એક દિવસ ગુરુજીએ આશ્રમમાં પ્રશ્ન પૂછ્યો, ‘તાકાત એટલે શું?’ શિષ્યોએ કહ્યું, ‘માણસમાં રહેલા શારીરિક બળને તેની તાકાત કહેવામાં આવે છે.’ ગુરુજીએ કહ્યું, ‘શું માત્ર શારીરિક બળને જ તાકાત કહેવાય?’ શિષ્યોએ કહ્યું, ‘હા.’ ગુરુજીએ કહ્યું, ‘ના. માણસની આંતરિક અને માનસિક શક્તિને પણ તેની તાકાત કહેવાય છે. માણસે શારીરિક રીતે તો બળવાન બનવું જ જોઈએ. તે માટે તેને શુધ્ધ પૌષ્ટિક ખોરાક લેવો પડે અને કસરત કરવી પડે. માનસિક તાકાત માટે માણસે શાંત રહેતા શીખવું પડે. ધ્યાન માણસની માનસિક તાકાત વધારે છે.’
ગુરુજી આગળ બોલ્યા, ‘તમને તાકાત વિષે જણાવ્યું હવે મારો પ્રશ્ન છે કે સાચો તાક્તવીર કોને કહેવાય?’ શિષ્યોએ જવાબ જુદા જુદા આપ્યા કોઈકે કહ્યું, ‘એકલા હાથે 10 જણને હરાવી શકે તે તાક્તવીર.’ બીજા એ કહ્યું, ‘10 હાથનું વજન ઉપાડી શકે તે સાચો તાકાતવર.’ ત્રીજાએ કહ્યું, ‘જેની સામે દરેક જણ હારી જાય તેવો યોધ્ધા તાક્તવીર.’ ચોથાએ કહ્યું, ‘વિચારીને માનસિક યુક્તિથી દુશ્મનને હરાવી તે તે સાચો તાક્તવીર.’ પાંચમાએ કહ્યું, ‘અઘરી પરિસ્થિતિમાં શાંત રહી શકે તે સાચો તાક્તવીર.’ અનેક જવાબ આવ્યા. ગુરુજી બોલ્યા, ‘તમારા બધાના જવાબ સાચા જ છે, પણ ચાલો આજે હું તમને મારો મત જણાવું કે સૌથી સાચી તાકાત ધરાવનાર તાક્તવીર કોને કહેવાય.’
બધા જવાબ જાણવા આતુર બન્યા. ગુરુજીએ કહ્યું, ‘એક એવો માણસ જેની સાથે કોઈ વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું, તેને અન્યાય કર્યો અને તેને દુઃખ પહોંચાડ્યું, તે વ્યક્તિને પોતે પેલા માણસ સાથે ખોટું કર્યું એવો બિલકુલ પસ્તાવો ના હોય, પોતે જે કર્યું તે બરાબર જ કર્યું છે તેમ તે માનતો હોય અને સતત અન્યાય જ કરતો રહે છતાં પેલો માણસ તેને સઘળું ભૂલીને માફ કરી દે તો માફી આપનાર આ માણસ સૌથી વધારે સાચી માનસિક તાકાત ધરાવે છે. અન્યાયી સાસુ – સસરાને પોતાના પતિના માતાપિતા ગણી સેવા કરનાર વહુ સાચી તાકત ધરાવે છે.’
ગુરુજીએ આગળ કહ્યું, ‘જયારે કોઈ માણસ પર દુ:ખના દરિયા તૂટી પડ્યા હોય, પોતે ચારે બાજુથી દુઃખમાં ઘેરાયેલો હોય છતાં તે અન્યને મદદ કરીને તેના મુખ પર ખુશી લાવે. પોતાની આંખોમાં આંસુને છુપાવીને બીજાના હોઠો પર સ્મિત લાવે તેવા વ્યક્તિમાં સાચી તાકાત હોય છે. પોતાની પાસે 2 જ સૂકા રોટલા હોય, કકડીને ભૂખ લાગી હોય ત્યારે પણ ભૂખ્યા કુતરાને બંને રોટલા આપી દે તેવો ભિખારી સાચો તાક્તવીર છે.’
ગુરુજીએ આગળ કહ્યું, ‘તાકાત હોવા છતાં પરિસ્થિતિ અને સંજોગો હોવા છતાં પોતાને દુઃખ પહોંચાડનારને સામે દુઃખ પહોંચાડવાની બદલે જરૂર પડે મદદ માટે ઊભો રહે તે વ્યક્તિ સાચો તાક્તવીર છે.,યુદ્ધમાં પકડાયેલા દુશ્મનને સઘળું ભૂલીને માફી આપનાર રાજા સાચો તાક્તવીર છે.’ ગુરુજીએ શિષ્યોને સાચી તાકાત અને સાચા તાક્તવીરો કોને કહેવાય તેની સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.