જયારથી કોવિડ-19 મહામારીનો બીજો તબક્કો ચાલુ થયો છે ત્યારથી અખબારોના સમાચારોની હેડલાઇનો અને ટી.વી. ચેનલો પર થતા પ્રસારણો એમનો ધર્મ સદંતર ચૂકી ગયા છે. બંને માધ્યમોમાં ઓકિસજનની તંગી,રેમડેસિવર ઇન્જેકશનની તંગી, બેડની તંગી, એમ્બ્યુલન્સની તંગી વગેરે જોવા કે વાંચવા મળે છે. લાશો ઢગલા, સ્મશાન ભૂમિ ઉપર બળતી લાશો, વેકિસન માટે વેઇટીંગ, સ્મશાનભૂમિ ઉપર વેઇટીંગ, વેન્ટિલેટર, ઓકિસજન બેડ માટે વેઇટીંગ જયાં જુઓ ત્યાં તરફડિયા મારતા લોકો. બે નંબરી કરતા માફિયાઓના ચહેરાઓ, હોસ્પિટલમાં તરફડિયા મારતા દર્દીઓ, શું આટલું જ આપણા દેશમાં થઇ રહયું છે? ઓકિસજન ઘટે કે ઇન્જેકશનો ઘટે તો તેના માટે રાજય કે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા જજ સાહેબના વાકયો, શબ્દો માણસો મરે તે માટે પણ રાજય કે કેન્દ્ર સરકાર જવાબદાર. તે માટેના અભિપ્રાયો જે મોટે ભાગે નેગેટીવ જ હોય છે.
મહામારી કે કુદરતી પ્રકોપ આગોતરી જાણ કરીને આવતા નથી. ભૂકંપ, જળ પ્રલય કે આકાશી વિજળી પડવીમાં માનવી લાચાર થઇ જતો હોયછે એ વાત જયાં સુધી આપણે ન સ્વીકારીશું ત્યાં સુધી આપણે દોષારોપણોમાંથી ઉંચા આવી શકીશું નહીં. આ વખતે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ સાહેબોના વિધાનો પણ અતિશયોકિતભર્યા લાગ્યા છે.માફ કરજો જજ સાહેબો મહામારી સમયે રાજય અને કેન્દ્ર સરકારો સાથે તમારે પણ ખભેખભા મિલાવીને ચાલવાનો સમય છે. ફકત હુકમો કરવાનો નહીં. આપણા દેશમાં બીજા તબક્કાની મહામારી વિશે જવાબદારોને સજા કરવાનો સમય ભવિષ્યે મળશે પરંતુ હાલ ઓકિસજન, ઇંજેકશન, વેન્ટીલેટરની વ્યવસ્થામાં સહભાગી કેવી રીતે બનાય તે વિચારવું જોઇએ. એના અમલીકરણ માટે સૌએ આગળ આવવું પડશે. શું હાલ બધી રાજય અને કેન્દ્ર સરકાર કામ નથી કરતી?
ગણદેવી – રમેશ કે. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.