ઘરમાં ગેટ ટુ ગેધર હતું. ઘરના બધા સભ્યો, દૂરનાં સ્વજનો અને મિત્રો ભેગાં થયાં હતાં. સાઈકોલોજીના પ્રોફેસર શ્રી રામ, ઉપસ્થિત હતા. તેઓ રીલેશનશીપ મેનેજમેન્ટ પર ખાસ સેમીનાર આયોજિત કરતા હતા, જે એકદમ હિટ જતા હતા. આજે પોતાનાં જ સ્વજનોની પાસેથી ડિમાન્ડ આવી કે પ્રોફેસર આજે મોકો છે તો ઘરના અને નજીકનાં સ્વજનોને પણ થોડી રીલેશનશીપ ટીપ્સ આપો.
પ્રોફેસર શ્રી રામ બોલ્યા, ‘રીલેશનશીપ મેનેજમેન્ટનો પહેલો નિયમ છે. દરેક સંબંધને સમજવો અને તેની પર રોજ સજાગ રહીને ધ્યાન આપવું.જે સંબંધ સાથે તમે જન્મથી જોડાયેલા હો એટલે કે લોહીના સંબંધો અને જે સંબંધ તમે બાંધો એટલે દોસ્તી અને પ્રેમના સંબંધો…કોઇ પણ સંબંધ હોય નજીકનો કે દૂરનો દરેક સંબંધ જાળવવો પડે છે.સંબંધમાં જે મેળવવું હોય તે પહેલાં આપવું પડે છે…પ્રેમ જોઈએ છે, પ્રેમ આપો …સમય જોઈએ છે, સમય આપો …સાથ અને મદદ જોઈએ છે તો પહેલા સાથ અને મદદ આપો …લાગણી જોઈએ છે તો લાગણી બતાવો …સાંત્વના જોઈએ છે તો પહેલાં હૂંફ આપો.સંબંધમાં હિસાબ ન હોય પણ ગીવ એન્ડ ટેકનો રુલ આ રીતે કામ કરે છે.’
એક દોસ્તે પૂછ્યું, ‘પ્રોફેસર, એ સમજાવો સંબંધ એટલે શું ?’ પ્રોફેસર બોલ્યા, ‘સંબંધ એટલે કોઈની પણ સાથેનું લોહીનું કે પ્રેમ અને સ્નેહનું અને લાગણીનું જોડાણ…જીવનમાં મોટા ભાગના સંબંધો લોહીની સગાઈ હોય છે અને બાકીના આપણે જોડીએ છીએ.સંબંધ એટલે શું નહિ પણ સાચો સંબંધ ….સારો સંબંધ …હેલ્ધી રીલેશનશીપ કેવી હોવી જોઈએ તે સમજવું સૌથી વધારે જરૂરી છે.’ તરત કોઈકે પૂછ્યું, ‘સાહેબ તો સાચા સંબંધ વિષે સમજાવો.’
પ્રોફેસર બોલ્યા, ‘ગીવ એન્ડ ટેકના રુલવાળા સંબંધ સારા સંબંધ કહેવાય અને સાચા સંબંધની વાત કરું તો જે સંબંધમાં શબ્દો ગોઠવ્યા વિના વાત કરી શકાય , વગર વિચારે જે મનમાં આવે તે કહી શકાય , દિલની લાગણી જેવી હોય તેવી રીતે કોઈ પરદા વિના રજૂ કરી શકાય તે સાચો સંબંધ…જ્યાં આંસુ છુપાવ્યા વિના રડી શકાય, જ્યાં હોઠોની હસી પાછળનું દુઃખ કહ્યા વિના પરખાઈ જાય, જ્યાં નિરાશા કે હતાશા ઠાલવી શકાય તે સાચો સંબંધ…જ્યાં સંકોચ રાખ્યા વિના મનની , દિલની , ઘરની કોઇ પણ પરિસ્થિતિ જણાવી શકાય ..જ્યાં સંકોચ વિના મદદ માંગી શકાય…જ્યાં માંગવા પહેલાં સામેથી મદદ આવી જાય તે સાચો સંબંધ…ભલે આવા સાચા સંબંધ બધા જોડે ન બાંધી શકાય, પણ જીવનમાં બધા સાથે સંબંધ સારા અને થોડા નિકટતમ સાથે સાચા સંબંધ બાંધવા જોઈએ અને નિભાવવા જોઈએ.’પ્રોફેસરે રીલેશનશીપ મેનેજમેન્ટ પર સુંદર સમજ આપી. આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.