મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે સત્ય એ જ પરમેશ્વર. આપણે પણ ગાઈએ છીએ. સત્યમ્ શિવમ્ સુંદરમ્. આપણા શાસ્ત્રો પણ આમ જ કહે છે. પરંતુ અત્યારે સત્યને આચરણમાં મૂકનારા, ઈશ્વર નિમિત્તે કાર્ય કરનારા, અરે, ઈશ્વરને યથાર્થ જાણવાવાળા લાખોમાં કોઈક જ નીકળે છે. આપણે માટે ગૌરવની વાત છે કે ગાંધીજી જેવા મહાપુરુષો આપણા ભારતની ભૂમિ ઉપર જન્મ લે છે. એટલું જ નહિ પણ સચ્ચાઈથી,હિમ્મતથી,ત્યાગ અને સમર્પણની ભાવનાથી જગતને નવો રાહ બતાવે છે. સત્યનો રાહ ચીંધે છે. આપણા દેશની પવિત્ર ભૂમિ પર અનેક યુદ્ધો સત્યને ખાતર ખેલાઈ ચૂક્યા છે. અને દરેક વખતે સત્યની જ જીત થઈ છે. એ રીતે સત્ય એ જ ઈશ્વર છે એ પૂરવાર થાય છે. રામ-રાવણનું યુદ્ધ પણ સત્ય-અસત્યનું યુદ્ધ હતું. અત્યારે પણ રાવણ(માયા)સામે રામનું યુદ્ધ ઠેક ઠેકાણે ચાલે જ છે. અંતે જીત તો સત્ય(રામ)ની જ થવાની છે. કૌરવો સામે પાંડવોનું યુદ્ધ પણ અસત્ય સામે સત્યનું યુદ્ધ હતું. એવી જ રીતે ગાંધીજી પણ સત્યના શસ્ત્રથી વિશ્વની મોટામાં મોટી તાકાત એવી અંગ્રેજ સલ્તનતને આપણા ભારતમાંથી હંમેશને માટે દૂર કરી શક્યા.
અત્યારે કલિયુગી દુનિયામાં સત્યની રાહ ઉપર ચાલનારા તો ઠીક,સત્યને માનનારા પણ કોઈક જ છે. ખરેખર સત્યનું આચરણ કરનારને આપણો સમાજ એક યા બીજી રીતે હેરાન કરે છે સમજતા નથી. પણ જો સત્યના રાહ ઉપર ચાલનારાને આપણે ઓળખી શકીએ તો જરૂર આપણા માટે અને સમાજ માટે કંઈક મેળવી શકીએ. પણ અહંકારને લીધે કોઈપણ કાળે સદપુરુષને ઓળખવાની કોશિશ પણ કરતા નથી. સપુરુષોનું પણ ખાસ લક્ષણ હોય છે કે-પોતે ક્યારેય પોતાની સત્યતા પૂરવાર કરવાની કોશિશ કરશે નહિ. સત્યવાદી મનુષ્ય તો વર્ષો સુધી ગુપ્ત રીતે બીજાઓને માટે કંઈક ને કંઈક કરતો રહેશે. હંમેશા તેમનામાં ત્યાગની ભાવના રહેલી હોય છે.
આમ છતાં ક્યારેય પોતાના વિશે કોઈને એક શબ્દ પણ કહેશે નહિ. એટલે જ આવી વિરલ વ્યક્તિને ઈશ્વરની ગુપ્ત મદદ મળતી રહે છે. જ્યારે આપણો સમાજ દરેક સતવાદી, સંત-શૂરાને વર્ષોથી યાતના આપીને જ ઓળખી શકે છે. આમ ન હોત તો ગાંધીને ગોળી અને ઈસુને શૂળી મળે જ શા માટે? પહેલાં મારી નાંખે છે. પછી જ ઓળખવાથી પૂજા કરે છે! આજના સમાજની કેવી વિચિત્રતા છે? સત્યના પથ પર ચાલનારને નિસ્વાર્થ ભાવે સેવા કરનારને ગોળી મારી શકે છે, અનેક નિર્દોષોને યાતના આપી શકે છે. પરંતુ હંમેશાં દંભનું મહોરું પહેરી સમાજને ગેરમાર્ગે દોરી ભયંકર અપરાધ કરનારને, ભ્રષ્ટાચાર કરનારને કે ધર્મને નામે ચરી ખાનારને આપણો સમાજ કંઈ કરી શકતો નથી. આનાથી મોટું દુર્ભાગ્ય બીજું કયું હોય? તો પણ જેને બીજાઓનું ભલું જ કરવું છે.
