World

ભારતને બદનામ કરવા કેનેડાએ લીક કરી હતી સંવેદનશીલ માહિતી, ટ્રુડોના અધિકારીઓની કબૂલાત

નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાંય સમયથી કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો દ્વારા ભારત વિરુદ્ધમાં ઘણું ઝેર ઓકવામાં આવ્યું છે. અખબારો પણ ઘણી સંવેદનશીલ માહિતીઓ પબ્લીશ થઈ છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. ખરેખર ટ્રુડો સરકારે જ ભારત વિરુદ્ધની સંવેદનશીલ માહિતીઓ અમેરિકન ન્યુઝ પેપર વોશિંગ્ટન પોસ્ટને લીક કરી હોવાની ખુદ કેનેડા સરકારના બે સિનિયર અધિકારીઓએ કબૂલી છે.

ધ ગ્લોબના અહેવાલ અનુસાર ટ્રુડોની રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર નતાલી ડ્રોવિને સંસદીય સમિતિને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના એક ટોચના અધિકારી કેનેડામાં નિજ્જર પર હુમલાના ષડયંત્રમાં સામેલ હતા. ડ્રોવિને કહ્યું કે તેમને આ ગોપનીય માહિતી લીક કરવા માટે વડાપ્રધાનની મંજૂરી મળી ન હતી.

વાસ્તવમાં ગોપનીય માહિતી લીક કરવી એ સંચાર વ્યૂહરચનાનો એક ભાગ હતો. તેમણે અને કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસને નક્કી કર્યું કે અમેરિકાના એક મોટા અખબારને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદનું ઓટ્ટાવાનું વર્ઝન ખબર પડે.

તેમણે કહ્યું કે આ કોમ્યુનિકેશન સ્ટ્રેટજી પર વડાપ્રધાન કાર્યાલયનું સંપૂર્ણ ધ્યાન છે. દરમિયાન 13 ઓક્ટોબરના રોજ વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સિંગાપોરમાં કેનેડાના NSA સાથે ગુપ્ત બેઠક કરી હતી.

સંસદીય સમિતિએ ડ્રોવિન અને મોરિસનને ઠપકો આપતા પૂછ્યું હતું કે શા માટે ટ્રુડો તેમના કેબિનેટ મંત્રીઓ અને RCMPએ આ માહિતી અખબારને સોંપવાને બદલે જાહેર કરી નથી.

ટ્રુડોએ ગયા વર્ષે સંસદમાં પહેલીવાર ભારત પર આરોપ લગાવ્યો હતો
ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો હતો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે.

ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે ભારત નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાને સહયોગ કરી રહ્યું છે.

ગયા વર્ષે નિજ્જરની હત્યા થઈ હતી
ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો.

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુઃખાવો બની ગયો હતો. કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે ટ્રુડો 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

તે સમયે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 2010 માં, પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હિંસા ભડકાવવા અને આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસમાં પોલીસ તેને શોધી રહી હતી. ભારતે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

Most Popular

To Top