ગાંધીનગર : અમેરિકન ગ્રુપ (American Group) ટ્રિટોન દ્વારા કચ્છ – ભૂજ ખાતે હવે ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદન માટે પ્લાન્ટ (Plant) સ્થાપવામાં આવનાર છે. આ માટે ટ્રિટોન તથા રાજ્ય સરકાર વચ્ચે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પેટલની (Bhupendra Patel) ઉપસ્થિતિમાં કરાર થયા હતા. ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ એલ.એલ.સી અને રાજય સરકાર વચ્ચે આ પ્લાન્ટ ની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થયા છે. આ કરાર મુજબ રૂ. ૧૦૮૦૦ કરોડના કુલ રોકાણ (Invest) સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષ ર૦રર-ર૩માં ૧ર૦૦ કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરશે. ૧૦ હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પૂરો પાડશે. એટલુ જ નહીં આ પ્લાન્ટ ઇલેક્ટ્રિક ટ્રકો બનાવનારો દેશનો પહેલો પ્લાન્ટ બનશે.
- અમેરિકા સ્થિત ટ્રિટોન ગ્રુપ કચ્છ- ભૂજ ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલનો પ્લાન્ટ સ્થાપશે
- 1અમેરિકન ગ્રુપ 10800 કરોડનું રોકાણ કરશે
- રાજય સરકાર તથા ટ્રિટોન વચ્ચે કરાર થયા
- ટ્રિટોન દ્વારા ઇલેક્ટ્રિક સેમી ટ્રક, એસ.યુ.વી, ઇલેક્ટ્રિક સેડાન, ડિફેન્સ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઇલેક્ટ્રિક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે
રાજય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સી.ઇ.ઓ. હિમાંશુ પટેલે આ એમ.ઓ.યુ ઉપર હસ્તાક્ષર કરી એમ.ઓ.યુ પરસ્પર આદાન-પ્રદાન કર્યા હતા.રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિ-નિયમો અનુસાર સહાયક બનશે.
ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ પોતાના આ ૬૪પ એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક પ૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે. એટલું જ નહીં, ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટિરિયલ ટેસ્ટિંગ લેબ જેવી ઇન હાઉસ ફેસેલિટિઝ પણ તેઓ ઊભી કરવાના છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ એ યુ.એસ.એ બેઇઝડ કંપની છે. લિથીયમ બેટરી સેલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ કંટ્રોલર્સના ઉત્પાદનમાં વિશેષ તજજ્ઞતા ધરાવે છે. ટ્રિટોન દ્વારા વર્લ્ડકલાસ સેફટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેંજ ઇલેક્ટ્રિક વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યા છે. યુ.એસ.એ માં ટ્રિટોન દ્વારા ઇલેક્ટ્રિક સેમી ટ્રક, એસ.યુ.વી, ઇલેક્ટ્રિક સેડાન, ડિફેન્સ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઇલેક્ટ્રિક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે.
.