SURAT

વરાછા ગરનાળામાં મોટી દુર્ઘટના ટળી: લોખંડનું ગર્ડર તૂટતા વાહન ચાલકોના જીવ અદ્ધર થયા, તંત્ર ક્યારે જાગશે?

સુરતના વરાછા ખાંડબજારમાં આવેલ ગરનાળું શનિવારે 1 માર્ચે બપોરે ફરી એકવાર વાહન ચાલકો માટે જીવનું જોખમ સાબિત થયું હતું. એક મસમોટું ડમ્પર ગરનાળામાં પ્રવેશ કરતા ફસાઈ ગયું હતું. જેના કારણે રેલવે બ્રિજ નીચેનું લોખંડનું સેફ્ટી ગર્ડર તૂટી ગયું હતું. જેથી અહીંથી પસાર થતાં વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ગરનાળાની સમસ્યા મામલે વારંવાર તંત્રને અપીલ કરવામાં આવતી હોવા છતાં આ મામલે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું ન હોવાથી લોકો રોષે ભરાયા છે.

સુરત શહેરના ગરનાળા વર્ષોથી અહીંથી પસાર થતાં લોકો માટે સમસ્યા બની રહ્યાં છે. ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાવાને કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ ભારે વાહનો રેલવે બ્રિજની નીચે ફસાઈ જવાના પણ અનેક બનાવ બન્યા છે. રેલવે બ્રિજની ઉંચાઈ ઓછી હોવાને કારણે ભારે વાહનો અહીં પ્રવેશી શકતા નથી. અનેકવાર વાહનો અહીં ફસાઈ જાય છે. શનિવારે પણ આવી જ ઘટના બની હતી. બપોરના સમયે અહીંથી પસાર થતા એક ડમ્પરે ગરનાળામાં પ્રવેશ કરતાં જ તેનો ઉપરનો ભાગ લોખંડના ગર્ડર સાથે અથડાઈ ફસાઈ ગયો હતો. ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સ લેવાની કોશિશ કરતા સેફ્ટી ગર્ડર તૂટીને ડમ્પર સાથે ઘસડાયું હતું. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અટકી જવું પડ્યું હતું. એટલું જ નહીં જો ડમ્પર ચાલક ડમ્પરને વધુ રિવર્સમાં લે તો ગર્ડર ધડાકાભેર નીચે પડવાની સંભાવનાને જોતા વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

જોકે સમય સૂચકતા વાપરીને ડમ્પર ચાલકે ડમ્પરને ત્યાં જ રોકી દીધું હતું. જેને કારણે તેમાં ફસાયેલ ગર્ડર પણ ત્યાં જ અટકી ગયું હતું. જેથી એક મોટી દુર્ઘટના થતાં સહેજે બચી ગઈ હતી. પરંતુ આ ઘટનાથી સ્થાનિક લોકોમાં તેમજ અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું હતું કે આ વર્ષો જુની સમસ્યા છે. પહેલા પણ અનેકવાર આવી દુર્ઘટના થઈ ચુકી છે. તંત્રને વારંવાર જાણ કરી હોવા છતાં રેલવે વિભાગ અને સુરત મહાનગર પાલિકાના પેટનું પાણી હલતુ નથી. સ્ટેશનથી વરાછા પોદ્દાર આર્કેડ તરફ જતા આ રસ્તા પર ગરનાળાની નીચેથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. એવામાં જો ઝડપથી આ સમસ્યાનું નિકારણ લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

Most Popular

To Top