Columns

ઈશ્વરને સાચી પ્રાર્થના

મંદિરમાં રોજ હજારો ભક્તો આવે, દર્શન માટે લાઈન લાગે, બધાં જ ભક્તજનો પોતાની કોઈ ને કોઈ ઈચ્છા પ્રાર્થનામાં રજૂ કરે. પૂજારીજી બધાની પ્રાર્થનાઓ સાંભળે અને ઈશ્વર બધાની પ્રાર્થના પૂરી કરે તેવી પ્રાર્થના પોતે કરે.  રોજ પૂજા કરતાં પૂજારીજી વિચારે કે, ‘બધા ઈશ્વરને મળવા, પામવા કે દર્શન કરવા નથી આવતાં. બધા ઈશ્વર પાસે કંઈ ને કંઈ માંગવા જ આવે છે.’  એક દિવસ એક ભક્ત આવ્યો ને પ્રાર્થના કરી, ‘ હે ઈશ્વર, મારે તને સાચે જોવો છે. તું ક્યાં મળે તે જાણવું છે. તારાં મંદિરો તો અનેક છે પણ સાચે તું ક્યાં મળીશ? અને તને ક્યાં ક્યાં શોધું? હવે તું જ મદદ કર.’

 આ પ્રાર્થના સાંભળીને પૂજારીજીને નવાઈ લાગી અને વળી તે મરક મરક હસી પણ પડ્યા. પ્રાર્થના કરનાર ભક્તે પૂછ્યું, ‘ પૂજારીજી, શું કામ હસો છો? શું મારી પ્રાર્થનામાં કંઈક ખામી છે? મારી પ્રાર્થનામાં હસવા જેવું શું છે? શું મારી કોઈ ભૂલ થાય છે?’ પૂજારીજીએ કહ્યું, ‘ ભક્તજન, તમારી પ્રાર્થનામાં તમે કંઈ માંગ્યું નથી તે ગમ્યું. બહુ ગમ્યું. પણ હસવું મને એ વાતનું આવ્યું કે ઈશ્વર તો સર્વવ્યાપી છે. ઈશ્વર બધે જ છે તો પછી તેને જુદી જુદી જગ્યાએ શોધવાની શું જરૂર છે?

બીજો ભક્ત આવ્યો. તેણે વળી કંઈક અલગ જ પ્રકારની પ્રાર્થના કરી, તેણે કહ્યું, ‘હે ઈશ્વર, તારા કયા નામના જાપ કરવા? કયો મંત્ર બોલવાથી તું મને જલ્દી મળીશ.’ વળી આ પ્રાર્થના સાંભળી પૂજારીજી ફરી હસ્યા અને બોલ્યા, ‘ અરે ભક્તજન, તારે ભક્તિ જ કરવી છે ને તો આ પરમ શક્તિમાન ઈશ્વર તો શબ્દોથી પર છે. ઈશ્વરને કોઈ શબ્દોમાં કોઈ નામમાં બાંધવાની જરૂર જ નથી. ઈશ્વર ‘ઈશ્વર’ છે. કોઈ નામ જપવાથી તે જલ્દી મળે એવું છે જ નહીં. ઈશ્વર સાચી ભક્તિ અને શ્રદ્ધાથી મળે.

ત્રીજો ભક્ત આવ્યો અને તેણે તો જાણે માંગણીઓનું લાંબુલચક ઈચ્છાઓનું આખું લીસ્ટ કાઢ્યું. તેને પ્રાર્થના કરવામાં પોતા માટે, પત્ની માટે, બાળકો માટે, ઘર પરિવાર માટે કંઈ ને કંઈ માંગવાનું શરૂ કર્યું. પેલા બે ભક્તો અને પૂજારીજી વળી હસ્યા અને પૂજારીજી બોલ્યા, ‘ઈશ્વરનાં બધાં જ ભક્તો આ ભૂલ કરે છે. ઈશ્વર સર્વ જ્ઞાતા છે. તે બધું જ જાણે છે. છતાં તારી જેમ જ બધાં નાદાન ભક્તો આવીને ઈશ્વરને પોતાની ઈચ્છાઓ કહે છે. ફરી પાછી પોતાની ઈચ્છાઓને પોતાની ઈચ્છા પ્રમાણે પૂરી કરવાની પ્રાર્થના કરે છે, માંગણી કરે છે.’ બીજા ભક્તે પૂછ્યું, ‘તો શું પ્રાર્થના કરવી જોઈએ?’ પૂજારીએ જણાવ્યું ‘સર્વજ્ઞાતા અને શબ્દોથી પર એવા સર્વવ્યાપી ઈશ્વરને શ્રદ્ધાથી સમર્પણ કરો અને કંઈ જ માંગો નહીં.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top