ઈશ્વર નિમિત્ત કંઈક કાર્ય કરવું છે. એ વ્યક્તિ નિંદા થાય કે સ્તુતિ થાય, માન મળે કે અપમાન મળે, સુખ મળે કે દુઃખ મળે તો પણ પોતાને માર્ગેથી લગીરે ચલાયમાન થતા નથી. અને તન,મન અને ધનથી બીજાઓની સેવા કરતા રહે છે. સૌથી નવાઈ પમાડે.એવી વાત તો એ છે કે પોતાના ભયંકર શત્રુનું પણ એ કલ્યાણ જ ઈચ્છે છે! આવી વિરલ વ્યક્તિ જ, ઈશ્વરને જાણી શકે છે. જો સત્યને સાથ આપવો હોય, સત્યને સાથ આપવાથી સમાજને લાભ થતો હોય તો થોડું ઘણું સહન કરવું પડે તો તેને આપણું અહોભાગ્ય સમજવું જોઈએ.તો જ આપણને સાચા અર્થમાં સત્યની પ્રાપ્તિ થશે. જેથી આપણે સુખ શાંતિ મેળવીશું અને સમાજને ઉપયોગી થઈશું. કોઈ પણ વાતમાં જ્યાં સુધી સત્યને ન જાણી શકીએ ત્યાં સુધી આપણે કંઈ જાણ્યું ન કહેવાય. અને ત્યાં સુધી આપણે કોઈની હા માં હા પણ ન કહી શકીએ. ક્યારેક એવું બને કે કોઈ આપણને ગેરમાર્ગે દોરતું હોય અને આપણે તેની હા માં હા કહીએ !
જ્યારે સત્ય ક્યાંક કચડાતું હોય જે જાણતા પણ ન હોઈએ આમ થવાથી ઊલટી આપણને જ હાનિ થાય છે. માટે આપણે હા માં હા ન કહેતાં ચૂપ રહેવું જોઈએ. અને જો આપણે ચૂપ ન રહી શકીએ તો આપણા જેવા અજ્ઞાની બીજા કોઈ ન હોય એમ સમજવું. જો સત્યને જાણવું જ છે તો ધીરજથી કામ લેવું જોઈએ.જેથી કરીને સત્ય હશે એ પરખાઈ જશે. ઉતાવળ કરવાથી એવું બને કે સત્યને માર્ગે ચાલનારને વધુ સહન કરવું પડતું હોય. અને તેમ થાય તો આપણે પાપના ભાગીદાર બનીએ. સત્યના માર્ગે ચાલનારને આપણે સાથે આપીએ કે ન આપીએ તેથી તેમને કંઈ થવાનું નથી પરંતુ આપણે ઈચ્છીએ કે સત્યને વિશે ચાલો, કંઈક જાણીએ તો પહેલાં એ વિચાર કરી લેવો કે સત્યને દબાવવા વાળાને આપણે મદદ તો નથી કરતાં ને? જે બીજાની નિંદા કે ટીકામાં આનંદ લે છે. તેને અસત્યનો આચરનાર ગણી લેવો. આવા માણસની વાત સાંભળવાથી કે તેને મદદ કરવાથી પુરુષોને ભારે હાનિ થશે તો જેમ સત્પુરુષોના આશીર્વાદ એળે જતા નથી તેમ પુરુષની બદદુઆ પણ એળે જતી નથી.
સત્પુરુષની બદદુઆ રાજા મહારાજાઓના તાજ-તખ્ત કાઢી નાખવા જેટલી શક્તિશાળી હોય છે. તેથી સમજી વિચારીને દરેક બાબતમાં માથું મારવું જોઈએ. જો કોઈ સમાજ ઉપયોગી કાર્ય કરતા હોય તો વિઘ્નરૂપ ન બનવું જોઈએ. કહ્યું છે કે ‘લાખ જૂઠને જતું કરજો અને સત્યને પકડી રાખજો.’ એમાં જ સૌનું હિત સમાયેલું છે. એ જ પ્રભુને પસંદ છે. સત્ય તો જાણે અસત્ય રૂપી ઢાંકણ નીચે છુપાઈને ફરે છે! પરંતુ યોગ્ય સમયે બહાર આવે જ છે. આ યોગ્ય સમય એટલે જ વર્તમાન સમયે ‘યદા યદા હિ ધર્મસ્ય’ પ્રમાણે એ જ સત્યમ્ શિવમ્ સુંદરમ્ જેના માટે પ્રભુ, ઈશ્વર,અલ્લાહ,ભગવાન,ગોડ,ફાધર ગમે તે નામ લો તેઓ આ ધરા પર આવી ચૂક્યા છે. અને સત્ય જ્ઞાન અને યોગ બળે અસત્યનું આવરણ કાઢીને એક સત રાજ્ય, એક સત ધર્મની સ્થાપના કરી રહ્યાં છે. મિત્રો,આપણે આપણી જાતને પૂછીએ કે આપણે કેટલા અંશે ‘જુઠુમ્ જીવમ્ કદરૂપ છીએ અને કેટલા અંશે સત્યમ્ શિવમ્ સુંદરમ્ છીએ? આપણે આજે પ્રથમ તો સતના માર્ગે જ ચાલવાનો દઢ સંકલ્પ કરીએ અને આપણા સ્નેહીજનોને પણ આ માર્ગ પર ચાલવા સાથે રાખીએ. એવી શુભેચ્છા સાથે.