કરી લેવો અને સ્વીકાર બાદ થયેલી ભૂલમાંથી પાઠ શીખી તેને સુધરવાનો પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે અને જયારે થયેલી ભૂલથી દૂર ન ભાગીએ અને તેને ઢાંકવાનો કે છુપાવવાનો પ્રયત્ન ન કરીએ ત્યારે સાચી પ્રગતિ શક્ય બને છે.’ ગુરુજીએ ભૂલ વિષે સાચી સમજ આપી.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top