Business

સાચું સુખ સંતોષમાં જ છે

કહ્યું છે ને કે, સંતોષી નર સદા સુખી જેને સંતોષ જ નથી એ કાયમ દુ:ખી રહે છે. દુ:ખને શોધવા જવું પડતું નથી. એ તમારી આસપાસ ભટકયા કરે છે. એને તમે સ્વીકારી લો એટલે એ તમારી ઉપર હાવી થઇ જાય, અને જો તેને નજીક ન ફરકવા દો, તો એ સ્પર્શી પણ શકતું નથી. સુખ અને દુ:ખ મહદંશે મનનાં કારણ છે. જોકે એ આ ઘટ સાથે એટલે કે તમારા દેહ સાથે, જીવન સાથે જોડાયેલાં જ છે. કયારેક દુ:ખ આવે તો તેને તમારી ઉપર હાવી થવા ન દો, એ ધીમે રહીને પસાર થઇ જશે.

એક વાત અહીં યાદ આવે છે, એક ગામમાં એક સાધુ રહે. તે રોજ ગામમાં ફરીને લોકોના ઘેર જઇ ભિક્ષા માંગી લાવે. ગામ સારું અને સુખી હતું એટલે એને પ્રમાણમાં સારી ભિક્ષા મળી રહેતી. કોઇ દિવસ કંઇ ખૂટયું નહતું. એ સામાનમાંથી ભોજન બનાવી એ ખાતો હતો. પણ એ મનનો અસંતોષી હતો. એકવાર ગામના લોકો ચોરે બેઠા હતા, તેમણે મહારાજને બોલાવીને પૂછયું; ‘મહારાજ તમને ભિક્ષા તો બરાબર મળે છે ને? કંઇ ખૂટતું હોય, તકલીફ હોય તો કહેજો અમે બધા બીજી વ્યવસ્થા કરી દઇશું.’ ત્યારે મહારાજમાં બેઠેલો પેલો અસંતોષ જાગ્યો, એ બોલ્યા; ‘ભાઇઓ ભિક્ષા તો મળે છે, પણ હવે દિવસે દિવસે લોકો દુષ્ટ થતા જાય છે, એટલે ભિક્ષા ઓછી મળે છે. લોકો લોભી થવા માંડયા છે. પણ જેમ તેમ ચાલે છે.’

પેલા લોકો વિચારમાં પડી ગયા. આ મહારાજ આમ કેમ બોલે છે. આપણે તો દરેક ઘરમાંથી પૂરતી ભિક્ષા મળી રહે એવી ગોઠવણ કરી આપી જ છે. અને સ્વામીજી રોજ ઝોળી ભરીને ભિક્ષા લઇ જાય છે, પછી એ આવું કેમ બોલે છે? એક પછી એક માણસોએ સ્વામીને પૂછયું; મહારાજ મારા ઘેર જાવ છો ને, મારા ઘેરથી ભિક્ષા મળે છે ને? બીજાએ, ત્રીજાએ, બધાએ આમ પૂછયું. સ્વામીજીએ બધાંને ‘હા’નો જવાબ આપ્યો. એટલે બધા વિચારમાં પડયા. આ સ્વામીજી તો હા પાડે છે, બધેથી ભિક્ષા મળે જ છે. પછી એને શું ખોટ પડી?

આ તો ખોટાબોલો છે, અને પેટભરો લાગે છે. ખાય છે આપણું ને પાછો લોકો લોભી થઇ ગયા કહે છે. આને ગામમાંથી તગેડી મૂકો. એમ વિચારી બધાએ પેલા સ્વામીજીને ગામમાંથી કાઢી મૂકયો. એ પોટલું બાંધી ગામમાંથી નીકળ્યો, ત્યાં રસ્તામાં એના ગુરુ મળ્યા. ગુરુએ પૂછયું: કયાં જાવ છો? પેલાએ આખી વાત કરી. તો ગુરુજી બોલ્યા, ભૂલ તારી છે. તને પૂરતી ભિક્ષા મળતી હોવા છતાં તું ખોટું બોલ્યો, ગામ લોકોને દુષ્ટ કહ્યા. ખાધુ એનું જ ખરાબ બોલ્યો, એ તારામાં બેઠેલો અસંતોષ જાગ્રત થયો છે. આ તારો અસંતોષ બોલે છે. એટલે હવે વધુ દુ:ખી થઇશ. જો સંતોષ રાખ્યો હોત તો તને ગામ છોડવું ન પડયું હોત.

ગુરુજી એને શીખ આપી પાછા ગામમાં લઇ આવ્યા. પછી એ મહારાજે કયારેય લોભ કર્યો નથી કે, અસંતોષ અનુભવ્યો નથી. આમ સંતોષ જ જીવનના સુખની ખરી ચાવી છે આપણે સુખ શોધવા અનેક ચાવીઓ લગાડી જોઇએ છીએ, પણ ચાવી  સાચી હોય તો જ તાળું ખૂલે, એમ સુખની ચાવી સંતોષ છે. જે મળ્યું છે તે તમારા નસીબનું છે, એ જ ખરું છે, એમાં જ સંતોષ માનો. તો જ તમે સુખી-સુખી.

Most Popular

To Top