પ્રખ્યાત સંગીતકાર હાર્બટ. શ્રોતાઓ તેમનું સંગીત સાંભળવા ગમે તેટલી મોંઘી ટીકીટો ખરીદતા. હાર્બટ દરેક કાર્યક્રમમાં પોતાનો જીવ રેડી દેતા. એક દિવસ સંગીતકાર હાર્બટ સરસ મોંઘો સુટ પહેરી તૈયાર થઇ પોતાની બગીમાં કાર્યક્રમના સ્થળે જવા નીકળ્યા. રસ્તામાં એક મોટું ટોળું એકઠું થયું હતું; એક ગટરનું ઢાંકણું અડધું તૂટી ગયું હતું અને તેમાં એક ઘોડાગાડીવાળાના ઘોડાના બે પગ ફસાઈ ગયા હતા.
ઘોડાગાડીવાળો ઘોડાના પગ ગટરમાંથી બહાર કાઢવા એકલો ખુબ પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ઘોડો ગભરાયેલો હતો. વળી ઈજા પણ પામ્યો હતો એટલે સાથ આપતો ન હતો અને ઘોડાગાડીવાળો પગ કાઢી શકતો ન હતો. આસપાસ ઉભેલા લોકોમાંથી કોઈ ઘોડાગાડીવાળાની મદદ કરવા આગળ આવતું ન હતું. ઘોડો ગમેતે ક્ષણે વિફરી શકે તેમ હતો અને ઘોડાના પગ બહાર કાઢતા ગટરનો કાદવકીચડ ઉછળીને કપડા બગડે. સૌ ને પોતાની અને કિંમતી કપડાની ચિંતા હતી.
સંગીતકાર હાર્બટે આ દ્રશ્ય જોયું તેઓ પોતાની બગીમાંથી ઉતર્યા, કોટ કાઢી ગાડીવાનને આપ્યો અને શર્ટની બાયો ઉપર ચઢાવી ઘોડાગાડીવાળા પાસે આવ્યા અને ઘોડાના પગ કાઢવા તેને મદદ કરવા લાગ્યા. ખુબ મહેનત બાદ તેઓ બન્ને જણ ઘોડાના પગ બહાર કાઢી શક્યા અને પોતાના ઘાયલ ઘોડાને પ્રેમથી થાબડી હજી ઘોડાગાડીવાળો સંગીતકાર તરફ આભાર માનવા ફરે તે પહેલા તો કાર્યક્રમમાં પહોંચવાનું મોડું થયું હોવાથી સંગીતકાર ચાલ્યા ગયા હતા.
કાર્યક્રમનો સમય થઇ ગયો હતો સંગીતકાર હાર્બટની જ રાહ જોતા આયોજકો ચિંતામાં હતા. સંગીતકાર હાર્બટ પહોંચ્યા મોડા પડવાનું કારણ કહ્યું અને કાદવવાળા કપડે જ પાણી પીને તરત જ પડદો ખોલવાનો આદેશ આપ્યો. આયોજકોએ કહ્યું, ‘તમારા કપડાં કાદવવાળા છે… ઉભા રહો નવા કપડા મંગાવી લઈએ. બદલી લો.. પછી કાર્યક્રમ શરુ કરશું.’ સંગીતકાર બોલ્યા, ‘ના, મારા શ્રોતાજનો મને સાંભળવા ઉત્સુક છે હવે મારાથી તેમને વધુ રાહ ન જોવડાવાય ભલે કપડા કાદવવાળા રહ્યા.’એક આયોજકે કહ્યું, ‘તો પછી સાહેબ, તમારે સમયસર આવવું હતું શું કામ રસ્તામાં ઘોડાગાડીવાળાની મદદ કરવા રોકાયા અને કપડા ગંદા કર્યા એની મુશ્કેલી તે હલ કરત’
સંગીતકાર હાર્બટે કહ્યું, ‘બિચારા ઘોડાને પીડા થતી હતી. ઘોડાગાડીવાળાની કોઈ મદદ કરી રહ્યું ન હતું અને જો હું પણ ઘોડાના પગ બહાર કાઢવામાં તેની મદદ ન કરત તો મારા મનમાં તેનો રંજ રહેત અને મારા હૈયામાંથી સુરીલું સંગીત કોઇ કાળે નીકળી ન શકત અને શ્રોતાજનોએ બેસૂરું સંગીત સાંભળવું પડત. અત્યારે થોડું મોડું થયું પણ અબોલ પ્રાણીની મદદ કરી મેં મારી ફરજ નિભાવી છે તેનો આનંદ અને ઉલ્લસ મારી સંગીતની સુરાવલીઓને વધુ રસમય બનાવશે.’ આટલું બોલી સંગીતકાર હાર્બટ સ્ટેજ પર ગયા અને એવો કાર્યક્રમ આપ્યો કે બધા તેમના સંગીતના સૂરોમાં ખોવાઈ ગયા કોઈને કપડા પરના કાદવના ડાઘ દેખાયા પણ નહિ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.