હાલમાં જ ગુજરાતી ફિલ્મ સાથે જોડાયેલો વ્યક્તિ દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હોવાની વાત બહાર આવી. આ કલાકારે ગેંગ ઓફ સુરત અને અજબ પ્રેમ છે જેવી ફિલ્મો ઉપરાંત ગુજરાતી સોંગ અને શોર્ટ ફિલ્મમાં કાર્ય કર્યું હોવાની વાત છે. આ સમાચાર જાણ્યા પછી મનમાં પહેલો વિચાર એ આવ્યો કે એવી તે કેવી પરિસ્થિત અને સંજોગો ઉદભવ્યા હશે કે આ કલાકાર કક્ષાના માણસને આવી પ્રવૃત્તિ કરવા સુધી પહોચવું પડ્યું હશે? તો વળી, બીજો વિચાર એ આવ્યો કે પરિસ્થિતિ કે સંજોગો ગમે તેટલા વિકટ બને તો શું કરવાનું? આવી અસામાજિક પ્રવૃત્તિ કરવાની આ સમગ્ર વાતને આધારે એવા તારણ સુધી પહોંચવું યોગ્ય લાગે છે કે આ જગતમાં કોઈનાથી પણ ખોટી રીતે અંજાવા જેવું નથી. કોઈ મોટી કે પ્રસિદ્ધ વ્યક્તિ કે સેલિબ્રિટી પર ભરોસો કરતાં પહેલાં પણ બરાબર ચકાસણી કરી લેવી જોઈએ કે આપણે છેતરાઈ જઈએ એવું તો નથી ને?
નવસારી- ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મોરના ઈંડા હોય ખરાં?
સૌ કોઈને ખબર હોય છે કે મોર નર હોય છે અને ઢેલ માદા હોય છે; છતાં એક કહેવત છે કે ‘મોરના ઈંડાને ચિતરવા ના પડે’. આ કહેવતનો અર્થ મને ખબર છે કે જેના મા-બાપ સારા ગુણ ધરાવતાં હોય તેના સંતાનોમાં સારા લક્ષણો આપોઆપ આવી જાય છે. પરંતુ મોર ઈંડા મૂકતો નથી તો ચિતરવાનો સવાલ ક્યાંથી આવે? છતાં કહેવત છે એમાં એમેડમેન્ટ થોડું આવે? ચાલો માની લીધું કે સારા સંસ્કારી મા-બાપના સંતાનો સંસ્કારી જ હોય પણ એમ મેળ બેસતો નથી. જો એમ જ હોત તો સુનિલદત્તનો છોકરો સુનિલદત્ત જેવો હોત, ગવાસ્કરનો છોકરો ગવાસ્કર જેવો હોત, તેંદુલકરનો છોકરો તેંદુલકર જેવો હોત, અમિતાભનો છોકરો અમિતાભ જેવો હોત.
આ બધા જ મોર છે પણ મોર ઈંડા મૂકતા નથી. બધા નરના ઉદાહરણ છે. હવે વાત કરીએ એવા લોકોની કે જેમના પિતા મહાન ન હોવા છતાં પોતે મહાન બન્યા છે. આપણા વડા પ્રધાન મોદી, અબ્દુલ કલામ સાહેબના પિતા પણ મહાન ન હતા. મહેન્દ્ર સિંહ ધોનીના પિતા ક્રિકેટ રમતા હતા કે નહીં, ખબર નથી. પટોડીનો છોકરો એક્ટર બન્યો. ગોવર્ધનરામ ત્રિપાઠીના પિતા ક્યાં મોટા લેખક હતા? સ્વામિ વિવેકાનંદના પિતા વિશે પણ ખાસ જાણકારી નથી. આ બધા માટે આ કહેવત લાગુ પડતી નથી, કારણ કે આ લોકો પોતાની મહેનતથી આગળ આવેલા છે.
સુરત – પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
