એક બ્રાહ્મણના ત્રણ દીકરા હતા. બ્રાહ્મણે ત્રણે દીકરાઓને આશ્રમમાં શસ્ત્રોના જ્ઞાન માટે મોકલ્યા. થોડા વખતમાં મોટો દીકરો થોડું ઘણું શીખીને પાછો આવી ગયો અને તેને ઈમાનદારી દાખવી પિતાને કહી દીધું કે પિતાજી મને આ શાસ્ત્રોના અઘરા વચનો અને અર્થઘટનો સમજતા નથી અને યાદ નથી રહેતા હું આગળ અભ્યાસ નહિ કરી શકું. પિતા થોડા દુઃખી થયા. માતાએ કહ્યું, ‘કઈ વાંધો નહિ તું તારા પિતા કહે તેમ તેમના કામમાં સાથે રહેજે.’
બે નાના દીકરા આશ્રમમાં શાસ્ત્રોનો અભ્યાસ કરતા રહ્યા અને મોટો દીકરો પિતાને સાથ આપતો તેમના કામમાં જોડે જતો અને બધી તૈયારીઓ કરતો. માતાને ઘરકામમાં મદદ કરતો. ઘરે માતા પિતાની સેવા કરતો. આમ સમય પસાર થતો હતો વર્ષો વીત્યા વચલો દીકરો ચાર વેદોનું જ્ઞાન મેળવી ઘરે આવ્યો. તેના મોઢે વેદની ઋચાઓ સાંભળી પિતાની છતી ગજ ગજ ફૂલી તેઓ બોલ્યા, ‘વાહ દીકરા તે મારી ઈચ્છા પૂરી કરી હવે તું કર્મકાંડ અને પુજવિધીનાં કામમાં મારી સાથે આવજે.’ દીકરો બોલ્યો, ‘ના, પિતાજી મારે કઈ અહીં ગામમાં કર્મકાંડી બ્રાહ્મણ નથી બનવું મારે તો નગરોમાં જઈને રાજાના દરબારમાં જ્ઞાની પંડિતનું સ્થાન મેળવવું છે. તમને મદદ કરવા મોટાભાઈ છે ને..’ અને તે ચાલ્યો ગયો.
સૌથી નાનો દીકરો તો ચાર વેદ સાથે ઉપનિષદ અને પુરાણોનો જ્ઞાતા બન્યો. તે એટલો પારંગત થયો કે તેના ગુરુજી તેને પોતાની સાથે બધે શાસ્ત્રાર્થ માટે લઇ જવા લાગ્યા. નાનો દીકરો જ્ઞાની પંડિત થઇ પ્રખ્યાત થયો. તેની ખ્યાતી બ્રાહ્મણ સુધી પહોંચી પણ નાનો દીકરો પોતે તો ઘરે આવ્યો નહિ. તે ખુબ જ આગળ વધી ગયો એટલે તેની પાસે ગામડે આવવાનો સમય જ નહતો. તેની શાસ્ત્રાર્થમાં જીતની ખબર આવતી અને માતા પિતા ખુશ થતા. મોટો દીકરો માતાપિતાની સેવા કરતો હતો અને વખત જતા બ્રાહ્મણ વૃદ્ધ થતા હવે મોટો દીકરો જ તેમના કામ પણ સંભાળતો હતો અને તેમની સેવા પણ કરતો હતો.
એક દિવસ પાડોશીએ બ્રાહ્મણને કહ્યું, ‘તમારા બે નાના દીકરાઓએ વેદ અને ઉપનિષદનો અભ્યાસ કરી ઘણું જ્ઞાન મેળવ્યું અને તમારું નામ ચારે દિશામાં રોશન કર્યું. જીવન સાર્થક કર્યું. પરંતુ બસ આ તમારો મોટો દીકરો થોડો પાછો પડ્યો.’ બ્રાહ્મણે આંખમાં આંસુ સાથે કહ્યું, ‘ભાઈ પહેલા મને પણ એમ જ લાગતું હતું… પણ મારી ભૂલ હતી. ભલે મારો મોટો દીકરો વેદ અને પુરાણોનો જ્ઞાતા નથી પણ તે સમજદારી, જવાબદારી, વફાદારી, ઈમાનદારી આ ચાર જીવનના મહત્વના વેદને બરાબર સમજે છે ને એથી વધુ નિભાવે છે. આ ચાર વેદ સમજદારી- જવાબદારી- વફાદારી- ઈમાનદારીનો મર્મ જાણનાર અને નિભાવનારનું જીવન સૌથી વધુ સાર્થક છે.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.